SURAT

ટ્રક, ટ્રેલર્સ, ટેમ્પોના પાછળના ભાગે RUPD લગાવવું ફરજિયાત

સુરત: ગયા સપ્તાહે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહેલી મિની બસ (Mini Bus) માલ વાહક ટ્રકમાં (Truck) પાછળથી ઘૂસી જવાની ઘટનામાં સુરતના (Surat) 13 પ્રવાસીને થયેલી ગંભીર ઇજા અને ચિત્રાંગ દેસાઈ નામના અમેરિકાથી આવેલા યુવાનના મોત (Death) પછી રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે હેવી ટ્રક, ટ્રેલર્સ, હાઇવા, સેમી ટ્રેલર્સ, આઈશર જેવા ટેમ્પોની પાછળની રિયર અંડર-રાઇડ પ્રોટેક્શન ડિવાઇસ (RUPD) નહીં હોય એવાં વાહનો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

ગુજરાતમાં RUPDના અભાવે વર્ષે 7000 લોકોના હાઇવે પર મોત થતાં આરટીઓને આવાં વાહનો પકડવા આદેશ આપવામાં આવ્યો છે. ટ્રક, ટ્રેલર્સ, ટેમ્પો સહિતનાં વાહનો પાછળના ભાગે RUPD લગાવવું ફરજિયાત છે. હાઇવે પર ભારે માલવાહક વાહનોની પાછળ કાર અને નાનાં પેસેન્જર વાહનો ઘૂસી જવાના કેસો વધી રહ્યા છે. આરટીઓ અધિકારીનું કહેવું છે કે, RUPD વિનાનાં ભારે વાહનોનું પાસિંગ નહીં થાય, જૂનાં વાહનો પાછળ ડિવાઇસ નહીં હશે તો એમને ફિટનેસ સર્ટિ. આપવામાં આવશે નહીં, આવાં વાહનો જપ્ત કરી, રજિસ્ટ્રેશન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે વાહન મેન્યુફેક્ચરર્સને પણ જણાવ્યું છે કે, જો નવાં ભારે માલવાહક વાહનો પાછળ રિયર અંડર-રાઇડ પ્રોટેક્શન ડિવાઇસ નહીં હશે તો આવાં વાહનોનું આરટીઓ પાસિંગ કરશે નહીં. અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સે નવાં ભારે વાહનો RUPD ડિવાઇસ સાથે જ વેચવાની જાણ કરી છે. રાજ્ય સરકારે કરેલા એક અભ્યાસ મુજબ આવી ઘટનામાં મૃત્યુ અને ઘાયલોનો આંકડો ચિંતાજનક છેય પેસેન્જર વાહનો ભારે વાહનોના અન્ડર-રાઇડ પાછળના છેડા સાથે અથડાતાં ભારે ટ્રકની ફ્રેમ નીચે પેસેન્જર કાર સરકવાને કારણે જીવલેણ ઇજાઓ થાય છે. આ રીઅર અંડર-રાઈડ પ્રોટેક્શન ડિવાઇસ (RUPD)ની અયોગ્ય રચના સાથે સંબંધિત છે. જે ભારે વાહનોના પાછળના ભાગમાં માઉન્ટ થયેલા છે.

ટ્રક ચેસીસ ફ્રેમના ડિઝાઇન સ્ટેજ દરમિયાન અસરકારક RUPDની ડિઝાઇન ધ્યાનમાં લેવી આવશ્યક છે. પ્રાયોગિક પરીક્ષણો અને સંખ્યાત્મક વિશ્લેષણ અથવા સિમ્યુલેશન જેવા ટ્રક RUPDની કામગીરીની તપાસ કરવા માટે બે પ્રકારના વિશ્લેષણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમીક્ષાનો ઉદ્દેશ કારથી ભારે ટ્રકની પાછળની અસર દરમિયાન RUPDના પ્રદર્શન પર ઉપલબ્ધ સંશોધન પદ્ધતિઓની અભ્યાસ કરવાનો અને તેમની અભાવ અને સંભવિત વિસ્તારોને રેકોર્ડ કરવાનો છે. આ ઉપરાંત કાર-થી-હેવી ટ્રક પાછળની અસર પરીક્ષણો માટે વિવિધ ક્રેશ વેગનાં પરિણામો જાણવામાં આવ્યાં હતાં. કાર ફ્રન્ટલ ક્રેશ ટેસ્ટના વિવિધ સ્કેલ સામેલ છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા વર્ષ-2021 માટે બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ દેશમાં દર કલાકે લગભગ 47 માર્ગ અકસ્માત થાય છે અને આ અકસ્માતોમાં સરેરાશ 18 લોકો જીવ ગુમાવે છે. રિપોર્ટ અનુસાર વર્ષ-2021માં દેશભરમાં લગભગ 4,12,432 માર્ગ અકસ્માતો થયા હતા. અને આ અકસ્માતોમાં 1,53,972 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આ માર્ગ અકસ્માતોમાં 3,84,448 લોકો ઘાયલ થયા છે.

અકસ્માતોનું મુખ્ય કારણ
રિપોર્ટ અનુસાર આ અકસ્માતોનું સૌથી મોટું કારણ ઓવર સ્પીડિંગ છે. એટલે ઝડપ માટે જુસ્સો. આ રિપોર્ટ જણાવે છે કે વર્ષ-2021માં 69.6 ટકા એટલે કે તમામ માર્ગ અકસ્માતોમાંથી બે તૃતીયાંશ કરતાં વધુ સ્પીડિંગને કારણે થયા છે. ઓવર સ્પીડિંગના કારણે આ એક વર્ષમાં 1,07,236 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે ખોટી દિશામાં વાહન ચલાવવાને કારણે 8,122 લોકોએ જીવ ગુમાવ્યા છે. એ જ રીતે, 3,314 લોકોનાં મોત નશામાં ડ્રાઇવિંગને કારણે થયાં હતાં અને 2,982 લોકો ડ્રાઇવિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાને કારણે મૃત્યુ પામ્યા હતા.

ટ્રાફિક નિયમોની બેદરકારી અને અજ્ઞાનતા
આ રિપોર્ટ દર્શાવે છે કે, કાર અકસ્માતમાં માર્યા ગયેલા 83 ટકા લોકોએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો. જ્યારે ટુ-વ્હીલર અકસ્માતમાં જીવ ગુમાવનારા 67 ટકા લોકો એવા હતા, જેમણે હેલ્મેટ પહેર્યુ ન હતું. એટલે કે, જો આ લોકોએ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા હોત તો કદાચ આજે તેઓ તેમના પરિવાર સાથે હોત. જો કે, એવું નથી કે આ અકસ્માતો માટે માત્ર રોડ યૂઝર જ જવાબદાર છે. અકસ્માતનાં અન્ય કેટલાંક કારણોને પણ અવગણી શકાય તેમ નથી.

Most Popular

To Top