National

મહારાષ્ટ્ર રોડવેઝે કર્ણાટક જતી બસો રોકી: સીમા વિવાદ અંગે પોલીસનું એલર્ટ

મહારાષ્ટ્ર (Maharashtra ): કર્ણાટક (Karnataka)અને મહારાષ્ટ્ર વચ્ચેનો સીમા વિવાદ (Border Controversy)વધુ ઘેરો બની રહ્યો છે. વિવાદ નાં પગલે પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એ કર્ણાટક માટે બસોનું સંચાલન બંધ કરી દીધું છે. કર્ણાટકમાં બસો (Bus) પર હુમલા (Attack)ની આશંકાથી પોલીસે બુધવારે એલર્ટ (Alert) જાહેર કર્યું હતું. આ પછી MSRTCએ કર્ણાટક જતી તેની બસોના સંચાલનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. ગતરોજ સીમા વિવાદને લઈને કર્ણાટકના બેલાગવીમાં ઉગ્ર પ્રદર્શન થયું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રની બસો અને ટ્રકો પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી.

આંદોલન દરમિયાન બસો પર હુમલા થઈ શકે છે: MSRTC
મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જાહેર કરાયેલા એલર્ટમાં જણાવ્યું છે કે, બંને રાજ્યો વચ્ચે સરહદ વિવાદને લઈને ચાલી રહેલા આંદોલન દરમિયાન બસો પર હુમલા થઈ શકે છે. MSRTCએ કહ્યું કે આ એલર્ટના આધારે કર્ણાટક જતી રોડવેઝ બસોનું સંચાલન આગળના આદેશો પર બંધ કરી દેવામાં આવ્યું છે. બસો અને મુસાફરોની સુરક્ષા પોલીસ દ્વારા ક્લિયર થયા બાદ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસ ગૃહમંત્રી શાહ સાથે વાત કરશે
અગાઉ, બેલગાવીમાં ટ્રક અને બસો પર પથ્થરમારો કર્યા પછી, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સરહદ વિવાદ પર વાત કરશે. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે તેમણે કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ સાથે વાત કરી હતી. અમે ખાતરી કરીશું કે શરદ પવાર સાહેબને કર્ણાટક જવાની જરૂર ન પડે. તેમણે બંને રાજ્યોના લોકોને શાંતિ જાળવવા અને કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં ન લેવાની અપીલ કરી હતી. ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્ર કાયદો અને વ્યવસ્થા માટે જાણીતું છે. હું રાજ્યના લોકોને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા વિનંતી કરું છું.

બંને રાજ્યોના મુખ્ય મંત્રીઓની વાતચીત
દરમિયાન, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ મંગળવારે ફોન પર આ મુદ્દે ચર્ચા કરી હતી. બંને સીએમ શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા પર સહમત થયા હતા. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. કર્ણાટકના 850 ગામડાઓમાં રહેતા મરાઠી ભાષીઓ માટે મહારાષ્ટ્ર સરકારના પ્રસ્તાવિત પેકેજથી તાજેતરનો વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રના બે મંત્રી ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈ મંગળવારે આ પેકેજ અને સરહદ વિવાદ અંગે વાત કરવા બેલગવી જઈ રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકાથી તેમણે કર્ણાટક સરકારની વિનંતી પર આ યાત્રા મોકૂફ રાખી છે. કર્ણાટકના સીએમએ શાંતિની અપીલ કરી અને કહ્યું કે રાજ્યના લોકોના હિતોનું રક્ષણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત કેસ મૂકવામાં આવશે.

Most Popular

To Top