World

ચિલીના જંગલોમાં ભીષણ આગ, 64 લોકોના મોત, 1100થી વધુ ઘર બળી રાખ

વીના ડેલ માર: મધ્ય ચિલીના (Central chile) જંગલોમાં લાગેલી ભીષણ આગએ (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. હવે ચીલીના ગીચ વિસ્તારો પણ આગની લપેટમાં આવી ગયા છે. જેમાં દાઝી (Burned) જવાથી ડઝનબંધ લોકોના મોત (Death) થયા છે. તેમજ હાલ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ દક્ષિણ અમેરિકન દેશ ચિલીના જંગલોમાં આગ લાગવાથી 64 લોકોના મોત થયા છે. જ્યારે 1100થી વધુ મકાનો બળીને રાખ થઈ ગયા છે. ઇમરજન્સી સેવા વિભાગ હેલિકોપ્ટર અને ટ્રકની મદદથી શહેરી વિસ્તારોમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા છે. જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. લગભગ 1 મિલિયનની વસ્તી ધરાવતા મધ્ય ચિલીના વાલ્પેરાઈસો પ્રદેશના ઘણા ભાગોને કાળા ધુમાડાથી છવાઇ ગયા હતા. તેમજ આ ભીષણ આગમાં દરિયાકાંઠાના શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.

સમગ્ર મામલે ગૃહ મંત્રી કેરોલિના તોહાએ કહ્યું કે વાલપારાઈસોમાં સ્થિતિ સૌથી ગંભીર છે. રસ્તાઓ પર લોકોના મૃતદેહો પણ જોવા મળી રહ્યા છે. 2010ના ભૂકંપ બાદ ચિલીમાં આ સૌથી મોટી દુર્ઘટના છે. તે સમયે ભૂકંપના કારણે લગભગ 500 લોકો માર્યા ગયા હતા.

રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. હાલ આગ 43 હજાર હેક્ટરમાં ફેલાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર ભીષણ આગએ શહેરના પહાડી વિસ્તાર વિલા ઈન્ડિપેન્ડેનિયાને પણ લપેટમાં લીધું છે. તેમજ રસ્તા ઉપર બળી ગયેલી કાર પાર્ક થયેલી જોવા મળી રહી છે.

92 જંગલોમાં આગ ઝડપથી ફેલાઈ રહી છે
મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં 92 જંગલોમાં આગ ફેલાઇ ગઇ છે. સૌથી મોટી ચિંતા એ છે કે આગ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ફેલાઈ રહી છે. જેના કારણે લોકો ઘરો અને સુવિધાઓને અસર થવાની સંભાવના છે. જણાવી દઈએ કે ચિલીમાં ઉનાળામાં આગ લાગવી સામાન્ય બાબત છે. ગયા વર્ષે અહીં રેકોર્ડ ગરમી દરમિયાન ફાટી નીકળેલી આગમાં 27 લોકોના મોત થયા હતા અને 4,00,000 હેક્ટરથી વધુ જમીનને અસર થઈ હતી.

Most Popular

To Top