Sports

લિયોનલ મેસી: જીદ, ઝનૂન અને દૃઢ ઇચ્છાશક્તિનો સરવાળો

આખરે ફિફા વર્લ્ડકપ ટ્રોફી જીતવાનું લિયોનલ મેસીનું અધુરૂ સ્વપ્ન પૂર્ણ થયું. આ એક એવું સપનું હતું જે માત્ર મેસીએ જ નહીં અને દરેક આર્જેન્ટિનીયને નહી પણ આખા વિશ્વમાં જ્યાં પણ મેસીના ફેન છે એ તમામે તેની સાથે જ જોયું હતું, તેથી એવું કહી શકાય કે માત્ર મેસીનું જ નહીં પણ એ તમામનું સપનું સાકાર થઇ ગયું છે. ભારતમાં કેરળથી લઇને કાશ્મીર સુધી કે પશ્ચિમ બંગાળના કોલકાતાથી ગુજરાત સુધી અને દુનિયાના દરેક ખૂણે મેસીના ચાહકો વસેલા છે ત્યાં ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલે તમામને મેસીના રંગે રંગી દીધા હતા. દશકાઓ વિતી જાય ત્યારે કોઇ એવો વિરલ ખેલાડી આવે છે કે જે આ રીતે મેદાન પર જ નહીં પણ મેદાન બહાર પણ એટલી જ વ્યાપક અસર ધરાવે છે. મેદાન પર તેની અસર એવી કે ફિફા વર્લ્ડકપની પહેલી મેચ હાર્યા પછી સાથી ખેલાડીઓનું મનોબળ એવું વધાર્યું કે આખરે ટીમે ચેમ્પિયન બનીને જ રાહતનો શ્વાસ લીધો.

ફિફા વર્લ્ડકપ જીતીને પેલે અને મેરાડોનાની લિસ્ટમાં સામેલ થયો મેસી
લિયોનલ મેસી એક એવું નામ છે જેનો જાદુ પેલે અને ડિએગો મેરાડોના પછી આખા જગત પર છવાયેલો છે. ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના ફેન પણ ઘણાં છે અને નેમારના પણ ઘણાં ફેન છે પણ મેસી જેવો જાદુ અન્ય કોઇનો જણાતો નથી. ફિફા વર્લ્ડકપની આ ટ્રોફી તેના માટે શું મહત્વ ધરાવે છે તે એ વાતથી સાબિત થાય છે કે જ્યારે ગોલ્ડન બોલ માટે તેના નામની જાહેરાત થઇ ત્યારે પહેલા તે ટ્રોફી પાસે જઇને તેને ચુમી હતી અને પછી પોતાનો એવોર્ડ લેવા ગયો હતો. મેદાન બહાર તેનો જાદુ એવો છે કે તેનું સપનું દરેક ફૂટબોલ પ્રેમીનું સપનું બની ગયું હતું. ફાઇનલમાં જ્યારે બીજા હાફમાં પળેપળ વધતો રોમાંચ અને મેચમાં સતત આવતા પલટાને કારણે મેસીના્ ચાહકોના હૃદયની ધડકનો તેજ બનતી ગઇ હતી અને જ્યારે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના જીત્યું તેની સાથે જ વિશ્વના દરેક ખૂણે વસતા તેના ચાહકોએ ઉજવણી શરૂ કરી દીધી. આર્જેન્ટીનાથી હજારો કિલોમીટર દૂર આવેલા શહેરોમાં ફટકડાંઓ ફૂટ્યા અને લોકોએ મિઠાઇ પણ વહેંચી.

