Columns

ચાલો કરીએ એક વત્તા એક

સરસ કુટુંબમેળો જામ્યો હતો.ચાર પેઢીનાં જુદાં જુદાં શહેરોમાં રહેતાં બધાં જ ભેગાં થયાં હતાં.પ્રસંગ હતો મોટા દાદાની ૯૦ મી વર્ષગાંઠનો.દાદા ગણિતના શિક્ષક હતા અને હજી સુધી આજુબાજુનાં બાળકોને ભેગાં કરી ગણિત શીખવાડતા અને ગણિતના પ્રશ્નોની રમત રમાડતા.હજી આંકડાઓ સાથે તેમનો નાતો અકબંધ હતો. ઘરનાં બધાં સભ્યો ભેગાં થયાં. ૯૦ નંબરના શેપમાં પૌત્રીએ બનાવેલી કેક કાપવામાં આવી.બધાએ દાદાને નાની મોટી ભેટ આપી અને અલકમલકની વાતો થતી હતી. સૌથી નાનકડા પૌત્રે કહ્યું, ‘દાદા, તમારા જીવનમાં તો અનેક અનુભવો થયા હશે કૈંક યુનિક વાત કરો ને.’

દાદા બોલ્યા, ‘દીકરા, મારું આખું જીવન અંકોની સાથે વીત્યું છે એટલે મેં અંકોની વચ્ચે રહીને અંકોની મદદથી જીવનને સમજ્યું છે.બધા અંકોની પોતપોતાની જુદી જુદી કિંમત હોય છે અને જેમ જેમ અંકો એકબીજા સાથે જોડાઈ એક બીજાની કિંમત વધારતા જાય છે તેમ આપણે બધા પણ જુદા જુદા છીએ અને આવડતો અને ખાસિયતો પણ જુદી જુદી છે અને આપણે એકબીજાની સાથે જોડાયેલાં રહીશું તો કિંમત વધતી જશે.’ જીવન અને અંકોની આ વાતોમાં બધાને રસ પડ્યો.દાદાએ આગળ કહ્યું, ‘એક સરસ મજાની વાત કરું. અંકોમાં મારા ફેવરીટ અંક છે ૦ શૂન્ય અને ૧ એક.શૂન્ય ની ભલે એમ કહેવાય કે કોઈ કિંમત નથી.

પણ શૂન્ય જેની સાથે રહે તેની કિંમત વધતી જ રહે છે અને એકની તો વાત જ ન્યારી છે.એક એટલે એક ભાઈ નંબર વન.ગણિતમાં તો એક નિયમ છે કે એક વત્તા એક કરીએ તો બે થાય અને એકમાંથી એક બાદ કરીએ તો શૂન્ય થાય,પણ હું હવે તમને એક સરસ વાત કરું.આ એક અને એક સાથે મળીને જો ૧૧ થાય તો એ એક ટીમ બની જાય જેમાં લોકો એકબીજાની સાથે જોડાઈને એક સંગઠન બનાવે અને એકમેકની સાથે આગળ વધે.માટે કુટુંબને પણ એક વિનિંગ ટીમ બનાવવા માટે હંમેશા એક વત્તા એક ૧૧ અગિયાર બનીને રહેજો અને જયારે એક વત્તા એકનો જવાબ પણ એક જ આવે ત્યારે તે સાચો પ્રેમ કહેવાય.એટલે કુટુંબમાં પ્રેમ જાળવવાની વાત આવે ત્યારે બધા સાથે મળીને એક થઈ જજો.ગણિતના નિયમની સાથે આ એક વત્તા એક અગિયાર અને એક વત્તા એક. એક ના બે નિયમ પણ યાદ રાખજો.’ દાદાએ ગણિતના પોતાના અનુભવોની સાથે કુટુંબને હંમેશા સાથે પ્રેમથી રહેવાની વાત સરસ રીતે સમજાવી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top