Gujarat

મુસ્લિમોને વોટ જેહાદ કરવાનું કહેતી કોંગ્રેસના ઈરાદા ખતરનાક, રામ-શિવના નામે લડાવવા માંગે છે: મોદી

આણંદ: લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે બીજા દિવસે વડાપ્રધાને આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર ખાતે આવેલા શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધી હતી. વડાપ્રધાને ઈકોનોમી, આતંકવાદ, પાકિસ્તાન, કોંગ્રેસ, કાશ્મીર, સંવિધાન જેવા મુદ્દા છેડ્યા હતા.

કાળઝાળ ગરમીમાં વડાપ્રધાનને એક ઝલક જોવા સભા સ્થળ પર વહેલી સવારથી હજારોની જનમેદની એકત્ર થઈ હતી. વડાપ્રધાને પણ લોકોને નિરાશ કર્યા નહોતા. આતંકવાદ, પાકિસ્તાન, ઈકોનોમી જેવા મુદ્દા પર ભાષણ આપ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, વર્ષ 2014માં હું વડાપ્રધાન બન્યો તે પહેલાં ખૂબ મોટા અર્થશાસ્ત્રી દેશના વડાપ્રધાન હતા. ત્યારે દુનિયામાં દેશની ઈકોનોમી 11 નંબર પર હતી. છેલ્લાં 10 વર્ષમાં આ ચા વાળાએ દેશની ઈકોનોમીને 11 નંબર પરથી 5 નંબર પર પહોંચાડી દીધી છે. કોંગ્રેસ 60 વર્ષ સુધી દેશના કરોડો ગરીબ લોકોના બેન્ક ખાતા પણ ખોલાવી શકી નહોતી. આજે ગરીબો બેન્કમાં જ વેપાર કરી રહ્યાં છે.

મોદી વડાપ્રધાન બન્યો તે પહેલાં આ દેશમાં બે સંવિધાન ચાલતા હતા. કાશ્મીરમાં ભારતનું સંવિધાન લાગુ પડતું નહોતું. પરંતુ આ સરદાર પટેલની ભૂમિમાંથી આવેલા પુત્રએ 370ની કલમને જમીનદોસ્ત કરી સરદાર પટેલને મોટી શ્રદ્ધાંજલિ આપી છે. કાશ્મીરમાં તિરંગો ફરકાવી મેં સરદાર સાહેબનું સપનું પુરું કર્યું છે.

પાકિસ્તાન અંગે બોલતા કહ્યું કે, દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે બસ પાકિસ્તાન સંભળાતું હતું. પાકિસ્તાનથી આતંકવાદીઓ એક્સપોર્ટ થતા હતા, પરંતુ હવે પાકિસ્તાનના આતંકનું ટાયર પંક્ચર થઈ ગયું છે. એક સમયે જેના હાથમાં બોમ્બ હતા તેઓના હાથમાં હવે ભીખનો કટોરો છે. પાકિસ્તાન હવે લોટ લેવા માટે પણ દર દર ભટકી રહ્યું છે.

સુરેન્દ્રનગરમાં આકરાં તાપમાં જનસભા સંબોધી
સવારે આણંદમાં સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે આકરાં તાપમાં સુરેન્દ્રનગરમાં જનમેદનીને સંબોધી હતી. કોંગ્રેસ પર આકરાં પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસના મેનીફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ છે. ઈન્ડિ ગઠબંધનના એક નેતાએ જ તેની રણનીતિની પોલ ખુલ્લી પાડી છે. તેઓ કહે છે કે, મુસ્લિમો વોટ જેહાદ કરો. વિપક્ષનો ઈરાદો કેટલો ખતરનાક છે તે આના પરથી સમજી શકાય છે.

મોદીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસે હંમેશા ખોટાં કામ કર્યા છે. આઝાદી અપાવવાની હતી ત્યારે દેશના ભાગલાં પાડ્યા, વિકાસ કરવાનો હતો ત્યારે બધું લૂંટી લીધું. ગરીબોના અધિકારના રૂપિયા કોંગ્રેસીઓએ તિજોરીમાં જમા કર્યા.

શાહજાદા અંગે બોલતા કહ્યું કે, શાહજાદા દેશમાંથી શક્તિનો નાશ કરવા માંગે છે. આ મારી માતા-બહેનો તે થવા દેશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભગવાન રામ અને શિવ અંગેના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોંગ્રેસ શિવ અને રામને લડાવવાનો પ્રયાસ કરે છે તે ક્યારેય સ્વીકારી નહીં શકાય. હિન્દુ સમાજનો ભાગલા પાડવા આ ખેલ ખેલાયો છે. હજારો વર્ષ જૂની પરંપરા મોગલો પણ તોડી શક્યા નથી. કોંગ્રેસ હિન્દુઓને તોડવા માંગે છે. તે ચલાવી લેવાય નહીં.

Most Popular

To Top