વિશ્વના સમૃદ્ધ દેશો અને ભારત વચ્ચેની આર્થિક અસમાનતા દર્શાવતા આંકડા ચોંકાવનારી વાસ્તવિકતા સામે લાવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભારતના ટોચના 10 ટકા ધનિક લોકોનું જીવનધોરણ ઊંચું છે અને તેઓ વૈભવી જીવન જીવે છે. પરંતુ વૈશ્વિક સ્તરે તેમની આવક અને વપરાશની સરખામણી કરવામાં આવે ત્યારે ચિત્ર અલગ જોવા મળે છે. વર્ષ 2026ના વિશ્વબૅન્કના પૉવર્ટી એન્ડ ઇનઇક્વાલિટી પ્લેટફોર્મના આંકડા મુજબ, અમેરિકા, કેનેડા, જર્મની અને ઑસ્ટ્રેલિયા જેવા સમૃદ્ધ દેશોના સૌથી ગરીબ 10 ટકા લોકોનું આવક અથવા વપરાશ સ્તર પણ ભારતના સૌથી ધનિક 10 ટકા લોકો કરતાં ઊંચું છે.
આ આંકડા માત્ર બે દેશોના લોકોની કમાણી વચ્ચેનો તફાવત જ દર્શાવતા નથી, પરંતુ ભારતની આવક વ્યવસ્થા, ઉત્પાદકતા અને જીવનધોરણ સામેના પડકારો તરફ પણ ધ્યાન દોરે છે. આ સરખામણીથી સ્પષ્ટ થાય છે કે દેશની અંદર કોઈ વ્યક્તિ ધનિક ગણાતી હોય, તો પણ વૈશ્વિક સ્તરે તેની આર્થિક સ્થિતિ સમૃદ્ધ દેશોના સામાન્ય નાગરિકોની સરખામણીમાં ઘણી નબળી હોઈ શકે છે. આંકડા મુજબ, ભારતમાં સૌથી ગરીબ 10 ટકા લોકોની દૈનિક આવક અથવા વપરાશનું સ્તર પ્રતિ વ્યક્તિ આશરે 3 ડૉલર છે. તેની સામે અમેરિકામાં આ આંકડો 25 ડૉલર, કેનેડામાં 31 ડૉલર, જ્યારે જર્મની અને ઑસ્ટ્રેલિયામાં 28 ડૉલર જેટલો છે. એટલે કે આ દેશોના સૌથી નીચલા આર્થિક વર્ગનું દૈનિક આવક અથવા વપરાશ સ્તર પણ ભારતના સૌથી ગરીબ વર્ગ કરતાં અનેક ગણું વધારે છે.
ભારતના ટોચના 10 ટકા ધનિકો અને સમૃદ્ધ દેશોના ગરીબ વર્ગ વચ્ચેનો તફાવત પણ નોંધપાત્ર છે. ભારતમાં સૌથી ધનિક 10 ટકા લોકોની દૈનિક આવક અથવા વપરાશ મર્યાદા આશરે 10 ડૉલર પ્રતિ વ્યક્તિ દર્શાવવામાં આવી છે. બીજી તરફ, અમેરિકામાં આ જ તુલનાત્મક આંકડો 173 ડૉલર પ્રતિ દિવસ છે. કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં તે 129 ડૉલર, જ્યારે જર્મનીમાં 128 ડૉલર સુધી પહોંચે છે. આ આંકડા બંને વચ્ચેના જીવનધોરણ અને ખરીદશક્તિના મોટા તફાવત તરફ સંકેત આપે છે. ભારતમાં દર મહિને રૂ.80,000 કમાતી વ્યક્તિ પણ દેશના ટોચના 10 ટકા કમાણી કરનારા વર્ગમાં સામેલ થઈ શકે છે. તેમ છતાં, માત્ર આવકના આધારે વૈશ્વિક જીવનધોરણની સરખામણી કરવામાં આવે ત્યારે ભારતના આ વર્ગની આર્થિક સ્થિતિ સમૃદ્ધ દેશોના અનેક સામાન્ય નાગરિકો કરતાં નબળી જોવા મળે છે.
આ તફાવત પાછળ દેશોની સરેરાશ આવક, રોજગારીની તકો, ઉત્પાદકતા, વેતન અને જીવનનિર્વાહની સ્થિતિ જેવા અનેક પરિબળો જવાબદાર હોય છે. જોકે, આવક અને વપરાશના આંકડાની સીધી સરખામણી કરતી વખતે ગણતરીની પદ્ધતિ અને ખરીદશક્તિમાં રહેલા તફાવતને પણ ધ્યાનમાં લેવો જરૂરી છે. માત્ર ડૉલરમાં દર્શાવેલી રકમના આધારે દરેક દેશના લોકોની વાસ્તવિક આર્થિક સ્થિતિનો સંપૂર્ણ અંદાજ મેળવી શકાતો નથી. તેમ છતાં, આ આંકડા ભારત સામેનો એક મહત્ત્વનો પડકાર દર્શાવે છે. દેશનો આર્થિક વિકાસ વધવાની સાથે તેની અસર સામાન્ય નાગરિકોની આવક અને જીવનધોરણ પર પણ દેખાય તે જરૂરી છે. રોજગારીની ગુણવત્તા સુધારવી, ઉત્પાદકતા વધારવી અને આવકની અસમાનતા ઘટાડવી જેવા મુદ્દાઓ ભારતના લાંબા ગાળાના આર્થિક ભવિષ્ય માટે મહત્ત્વના બની રહે છે.