Comments

કર્ણાટકમાં મોદીનો પ્રયોગ સફળ થશે?

તાજેતરમાં ઝડપભેર બનેલી ઘટનાઓમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદુરપ્પા પદ પરથી ઊતરી ગયા અને રાજ્યના 30 મા મુખ્ય પ્રધાનપદે બસવરાજ સોમપ્પા બોમ્માઇ બેઠા. યેદુરપ્પાની વિદાય આશ્ચર્યકારક ન હતી કારણ કે તેણે જવાનું જ હતું. ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી આનંદીબેન પટેલને જવું પડયું હતું કારણ કે તેમની ઉંમર 75 વર્ષ કરતાં વધી ગઇ હતી. યેદુરપ્પા તો 78 વર્ષના થયા. યેદુરપ્પાના અનુગામી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલબત્ત, ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતાઓ સાથે મસલત કરી મૃદુભાષી બોમ્માઇની પસંદગી કરી ઘણા વિરોધી નેતાઓના સઢમાંથી હવા કાઢી નાંખી હતી.

વિપક્ષ કહેતો હતો કે ભારતીય જનતા પક્ષમાં હવે યાદવાસ્થળી થશે અને અમને તેનો ફાયદો મળશે. પણ નવા મુખ્યમંત્રી તરીકે જયારે બોમ્માઇનું નામ જાહેર થયું ત્યારે એવું કંઇ બન્યું નહીં! સૌ પ્રથમ તો આપણે એ સમજીએ કે ભારતીય જનતા પક્ષ માટે કર્ણાટકનું શું મહત્ત્વ છે? ગુજરાત ભારતમાં એવું પહેલું રાજય છે, જયાં 1990 ના દાયકામાં જાગેલી કેસરિયા લહેર પ્રચંડ મોજા બની આખા દેશમાં ફેલાવા માંડી. કર્ણાટક દક્ષિણ ભારતનું એવું પ્રથમ રાજય છે, જેના દ્વારા તેને દક્ષિણ ભારતમાં પ્રવેશ મળ્યો છે.

આમ છતાં ભારતીય જનતા પક્ષને કર્ણાટકમાં આંતરિક અને બહારની સમસ્યાઓ નડી રહી છે. કર્ણાટક વિધાનસભાની 2018 માં થયેલી સામાન્ય ચૂંટણીમાં 228 માંથી 1.4 બેઠક ભારતીય જનતા પક્ષને મળી હતી, પણ જરૂરી બહુમતી કરતાં આઠ બેઠકની ઘટ પડતી હતી. બે હરીફો કોંગ્રેસ અને જનતા દળ (સેકયુલર) સરકાર રચવા ભેગા થતાં તે સત્તા પર આવી શકયો ન હતો. પણ 2019 માં જનતા દળ (સેકયુલર) અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો તરીકે ફરી ચૂંટાતા યેદુરપ્પા ચોથી વાર મુખ્યપ્રધાન બની શકયા. આમ છતાં ભારતીય જનતા પક્ષ માટે સમસ્યાઓ તો ચાલુ જ રહી.

યેદુરપ્પાના શાસનમાં ઘણા વિવાદ જાગ્યા અને તેમાં પરિવારના સભ્યો પણ સંકળાયેલા હતા. યેદુરપ્પા 78 વર્ષના હોવાથી તેમની વિદાય અપેક્ષિત હતી અને ઓછી વયના નેતાને શોધવા માટે પણ ભારતીય જનતા પક્ષમાં દબાણ વધી રહ્યું હતું. યેદુરપ્પાના અનુગામી તરીકે બોમ્માઇની મોદીએ કરેલી પસંદગીને સાર્વત્રિક આવકાર મળ્યો છે. 61 વર્ષના બોમ્માઇ 2008 માં જનતા દળની પશ્ચાદ્‌ભૂમાં ભારતીય જનતા પક્ષમાં આવ્યા હોવા છતાં  તેઓ ભારતીય જનતા પક્ષ માટે ‘તારણહાર’ ગણાયા છે.

