Vadodara

વડોદરામાં રાતના અંધારામાં ત્રણ મંદિરો તોડી પડાયા, આ હતું તેનું કારણ

વડોદરા : વડોદરા (Vadodara) શહેરમાં વિકાસને વેગ આપવા માટે હવે પાલિકાના સત્તાધીશો લોકોની ધાર્મિક લાગણી ઉપર પ્રહાર કરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. મધરાત્રે પાલિકાની (Municipality) દબાણ શાખાની ટીમ બે ડમ્પર અને એક જેસીબી સાથે ઓલ્ડપાદરા રોડ પર ત્રાટકી હતી. જ્યાં રોકસ્ટાર સર્કલ પાસે વર્ષોજુના ભાથુજી મહારાજ અને હનુમાનજી મંદિર તેમજ મલ્હાર પોઈન્ટ પાસે આવેલ બળિયાદેવજી મંદિર ડેરીને ટ્રાફિકના બહાના હેઠળ તોડી પાડી કાટમાળ પણ રાતોરાત ભરી રવાના થઈ જતા તંત્ર વિરુદ્ધ વિકાસના નામે થતી મંદિરો તોડવાની કામગીરી સામે લોકોમાં આક્રોશ ફેલાયો છે.

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમે ગુરુવારે મધરાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સવારે સ્થાનિક રહીશોના રોષનો ભોગ બનવું ન પડે એટલે ટ્રાફિકના બહાના હેઠળ મધરાત્રે જેસીબી, ડમ્પર દબાણ શાખા અને ઢોર પાર્ટીની ટીમને સાથે રાખી કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો હતો. ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર, મંગેશ જયસ્વાલ તેમજ રાજેશ મકવાણાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં સૌથી મોટા નિર્માણ પામી રહેલી ગેંડા સર્કલથી લઈ મનીષા ચોકડી સુધી બની રહેલા લાંબા ઓવરબ્રિજ માટે નડતરરૂપ ઓલ્ડ પાદરા રોડ પર આવેલા ત્રણ મંદિરો અને ડેરી ઉપર મધરાત્રે પાલિકાના બુલડોઝર ફરી વળ્યા હતા.પ્રથમ રોકસ્ટાર સર્કલ પાસે આવેલ ભાથુજી મંદિર અને હનુમાનજી દાદાનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું.

ત્યારબાદ મલ્હાર પોઈન્ટ જ્યાં બળિયાદેવજી મહારાજની નાની ડેરી તોડવામાં આવી હતી.આ સમગ્ર કાર્યવાહી યુદ્ધના ધોરણે અને તેજ ગતિએ કરવામાં આવી હતી. મંદિરો તોડી તેનો કાટમાળ પણ રાતોરાત તાત્કાલિક ભરી લેવામાં આવ્યો હતો.મંદિરો તોડતાં પહેલાં તેમાંથી મૂર્તિઓ ઉઠાવી લેવામાં આવી હતી.જ્યારે હનુમાનજી દાદાની મૂર્તિ દીવાલ સાથે અંકિત કરાયેલ હોવાથી તેને જેસીબીથી તોડવા જતા ખંડિત કરવામાં આવી હતી અને તેનો કાટમાળ પણ ભરી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીને અંજામ આપ્યા બાદ તુરત અધિકારીઓ અને પાલિકાની ટીમ રવાના થઈ ગઈ હતી. મધરાત્રે અંધારાનો લાભ લઇને પાલિકાની ટીમ દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઇ સ્થાનિકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. જ્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ સ્થળ પર પહોંચી રામધૂન કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવી આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.

એકદમ જ લોકોની લાગણી પર પ્રહાર કરતો વિષય છે
કોર્ટનો હુકમ છે કે જે દસ પંદર વર્ષ ,2002 થી જુના જેટલા પણ ધાર્મિક સ્થળો છે.તેને ડિસ્ટબ ન કરવા જોઈએ.વિકાસના રસ્તામાં આવતું હોય તો તે બાબતે વ્યવસ્થિત ચર્ચા વિચારણા કરે,યોગ્યત્વે તેનો ઉકેલ કરવો જોઈએ. અગાઉ જોગણી માતાજીનું મંદિર વચ્ચે આવતું હતું. તેને બાજુ પર મૂક્યું હતું. તે સર્વસંમતિથી મૂક્યું હતું. લોકોને વિશ્વાસમાં લીધા વગર આવી રીતે ધાર્મિક સ્થળો હટાવવા અને તે પણ સત્તાધારી પક્ષ પાસે અપેક્ષા નથી રાખતા. આ એકદમ જ લોકોની લાગણી પર પ્રહાર કરતો વિષય લાગે છે.
          – ડો.જ્યોતિર્થનાથજી મહારાજ

