SURAT

કાપોદ્રાનો LIVE વિડિયો: બાઈક ચાલકે BRTS રૂટમાં ઘુસી બસ ડ્રાઈવરને માર્યો


સુરત(Surat): શહેરની પ્રજાને પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની ઝડપી સગવડ મળી રહે તે હેતુથી સુરત મનપા (SMC) દ્વારા કરોડોના ખર્ચે અલગથી બીઆરટીએસ (BRTS) રૂટ બનાવવામાં આવ્યા છે, જેમાં માત્ર બસ જ દોડાવી શકાય છે. આ રૂટ પર ખાનગી વાહનોને હંકારવા પર પ્રતિબંધ છે તેમ છતાં શહેરમાં આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે.

હદ તો એ થઈ છે કે બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહન દોડાવનારા હવે બસ ડ્રાઈવરો સાથે મારામારી પણ કરવા લાગ્યા છે. કાપોદ્રાના (Kapodra) બીઆરટીએસ રૂટમાં બનેલી આવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં બાઈક ચાલકે બીઆરટીએસ બસના ડ્રાયવરને બસમાં ઘુસી ગંદી ગાળો દઈ માર માર્યો હતો. પ્રતિબંધ હોવા છતાં બીઆરટીએસ રૂટમાં બાઈક ચાલક પ્રવેશ્યો હતો અને પોતાનું ટુવ્હીલર દોડાવી રહ્યો હતો. બસ ડ્રાઈવરે હોર્ન મારી સાઈડ પર ટુવ્હીલર દોડાવવા કહેતા ટુ-વ્હીલરનો ચાલક રોષે ભરાયો હતો અને બસની આગળ બાઈક પાર્ક કરી દાદાગીરી કરી, ગંદી ગાળો દઈ, ડ્રાઈવરને માર્યો હતો. આ સમગ્ર ઘટના બસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બસના ડ્રાઈવરે બાઈક ચાલક વિરૂદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

આ ઘટના બુધવારે રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા રામચોક ખાતેના બીઆરટીએસ રૂટમાં બની હતી. રૂટમાંથી બસ પસાર થઈ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં ટુવ્હીલર ચાલકો બીઆરટીએસ રૂટ માં ઘુસી ગયા હતા અને આડેધડ વાહનો હંકારી રહ્યાં હતાં, જેના લીધે બસ હંકારવામાં તકલીફ પડી રહી હતી. દરમિયાન એક બાઈક ચાલક રૂટની વચ્ચોવચ્ચ તેનું બાઈક દોડાવી રહ્યો હતો, જેથી બસના ડ્રાઈવરે સાઈડમાં ખસી જવા માટે હોર્ન માર્યો હતો.

બસના ડ્રાઇવરે હોર્ન મારતા બાઇક ચાલક રોષે ભરાયો હતો અને એકદમ બસની સામે બાઈક મૂકી દીધી હતી. ત્યારબાદ દાદાગીરી કરવા લાગ્યો હતો. બસના ડ્રાઈવરને અભદ્ર ભાષામાં ગંદી ગાળો દઈ માર માર્યો હતો. બસને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બસની ડ્રાઇવરની સીટ પર બેસેલા ડ્રાઈવરને મારતા તે સીટ પરથી નીચે પડી ગયો હતો.

મારામારી થતાં બસના પેસેન્જર ગભરાયા હતા અને બૂમાબૂમ કરી હતી. ત્યાર બાદ બાઈક ચાલક પોતાની બાઇક લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બીઆરટીએસ બસમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ તો આ સીસીટીવી પ્રમાણે બીઆરટીએસ બસના ડ્રાઈવરે બાઇક ચાલક વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top