11 વર્ષની વયે ગ્રોથ હોર્મોન ડેફિસિયન્સી બિમારીથી મેસી પિડાતો હતો
લિયોનલ મેસી ફૂટબોલની રમતમાં આવ્યો તે પહેલા માત્ર 11 વર્ષની વયે તે ગ્રોથ હોર્મોન ડેફિસિયન્સી બિમારીથી પિડાતો હતો, જો કે આ બિમારી સામે લડીને તેમાંથી બહાર આવીને વિશ્વના દિગ્ગજ ફૂટબોલરોમાં સામેલ થવા સુધીની મેસીની સફરમાં તમને ઝનૂન, જુસ્સો અને જીજીવિષાની એક અનેરી કથા જોવા મળશે અને તેમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવીને તે ફૂટબોલ ઇતિહાસની જીવંત દંતકથા બની ગયો હતો. આ જીતની સાથે એ ચર્ચાનો પણ અંત આવશે કે મેરાડોના અને મેસીમાંથી કોણ મહાન છે. દેશ માટે ટાઇટલ ન જીતી શકવાને કારણે તેને મરાયેલા મહેણાઓથી તેના હૃદયમાં પડેલા ઘા પર પણ મલમ લાગી ગયો છે. સાતવારના બેલોન ડિઓર એવોર્ડ વિજેતા, વિક્રમી છ વાર યૂરોપિયન ગોલ઼્ડન શૂઝ વિજેતા ઉપરાંત બાર્સિલોના સાથે વિક્રમી 35 ટાઇટલ, લા લિગામાં 474 ગોલ, માત્ર એક જ ક્લબ બાર્સિલોના માટે સર્વાધિક 672 ગોલ જેવા અનેક રેકોર્ડ પોતાના નામે ધરાવનાર મેસીને પહેલાથી એક જ પીડા હતી કે તે પોતાના દેશને ફિફા ટ્રોફી જીતાડી શક્યો નહોતો અને હવે એ પીડા પણ મટી ગઇ છે.

સાઉદી અરેબિયા સામેના પરાજય પછી મેસીએ રિધમ પકડી
જ્યારે આર્જેન્ટિનાએ છેલ્લે 1986માં વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે મેરાડોના દેશ માટે ભગવાન બની ગયો હતો, જોકે ફાઇનલમાં તે ગોલ કરી શક્યો ન હતો. તેની નજીક પહોંચનારાઓમાં માત્ર મેસી જ હતો. જો વર્લ્ડકપ ન જીતવાથી તેની મહાનતા પર હંમેશા આંગળીઓ ચિંધાતી રહી હતી. 2014ની ફાઇનલમાં જર્મનીએ આર્જેન્ટિનાને એક જ ગોલથી હરાવ્યું ત્યારે પણ આંગળી ચિંધાઇ હતી. જ્યારે આ વર્લ્ડકપની પહેલી જ મેચમાં સાઉદી અરેબિયાએ આર્જેન્ટિના સામે અણધાર્યો વિજય નોંધાવ્યો ત્યારે પણ પ્રશ્નો ઉભા થયા. જો કે એ પરાજયે આર્જેન્ટિના અને મેસી માટે સંજીવનીનું કામ કર્યું અને. મેચ બાય મેચ, બંનેએ તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો અને તેઓ એકતરફી સેમિફાઇનલ મેચમાં અગાઉના રનર્સ-અપ ક્રોએશિયાને હરાવીને ફૂટબોલના સૌથી મોટા મહાકુંભની ફાઇનલમાં પહોંચ્યા. મેસ્સી આ જીતનો શિલ્પી પણ હતો, જેણે 34મી મિનિટે પેનલ્ટી પર પહેલો ગોલ કર્યો હતો અને પછી જુલિયર અલ્કારેઝના બંને ગોલમાં સૂત્રધારની ભૂમિકા ભજવી હતી.