અડધી રાત્રે અચાનક આવી મંદિરોનો સફાયો બોલાવી દીધો
મંદિરોને ખંડિત કરવામાં આવ્યા છે. આ મંદિરમાં આસપાસના વિસ્તારના લોકો દીવો પ્રગટાવે છે, તેમની આસ્થા જે જળવાઈ રહી છે. જે આ મંદિર તોડવાથી તૂટી ગઈ છે. જો તેમણે કાર્યવાહી સાચી કરવી હોત તો દિવસે પણ આવીને કરી શકત.પરંતુ અડધી રાત્રે જ્યારે લોકો સૂઈ રહ્યા છે. ત્યારે અચાનક આવી મંદિરોનો સફાયો બોલાવી દીધો તે અયોગ્ય છે.
          – વિકાસ તડવી, સ્થાનિક

ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાત્રે કામગીરી હાથ ધરાઈ હતી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અને વોર્ડની ટીમને સાથે રાખીને દૂર કરવામાં આવ્યું છે.આ કાર્યવાહી દરમિયાન અમારા સ્ટાફની બસ ,બે ડમ્પર અને બે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોડ પર સામાન્ય રીતે ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે. એને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. – સુરેશ તુવેર,આસિ.મ્યુ.કમિ, ઉત્તર ઝોન

મંદિર તોડીને કોઈ દિવસ વિકાસ ન થાય
શહેરમાં જે મંદિરો તોડવાની ઘટનાઓ બની રહી છે,તે યોગ્ય નથી. કોર્પોરેશનને વિકાસ કરવો હોય તો મંદિરો એ આસ્થાનું કેન્દ્ર છે. જે આસ્થાના કેન્દ્ર પર કદી વિકાસ ના આવે અથવા તો એને બીજું કોઈ સારી જગ્યા આપવી જોઈએ કે જેનાથી આ બંને મંદિરો સ્થાપિત થઇ શકે આવું મારું માનવું છે.      – નીરજ જૈન, એડવોકેટ

હું રોજ દર્શન કરવા આવતો,સવારે જોયું તો મંદિર તોડી નાખ્યું હતું
બળીયાદેવજી નું મંદિર હતું અમે રોજ દર્શન કરવા માટે આવતા હતા. આજે સવારે નોકરી પર જતી વખતે જોવા આયો તો કોર્પોરેશન કે ગમે તે આવ્યું હોય આ મંદિર તોડી નાખ્યું છે.અમારું હિન્દુ મંદિર તોડી નાખ્યું છે. અમને દુઃખ થઈ રહ્યું છે. મંદિર સાઈડ પર હતું કોઈ નડતરરૂપ ન હતું તેમ છતાં તોડી પાડ્યું છે.   – કાર્તિકભાઈ, શ્રદ્ધાળુ

ચૂંટણી આવે ત્યારે ધાર્મિક સ્થાનોનો આશરો લઈ વોટ માંગવામાં આવે છે
રામના નામે જે વોટ માંગનારી સરકાર હતી. હવે એમને ખબર પડી કે આતો ઔરંગઝેબની સરકાર થઈ ગઈ છે.તેવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે આ ભાજપના રાજની અંદર વધારેમાં વધારે મંદિરો તૂટ્યાં હોય અહીંયા 70 વર્ષ જૂનું ભાથીજી મહારાજનું મંદિર આવેલ હતું સાથે હનુમાનજી દાદા ની ડેરી હતી અને બળીયાદેવ મહારાજનું મંદિર હતું. ધારાસભ્ય સીમાબેન મોહિલે અહીં આવીને ધરણા અને પ્રદર્શનો કર્યા હતા. જ્યારે ચૂંટણી આવે છે.ત્યારે આ ધાર્મિક સ્થાનોનો આશરો લઈ વોટ માંગવામાં આવે છે.       – વીરેન રામી, પ્રમુખ,આપ

Most Popular

To Top