પટનાથી લખનઉ આવી રહી હતી ફ્લાઇટ 6E-925 ,ખરાબ હવામાન વચ્ચે બની ઘટના, 104 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત,તકેદારીના ભાગરૂપે વિમાન ગ્રાઉન્ડેડ, ટેક્નિકલ ટીમે તપાસ શરૂ કરી: પટનાથી લખનઉ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બુધવારે એક મોટી હવાઈ ઘટના બની હતી: ખરાબ હવામાન વચ્ચે લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી રહેલા વિમાન પર આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળીના ઝટકાને કારણે વિમાનના આગળના ભાગ એટલે કે નોઝને નુકસાન પહોંચ્યું હતું. જોકે, ઘટનાની ગંભીરતા વચ્ચે પાઇલટે પરિસ્થિતિને સંભાળી લેતા વિમાનને લખનઉના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર ઘાયલ થયો નથી.
મળતી માહિતી મુજબ ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-925એ પટના એરપોર્ટથી બપોરે આશરે 3:10 વાગ્યે લખનઉ માટે ઉડાન ભરી હતી અને તેને સાંજે 4:20 વાગ્યે લખનઉ પહોંચવાનું હતું. લખનઉ તરફ આગળ વધી રહેલા વિમાનને રસ્તામાં ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન આશરે 17,000 ફૂટની ઊંચાઈએ વિમાન આકાશી વીજળીની ચપેટમાં આવ્યું. વીજળી પડ્યા બાદ વિમાનના આગળના ભાગને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી હતી,આકાશમાં બનેલી આ ઘટનાથી થોડા સમય માટે વિમાનમાં મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, પાઇલટે સ્થિતિ પર નિયંત્રણ જાળવી રાખ્યું અને વિમાનને સુરક્ષિત રીતે લખનઉ એરપોર્ટ સુધી પહોંચાડ્યું. અહેવાલો અનુસાર વિમાનમાં 104 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા અને તમામ લોકો સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર આવ્યા હતા. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ વિમાનની ટેક્નિકલ તપાસ કરવામાં આવી હતી. આકાશી વીજળીના કારણે વિમાનના આગળના ભાગને નુકસાન થયું હોવાનું સામે આવતા તેને આગળની ઉડાન માટે રોકી દેવામાં આવ્યું. ઘટનાની જાણ DGCAને પણ કરવામાં આવી હતી અને એરલાઇનની ટેક્નિકલ ટીમે વિમાનનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. સલામતીની દૃષ્ટિએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિમાનને ફરી ઉડાડવામાં આવ્યું નથી.આ વિમાનને લખનઉ પહોંચ્યા બાદ આગળ અમદાવાદ જવાનું હતું. શેડ્યૂલ મુજબ આ જ વિમાનને ફ્લાઇટ નંબર 6E-6968 તરીકે અમદાવાદ માટે ઉડાન ભરવાની હતી. પરંતુ વિમાનમાં ટેક્નિકલ સમસ્યા સામે આવતા ઇન્ડિગોએ અમદાવાદ જવાના મુસાફરો માટે બીજા વિમાનની વ્યવસ્થા કરી. અહેવાલ મુજબ મુસાફરોને બાદમાં વૈકલ્પિક વિમાન મારફતે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.આ ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી કે 17 હજાર ફૂટની ઊંચાઈએ આકાશી વીજળીની ચપેટમાં આવ્યા બાદ પણ પાઇલટે વિમાનને સુરક્ષિત રીતે લખનઉ ઉતાર્યું અને તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા. હાલમાં ક્ષતિગ્રસ્ત વિમાનની ટેક્નિકલ તપાસ ચાલી રહી છે અને જરૂરી સુરક્ષા મંજૂરી બાદ જ તેને ફરી સેવામાં મૂકવામાં આવશે.