Columns

વાત સમજવા જેવી

ઓલિમ્પિક ફીવર છે. ભલે આપણા દેશના ખેલાડીઓએ બહુ બધા મેડલ ન જીત્યા હોય પણ થોડા તો જીત્યા છે ને.ભલે ગોલ્ડ મેડલ ન મેળવ્યો હોય, બ્રોન્ઝ મેડલ તો મેળવ્યા છે.ભલે હારી ગયા હોય પણ બરાબર લડત તો આપી જ છે.સ્પોર્ટસની આ વાતમાં આનંદ છે અને સાથે એક સમજ તો છે જ કે કોઈક જીતે તો કોઈક હારે અને રમત આમ જ રમાતી રહે છે.આપના જીવનું પણ કૈંક આવું જ છે.

અને કોઈ પણ રમત રમાઈ જાય પછી તેમાં અવ્વલ આવનાર એટલે કે ગોલ્ડ મેડલ મેળવનારની ખુશીનો કોઈ પાર નથી રહેતો.તે તો ખુશીમાં પાગલ થઈને રડવા લાગે છે.પણ નોંધવા જેવી વાત છે બીજા અને ત્રીજા નંબર પર આવનારની.હ્યુમન સાયકોલોજીની સ્ટડી સાબિત કરે છે કે સિલ્વર મેડલ મેળવનાર કરતાં બ્રોન્ઝ મેડલ મેળવનાર વધારે ખુશ હોય છે.આવું કેમ થાય છે?

આપણે વિચારીએ કે આવું શું કામ થાય છે? આમ તો સિલ્વર મેડલ મેળવનાર બીજો આવે છે અને બ્રોન્ઝ મેળવનાર ત્રીજો આવે છે તો બીજા આવનારને ત્રીજા કરતાં વધારે ખુશી થવી જોઈએ પણ એમ થતું નથી તેનું કારણ છે માણસના મનના વિચારો. સાઈકોલોજીમાં એક કોન્સેપ્ટ છે, જેમાં માણસનું મન જીવનમાં જે કંઈ પણ થાય છે તે સંજોગોમાં આ સંજોગોમાં આમ થયું  તેના સ્થાને બીજું કંઈ થઈ શકત કે નહિ તે વિષે વિચારવા લાગે છે.કોઇ પણ સંજોગો હોય, માણસનું મન એક નહિ અનેક પરિસ્થિતિઓ વિચારી લે છે અને જે થયું હોય છે તેના કરતાં અનેક વિપરીત અને જુદી જુદી પરિસ્થિતિ વિચારવા લાગે છે.

સાઈકોલોજીના આ નિયમ પ્રમાણે સિલ્વર મેડલ જીતનાર વિચારે છે કે ‘અરે હું જરાક માટે ચૂકી ગયો.થોડી વધારે મહેનત કરી હોત તો પહેલો આવી જાત અને ગોલ્ડ મેડલ જીતી જાત.હું જરાક માટે ગોલ્ડ મેડલ જીતી ન શક્યો.’ અને આ વિચાર તેને દુ:ખી કરે છે. જયારે ત્રીજો આવનાર બ્રોન્ઝ મેડલ મેળવનાર વિચારે છે કે ‘અરે, સારું થયું, ત્રીજો તો  ત્રીજો, પહોંચી તો ગયો અને મેડલ જીતી ગયો.સારું થયું મને મેડલ તો મળ્યો.સિલ્વર મેડલ જીતનાર ગોલ્ડ મેળવનાર સામે હારી જાય છે એટલે હારી ગયા બાદ સિલ્વર મેડલ મળે છે.તેનો આનંદ ઓછો થઈ જાય છે.

જયારે બ્રોન્ઝ મેડલ માંડ માંડ જીતવાથી મળે એટલે તેનો આનંદ વધુ અનુભવાય છે.અને આવું માત્ર રમતમાં નથી થતું. આપણા જીવનમાં પણ થાય છે. જીવનમાં જે મળે છે તેનો સ્વીકાર અને આનંદ અનુભવવાને બદલે આપણે આપણી પાસે જે નથી કે આપણને જે મળતું નથી તેના માટે દુઃખી થતા રહીએ છીએ. વાત સમજી લઈએ કે જીવનમાં આપણને જે મળે છે અને આપણી પાસે જે છે તેનો આનંદ મેળવવાનું ન ભૂલીએ.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top