Gujarat

મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાનો નિર્ણયએ ગુજરાતની જનતાના ધર્મયુદ્ધની જીત છે: કોંગ્રેસ

અમદાવાદ: પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji Temple) માં વર્ષોથી પરંપરાગત રીતે આપવામાં આવતો મોહનથાળનો (Mohanthal) પ્રસાદ અચાનક બંધ કરી દેતાં હજારો- કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હતી. જેને કારણે પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો ખૂબ વિરોધ થયો હતો. ગુજરાતની (Gujarat) ધર્મ પ્રેમી જનતા દ્વારા શરૂ કરાયેલા ધર્મયુદ્ધની જીત થઈ છે. કોંગ્રેસે પણ આ મુદ્દે મંદિર પરિસરથી લઈ વિધાનસભા સુધી ધર્મ રક્ષા માટે અવાજ ઉઠાવ્યો હતો. ચારેબાજુએ વિરોધના પગલે ફરી વખત અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને ઠેર ઠેર ગુજરાતના મંદિરોમાં મોહનથાળનો પ્રસાદ વહેંચીને પ્રતિકારાત્મક વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા સજ્જડ આંદોલનની તૈયારી પણ દાખવી હતી. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા તથા ધારાસભ્યો દ્વારા આ પ્રશ્નને ઉઠાવવામાં આવ્યો હતો. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરવા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. મોહનથાળના મુદ્દે સૌથી પહેલો અવાજ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને પ્રદેશ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ અંબાજી ખાતે કલેકટરને મળી આવેદનપત્ર આપ્યું હતું અને જો આ મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપી હતી અને સાથે જ આદિવાસી બહેનોને તેમની રોજગારી પાછી મળશે, તેવી ખાતરી પણ આપી હતી.

આજે જ્યારે સરકાર દ્વારા સુખદ નિર્ણય લેવામાં આવ્યો છે અને સરકારે પીછેહટ કરીને સનાતન ધર્મીઓની આસ્થાને ઠેસ પહોંચાડતો નિર્ણય પાછો ખેંચીને મોહનથાળ પ્રસાદ ચાલુ કર્યો છે, ત્યારે આ જીત સર્વે ગુજરાતની જનતાની, ધાર્મિક સંસ્થાનોની અને સર્વે સનાતન ધર્મ પ્રેમીઓની છે.

Most Popular

To Top