National

એક દાયકામાં પહેલીવાર LPG ગ્રાહકો ઘટ્યા, એપ્રિલથી ઓગસ્ટમાં 62 લાખનો ઘટાડો

દેશમાં LPG ગેસના પૂરવઠામાં પડેલી અસર અને ભાવમાં થયેલા વધારાની અસર હવે ગ્રાહકોની સંખ્યા પર પણ જોવા મળી રહી છે. એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન દેશમાં LPG ગ્રાહકોની સંખ્યામાં લગભગ 62 લાખનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક દાયકાથી વધુ સમય દરમિયાન પહેલી વખત LPG ગ્રાહકોની સંખ્યામાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે. આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલ 2026માં દેશમાં LPG ગ્રાહકોની સંખ્યા 33.39 કરોડ હતી. સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં આ સંખ્યા ઘટીને 32.77 કરોડ રહી ગઈ હતી. એટલે કે માત્ર થોડા મહિનામાં જ લગભગ 62 લાખ ગ્રાહકો ઓછા થયા છે.

LPG ગ્રાહકોની સંખ્યામાં ઘટાડા પાછળનું એક મોટું કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હોવાનું માનવામાં આવે છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય રૂટ અને વેપાર વ્યવસ્થાને અસર થઈ હતી. તેની સીધી અસર ભારતમાં LPGના પૂરવઠા પર પણ પડી હતી. ભારત પોતાની LPG જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે અને યુદ્ધ પહેલાં ભારતની LPG આયાતમાં અખાતી દેશોનો હિસ્સો લગભગ 90 ટકા હતો. યુદ્ધને કારણે આ વિસ્તારમાંથી LPGના પૂરવઠામાં અડચણો ઊભી થતાં દેશમાં ગેસની ઉપલબ્ધતા પર અસર પડી હતી. પૂરવઠાની સમસ્યાને ધ્યાનમાં રાખીને તેલ કંપનીઓને નવા LPG કનેક્શન આપવામાં પણ મુશ્કેલી પડી હતી. કેટલાક સમયગાળા દરમિયાન નવા કનેક્શન આપવાની પ્રક્રિયા રોકવી પડી હતી. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભી થયેલી સ્થિતિને કારણે LPGના ભાવ પર પણ દબાણ વધ્યું હતું.

પૂરવઠો મર્યાદિત થવો અને ભાવમાં વધારો થવો બંને બાબતોની અસર ગ્રાહકો પર પડી છે. ખાસ કરીને એવા પરિવારો માટે LPG સિલિન્ડરનો ખર્ચ વધ્યો છે જેમના ઘરનું માસિક બજેટ પહેલેથી જ મર્યાદિત હોય. પરિણામે કેટલાક ગ્રાહકોએ LPGના ઉપયોગમાં ઘટાડો કર્યો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં LPG ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો. એક દાયકાથી વધુ સમય સુધી આ સંખ્યા દર વર્ષે વધતી રહી હતી. હવે પ્રથમ વખત તેમાં ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2015-16ની શરૂઆતમાં દેશમાં LPG ગ્રાહકોની સંખ્યા 14.86 કરોડ હતી. ત્યારબાદ વર્ષો દરમિયાન નવા કનેક્શન વધતા ગયા અને ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં આ સંખ્યા વધીને 33.39 કરોડ થઈ હતી.

એટલે કે એક દાયકાના સમયગાળામાં LPG ગ્રાહકોની સંખ્યા બમણાથી પણ વધુ થઈ હતી. પરંતુ 2026ના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન થયેલા ઘટાડાએ આ સતત વધતી સંખ્યાને અચાનક પાછળ ધકેલી છે. માત્ર પાંચ મહિનાના સમયગાળામાં 62 લાખ ગ્રાહકોની સંખ્યા ઘટવી LPG ક્ષેત્ર માટે નોંધપાત્ર ફેરફાર માનવામાં આવે છે. LPGના ભાવ અને પૂરવઠા પર વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતી હોવાથી આગળની સ્થિતિ યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો પર પણ નિર્ભર રહેશે. જો આયાતનો પૂરવઠો સામાન્ય થાય અને બજારમાં ભાવનું દબાણ ઘટે તો LPG ગ્રાહકોની સંખ્યામાં ફરી વધારો થવાની શક્યતા છે. જોકે, હાલ પૂરવઠામાં પડેલી અડચણો અને વધેલા ખર્ચને કારણે LPG ક્ષેત્ર પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

Most Popular

To Top