Sports

ગુજરાતના બોલર્સે લખનઉના જડબામાંથી જીત ઝુંટવી લીધી

લખનઉ: કેપ્ટન કે એલ રાહુલે પોતાની સુસ્ત બેટિંગની (Batting) મદદથી વિજયના જડબામાંથી હાર ઝુંટવી લીધી હતી જ્યારે વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે (GT) લખનઉમાં શનિવારે રમાયેલી આઈપીએલ મેચમાં (IPL Match) લખનઉ સુપર જાયન્ટ્સને (LSG) એક રોમાંચક મેચમાં 7 રનથી હરાવ્યું હતું.

136 રનના નાના લક્ષ્યનો પીછો કરતા એલએસજીની ટીમનો સ્કોર 14 ઓવર બાદ 1 વિકેટ પર 105 રન હતો અને તેને 36 બોલ પર 31 રન જોઈતા હતા પણ અંતમાં તે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 128 રન જ બનાવી શક્યું હતું. રાહુલ અને કાયલ મેયર્સે ટીમને સારી શરૂઆત આપી હતી જો કે રાહુલે સતત બીજી મેચમાં પ્રથમ ઓવર મેઈડેન કાઢયો હતો. રાહુલે 61 બોલ પર 68 રન બનાવ્યા પણ ટી-20ના હિસાબે તેની આ ઈનિંગ સારી કહી શકાય નહીં. મેયર્સે 19 બોલમાં 24 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. ત્રીજા ક્રમ પર આવેલા કૃણાલ પંડયાએ 23 બોલ પર 23 રન બનાવ્યા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. સારી ફોર્મમાં ચાલી રહેલા ઓપનર શુભમન ગિલ શૂન્ય પર જ આઉટ થયો હતો જો કે ઋદ્ધિમાન સાહાએ 47 રનની ઈનિંગ રમી હતી. જો કે સાહાના આઉટ થયા બાદ કેપ્ટન હાર્દીક પંડયાને કોઈ અન્ય બેટ્સમેનનો સાથ મળ્યો ન હતો, પંડયાએ 50 બોલમાં 66 રન બનાવ્યા હતા.
135 રનના નાના સ્કોરને બચાવવા ગુજરાતના બોલર્સને શરૂઆતમાં સફળતા મળી ન હતી પણ 15મી ઓવર બાદ તેમણે ગેમ એ રીતે બદલી કે લખનઉ સ્તબ્ધ રહી ગયું હતું. નૂર અહમદે શાનદાર બોલિંગ કરી રાહુલને રન બનાવવા દીધા ન હતા. ગુજરાત માટે મોહિત શર્મા અને નૂર અહમદે 2-2 વિકેટ લીધી જ્યારે રાશિદ ખાને 1 વિકેટ લીધી હતી. આજના વિજય સાથે ગુજરાત 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચ્યું છે જ્યારે લખનઉ એટલા જ પોઈન્ટ સાથે સારા રનરેટના કારણે બીજા સ્થાને છે.

Most Popular

To Top