17 વર્ષની વયે ક્લબ કેરિયરની શરૂઆત અને 19 વર્ષની વયે પહેલો ફિફા વર્લ્ડકપ
લિયોનલ મેસીની ફિફા વર્લ્ડકપની સફર 2006માં શરૂ થઇ ત્યારે તેની વય માત્ર 19 વર્ષની હતી. ત્યારથી લઇને અત્યાર સુધી તે વર્લ્ડકપમાં સૌથી વધુ 26 મેચ રમી ચુક્યો છે. વર્લ્ડકપના ઇતિહાસમાં આર્જેન્ટીના વતી સર્વાધિક 13 ગોલ કરી ચુક્યો છે. વધતી જતી વયને બેકફૂટ પર રાખીને આ વર્લ્ડકપમાં તેણે 6 ગોલ કર્યા અને ચારમાં સુત્રધારની ભૂમિકા ભજવી. વર્લ્ડકપમાં બેવાર ગોલ્ડન બોલ એવોર્ડ જીતનારો તે પહેલો ખેલાડી છે. 1987માં રોસારિયોમાં ફૂટબોલ પ્રેમી પરિવારમાં જન્મેલા મેસી જ્યારે પહેલીવાર ઘરના આંગણામાં તેના ભાઈઓ સાથે ફૂટબોલ રમ્યો ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ તેનું નામ વિશ્વના મહાન ખેલાડીઓમાં લેવામાં આવશે. બાર્સિલોના માટે લગભગ દરેક ખિતાબ જીતી ચૂકેલા પેરિસ સેન્ટ-જર્મન સ્ટાર સ્ટ્રાઈકરે 2004માં 17 વર્ષની ઉંમરે બાર્સેલોના સાથે તેની ક્લબ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 22 વર્ષની ઉંમરે તેનો પહેલો બેલોન ડી’ઓર જીત્યો હતો. ઓગસ્ટ 2021 માં બાર્સેલોના છોડતા પહેલા, તેણે લગભગ તમામ ક્લબ ફૂટબોલ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

2006માં મેસી વર્લ્ડકપની પહેલી મેચ રમ્યો ત્યારે મેરાડોના પણ મેદાનમાં હાજર હતો
મેસ્સીએ 2006માં જર્મનીમાં સર્બિયા અને મોન્ટેનેગ્રો સામેની ગ્રૂપ મેચમાં તેના વર્લ્ડકપની શરૂઆત કરી હતી, તે સમયે મેદાનમાં મેરાડોના પણ હાજર હતો. 19 વર્ષીય મેસી 75મી મિનિટે સબસ્ટીટ્યટ તરીકે મેદાન પર આવ્યો હતો. 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં જ્યારે આર્જેન્ટિનાએ ફૂટબોલમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે 2010ના વર્લ્ડકપમાં મેસી પાસેથી અપેક્ષાઓ વધી ગઈ હતી. તે સમયે ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાનો જર્મની સામે પરાજય થયો હતો અને મેસી પાંચ મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહોતો. જો કે એ જ મેસીએ એકલા હાથે ટીમને ચાર વર્ષ પછી બ્રાઝિલમાં ફાઇનલમાં પહોંચાડી હતી, જો કે ફાઇનલમાં જ્યારે આર્જેન્ટિના માત્ર એક ગોલથી હાર્યું ત્યારે મેસી પોતાના અશ્રુઓને રોકી શક્યો નહોતો.

આ પછી 2018માં રશિયામાં પ્રથમ નોકઆઉટ મેચમાં આર્જેન્ટિનાને ફ્રાન્સે 4-3થી હરાવ્યું હતું અને ત્રણમાંથી બે ગોલ મેસીએ કર્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં આ મહાન ખેલાડીનું એક જ સપનું હતું…વર્લ્ડ કપ જીતવાનું. ક્વાર્ટર ફાઈનલમાં જીત બાદ મેસીએ પોતે કહ્યું હતું કે ડિએગો અમને આકાશમાંથી જોઈ રહ્યો છે અને અમને વર્લ્ડકપ જીતવા માટે પ્રેરિત કરી રહ્યો છે. એવી અપેક્ષા છે કે તે છેલ્લી મેચ સુધી આ જ પ્રદર્શન ચાલુ રાખશે. અને ચોક્કસપણે ફાઇનલમાં આર્જેન્ટિના જે સ્થિતિમાં જીત્યું તેને જોતા લાગે છે કે ખરેખર મેસી સાથે મેરાડોનાના આશિર્વાદ હતા.

Most Popular

To Top