Dakshin Gujarat

પત્નીને મેસેજ કરનારા પડોશીને યુવક ટોકવા ગયો તો પરિવારે તેના પર જ હુમલો કરી દીધો

માંડવી: (Mandvi) માંડવીના ગામતળાવ બુજરંગમાં ડેરી ફળિયામાં પડોશીએ (Neighbor) પત્નીને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મેસેજ (Message) કરવા બાબતે બખેડો થતાં સ્ટીલના પાઇપ વડે પતિ ઉપર હાથ અને માથાના ભાગે હુમલો કરાયો હતો. ઉપરાંત ઢીકામુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનારા ચાર જણા સામે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

  • માંડવીમાં પત્નીને મેસેજ કરનારા પડોશીને ટોકવા ગયેલા યુવક પર પરિવારનો હુમલો
  • ગામતળાવ બુજરંગની ઘટના: એક વખત ઢીકમુક્કીનો માર માર્યો ને કલાક પછી સ્ટીલના પાઈપ સાથે ફટકારી જાનથી મારવા ધમકી આપી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવીના ગામતળાવ બુજરંગના ડેરી ફળિયામાં ભાવેશ દિલીપ પટેલ (ઉં.વ.29) ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત તા. 23મીએ ખેતરમાં શાકભાજીનો ટેમ્પો ભરવાની મજૂરીએ ગયા હતા. દરમિયાન સાંજના સાડા ચારેક વાગે ઘરે પરત આવતાં ભાવેશે પત્ની ભૂમિકાબેનનો મોબાઈલ જોતાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક મોબાઈલ નંબર ઉપરથી ‘હાય’નો મેસેજ જોયો હતો. જે ઈન્સ્ટાગ્રામ ઉપર ભાવેશે વિડીયો કોલ કરતાં સામે વિડીયો કોલ ઊંચકતા ફળિયામાં તેમની બાજુમાં જ રહેતા જતીનભાઈનો ચહેરો દેખાયો હતો. આથી તરત જ જતીનભાઈએ વિડીયો કોલ કટ કરી નાંખ્યો હતો.

ત્યારબાદ સાંજના સાડા પાંચેક વાગે ભાવેશ આ બાબતે ચર્ચા કરવા જતીનભાઈના ઘરે ગયો હતો અને ભાવેશે જણાવ્યું કે, તું કેમ મારી પત્નીના મોબાઈલ ઉપર મેસેજ કરે છે. તેમ કહેતાં જતીનભાઈએ જણાવ્યું કે, મેં કોઈ મેસેજ કર્યા નથી. તેમ કહી જતીનભાઈ તથા તેના મોટા ભાઈ જિગ્નેશે ઉશ્કેરાઈ જઈ ભાવેશનો કોલર પકડી ઢીકમુક્કીનો માર માર્યો હતો. આથી ફળિયામાં રહેતા હાર્દિકભાઈએ વચ્ચે પડી ભાવેશને વધુ મારથી બચાવ્યો હતો અને તે ઘરે જતો રહ્યો હતો.

બાદમાં સાંજે છએક વાગે ભાવેશ ઘરની બહાર ઊભો હતો ત્યારે જયેશભાઈ રમણભાઈ પટેલ, રમણભાઈ છગનભાઈ પટેલ, જતીનભાઈ ચંદુભાઈ પટેલ તથા તેનો મોટો ભાઈ જીગ્નેશભાઈ પટેલ ભાવેશના ઘરની સામે આવ્યા હતાં. જેમાં જતીનભાઈ તથા જીગ્નેશભાઈએ હાથમાં સ્ટીલના પાઈપથી ડાબા પગે ચારથી પાંચ સપાટા મારી દીધા હતા. આથી ભાવેશની પત્ની ભૂમિકા વચ્ચે પડતાં રમણભાઈ તથા જયેશભાઈએ ધક્કો મારી ગાળો દીધી હતી. બાદમાં જતીને પાઈપથી ભાવેશને માથામાં સપાટો મારવાની કોશિશ કરતાં પ્રતિકારમાં ડાબા હાથે તથા માથાના ભાગે ઇજા થઈ હતી, માથામાંથી લોહી નીકળ્યું હતું.

બાદમાં ચારેય જણા ભાવેશને તથા તેની પત્નીને ગાળો આપી બીજી વખત જો અમારી સાથે બોલાચાલી કરશો તો જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા. આ બનાવમાં ભાવેશને સારવાર માટે અને બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ડાબા હાથમાં ફેક્ચર સાથે માથાના ભાગે ત્રણથી ચાર ટાંકા આવ્યા હતા. આ બનાવમાં જતીનભાઈ, જીગ્નેશભાઈ, તેમના કૌટુંબિક જયેશભાઈ, રમણભાઇ સામે મારામારી તથા જાનથી મારી નાંખવાની ધમકીની માંડવી પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી.

Most Popular

To Top