World

પત્રકારિતા છોડીને બન્યા પોસ્ટમેન

હવે ઓછો તણાવ અને આવકમાં 3 ગણો વધારો

અમેરિકાના 53 વર્ષીય જિમ લેક્સાની કારકિર્દી બદલવાની કહાની હાલ ચર્ચામાં છે. લગભગ 30 વર્ષ સુધી પત્રકાર તરીકે કામ કર્યા પછી તેમણે અચાનક પોતાની નોકરી છોડીને પોસ્ટમેન તરીકે નવી શરૂઆત કરી. આશ્ચર્યની વાત એ છે કે આ નિર્ણયથી તેમની આવક લગભગ ત્રણ ગણો વધી ગઈ છે અને જીવનમાં તણાવ પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.

જિમ લેક્સાને બાળપણથી જ લેખનનો શોખ હતો. હાઇસ્કૂલના સમયમાં જ તેમણે સ્થાનિક અખબારમાં રમતગમત સંબંધિત સમાચાર લખવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1984માં ટેક્સાસમાં સ્પોર્ટ્સ રિપોર્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત થઈ. તે સમયે તેમને અઠવાડિયે લગભગ 230 ડોલર જેટલું વેતન મળતું હતું. સમય જતાં ડિજિટલ મીડિયા વધતાં અખબાર ઉદ્યોગમાં ઘટાડો થવા લાગ્યો. તેના કારણે ન્યૂઝરૂમમાં સ્ટાફ ઓછો થયો અને પગારમાં પણ ઘટાડો થયો. જિમ લેક્સાનું વેતન પણ ઘટીને લગભગ 37,500 ડોલરથી 30,000 ડોલર જેટલું રહી ગયું. આર્થિક તંગી વધતાં રોજિંદા ખર્ચ ચલાવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થવા લાગી અને કામનો તણાવ વધતો ગયો.

આખરે 2015માં તેમણે મોટો નિર્ણય લીધો અને પત્રકારિતા છોડીને અન્ય નાના કામો કરવા શરૂ કર્યા. ત્યારબાદ તેમને યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ (USPS)માં કામ કરવાની તક મળી. શરૂઆતમાં ક્લર્ક તરીકે જોડાયા, પરંતુ થોડા સમયમાં જ તેઓ પોસ્ટલ ડિલિવરીમાં સામેલ થઈ ગયા અને પછી તેમને ન્યૂયોર્કના બફેલો શહેરમાં ફુલ-ટાઇમ પોસ્ટમેન તરીકે નિમણૂક મળી. આ નોકરીમાં શરૂઆતમાં મુશ્કેલીઓ આવી, પરંતુ ધીમે ધીમે તેઓ કામમાં સ્થિર થયા. હાલ તેઓ પ્રતિ કલાક આશરે 34 ડોલર કમાય છે અને ઓવરટાઇમ સાથે તેમની વાર્ષિક આવક 85,000 ડોલરથી વધુ થઈ ગઈ છે, જે તેમની અગાઉની આવક કરતાં લગભગ ત્રણ ગણો વધારે છે.

જિમ લેક્સા કહે છે કે આ બદલાવ પછી તેમની જીવનશૈલીમાં સુધારો થયો છે, માનસિક તણાવ ઓછો થયો છે અને હવે તેઓ પહેલાં કરતાં વધુ સંતોષપૂર્ણ જીવન જીવી રહ્યા છે. તેમની કહાની એ દર્શાવે છે કે યોગ્ય સમયે લેવામાં આવેલ નિર્ણય જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.

Most Popular

To Top