Charchapatra

ભવ્ય મંદિરો અને જર્જરિત શાળાઓ

ઓશો રજનીશના નામે એક વાક્ય ફરી રહ્યું છે કે, જે દેશમાં ધાર્મિક ઇમારતો ભવ્ય હોય અને શાળા – કોલેજો જર્જરિત હોય એ દેશની ક્યારેય તરક્કી કે ઉન્નતી થતી નથી.. અબુધાબીમાં હમણાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એનું ઉદ્ઘાટન પણ થયું.. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં પછી ખબર પડી કે સેક્યુલર દેશમાં મંદિરોનું ઉદ્ઘાટન કરવાનું કામ પણ વડાપ્રધાનનું હોય છે.. અબુધાબી (યુ.એ.ઈ.) જેવા મુસ્લિમ રાષ્ટ્રમાં એક મંદિર બને એ વાતનું આપણે ગૌરવ લઈને ફુલાઈએ છીએ..

એક પ્રશ્ન એવો ઉદભવે, ધારો કે, યુએઈ સરકાર ભારતમાં ભવ્ય મસ્જિદ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે તો.? ભારત સરકાર મંજૂરી આપશે ખરી.? બીજું કે આબુધાબીમાં કઈ શરતોને આધીન મંદિર બનાવવા ની મંજૂરી મળી એ વાત હજુ બહાર આવી નથી. એવું કહેવાય છે કે અબુધાબીમાં જે મંદિર બન્યું એની પાછળ 700 કરોડનો ખર્ચ થયો છે, હવે વિચારો કે આ 700 કરોડનું ટર્નઓવર થયું એનાથી તો અબુધાબીની સરકારને જ આર્થિક લાભ થયો હશેને..!? એટલું જ નહીં હવે જે દર્શનાર્થીઓ અબુધાબી જશે એનાથી પણ અબુધાબીના અર્થતંત્રને જ લાભ થશેને.!? ધારો કે 700 કરોડનું આવું મંદિર ભારત દેશમાં જ બન્યું હોતે તો આર્થિક લાભ આપણા દેશને જ મળતે ને.? ( બીજી તરફ વડાપ્રધાનની ઝુંબેશ ચાલે છે કે, દેશમાં જ લગ્નનું આયોજન કરો.) એ

ક કલ્પના કરી જુઓ કે, આવું મંદિર યુદ્ધગ્રસ્ત એવા યુક્રેન કે પેલેસ્ટાઈનની જમીન પર બન્યું હોતે તો.? અત્યારે શું હાલત થતે..? આંતરરાષ્ટ્રીય સંબંધો ક્યારે બગડે- સુધરે એ કહેવાય નહીં..કાલે ઊઠીને અબુધાબીની સરકાર સાથે કોઈ બાબતે સંબંધમાં કચરુ પડે તો..? ભેટાભેટીથી વિદેશ નીતિ નક્કી નથી થતી.. પ્રત્યેક દેશને પોતાના સ્વાર્થ અને હિત હોય છે, એ મુજબ જ વિદેશ નીતિ નક્કી થતી હોય છે.
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top