બોમ્માઇ કયારેય અતિ મહત્ત્વાકાંક્ષી જણાયા નથી. તેઓ ભારતીય જનતા પક્ષ માટે ‘રામબાણ’ ઇલાજ બની શકે એમ પક્ષના  ઘણા નેતાઓ કહે છે. તેઓ બોમ્માઇની વરિષ્ઠ નેતાઓને છંછેડયા વગર શાસન કરવાની અને પરિણામ આપવાની ક્ષમતાના વખાણ કરે છે. બોમ્માઇનો ભૂતકાળ કયારેય જૂથબંધીથી ખરડાયો નથી કારણ કે તેઓ પોતાના કામ સાથે કામનું ધ્યાન રાખતા હતા. વળી બોમ્માઇ પોતે યેદુરપ્પાના ભારતીય જનતાપક્ષમાં જોડાયા ત્યારથી વફાદાર રહ્યા છે. યેદુરપ્પા 2012 માં પોતાનો પક્ષ રચી 2013 ની વિધાનસભાની ચૂંટણી રચવા ભારતીય જનતા પક્ષ છોડી ગયા ત્યારે પણ બોમ્માઇએ પક્ષ છોડયો ન હતો. યેદુરપ્પાને પોતાની મૂર્ખાઇ સમજાઇ અને તેઓ પાછા ફર્યા ત્યારે પણ બોમ્માઇમાં કોઇ ફેર પડયો ન હતો.

મોદીને આ વાત સ્પર્શી ગઇ કે બોમ્માઇ બધાને સ્વીકાર્ય છે, મૃદુભાષી બોમ્માઇ અન્ય નેતાઓની સરખામણીમાં બિનઆક્રમક છે. પક્ષની અંદર અને બહાર તેમની છબી ઉજ્જવળ છે અને અલબત્ત, જ્ઞાતિ પરિબળ પણ મહત્ત્વનું છે. બોમ્માઇ યેદુરપ્પાની જેમ ભારતીય જનતા પક્ષની ખાસ્સી સમર્થક લિંગાયત જ્ઞાતિના છે. કર્ણાટકની 17 ટકા વસ્તી લિંગાયતોની છે અને કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભામાં લિંગાયત સમાજના 100 થી વધુ સભ્યો છે.

વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર બોમ્માઇએ પૂણેમાં ટાટાથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને સિંચાઇની એક યોજના માટે ધારવાડથી નારગંડની 232 કિલોમીટરની ખેડૂતોની આગેવાની 2003 માં લઇ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના પિતા એસ.આર. બોમ્માઇ કર્ણાટકના 11 મા મુખ્ય પ્રધાન હતા અને જનતા દળ (યુનાઇટેડ)ના સ્થાપક હતા. પણ પિતા પુત્રની રાજકીય કારકિર્દી માટે જવાબદાર ન હતા. અલબત્ત, બસવરાજ પોતાના પિતાના રાજકીય જીવનમાંથી ઘણા પાઠ શીખ્યા હતા પણ રામકૃષ્ણ હેગડેએ 1988 માં રાજીનામું આપ્યું પછી થોડા સમય એસ.આર. બોમ્માઇ મુખ્યપ્રધાન રહ્યા હતા અને 1970 માં જનતા પાર્ટીની સ્થાપના કરનાર એક સ્થંભ હતા. બસવરાજે પિતાથી વિપરીત ભારતીય જનતા પક્ષમાં જોડાવા પોતાની રાજકીય માન્યતાઓ ખંચકાટ વગર ખંખેરી નાંખી હતી. બોમ્માઇ કામ કરી શકશે?

વરિષ્ઠ અધિકારીઓ સાથેની પહેલી બેઠકમાં તેમણે ‘ચલતા હે’ને છોડી નાણાંકીય શિસ્ત અને ઝડપી નિર્ણયપ્રક્રિયા અપનાવવા કહ્યું હતું. તેઓ લોકો અને ગરીબોને ધ્યાનમાં રાખી કામ કરવા માંગે છે. બોમ્માઇ તેને માટે યેદુરપ્પાની શકિતનો ઉપયોગ પણ કરશે અને પોતાની સ્વચ્છ છબીનો પણ ઉલ્લેખ  કરશે. સાથોસાથ યેદુરપ્પાને ખોટી રીતે પણ નહીં ચીતરે. ભારતીય જનતા પક્ષને તે નથી જોઇતું. યેદુરપ્પા શું કરશે? આનંદીબેનની જેમ ખૂણે બેસી રહેશે? લાગતું તો નથી. લિંગાયત કોમનો તેમને મોટો ટેકો હોવાથી ભારતીય જનતા પક્ષ તેમને તડકે મૂકી શકે તેમ નથી. 2023 ની વિધાનસભાની ચૂંટણી આવે છે અને 2024 માં લોકસભાની. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top