Latest News

More Posts

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પાણીપતથી દેશની સૌથી મોટી વીમા કંપની LICની નવી વીમા સખી યોજના (LIC Bima Sakhi Yojna) લોન્ચ કરી. આ યોજના ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ મહિલાઓને LIC એજન્ટ બનવા માટે સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે. આ સાથે તેમને દર મહિને 5,000 થી 7,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.

LIC બીમા સખી યોજના માત્ર ગ્રામીણ મહિલાઓ માટે આજીવિકાની નવી તકો ઊભી કરવા જઈ રહી નથી પરંતુ ભારતના વંચિત વિસ્તારોમાં વીમાની પહોંચ વધારવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સરકારી યોજના હેઠળ દેશભરમાં તેમાં જોડાનાર મહિલાઓને તાલીમ આપવામાં આવશે.

એટલું જ નહીં તાલીમ લેનારી મહિલાઓને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક ભથ્થું આપવાની પણ જોગવાઈ છે. જે મહિલાઓ પોતાનો ટાર્ગેટ પૂરો કરે છે તેમને કમિશન આધારિત પ્રોત્સાહન કમિશન પણ મળશે.

PM મોદીએ યોજના વિશે શું કહ્યું ?
આ યોજના લોન્ચ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમારી સરકારે છેલ્લા 10 વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે અભૂતપૂર્વ પગલાં લીધા છે. આજે હરિયાણાના પાણીપતમાં વીમા સખી યોજનાનું ઉદઘાટન અને વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતા ઘણો આનંદ થાય છે.

આ યોજનાના લોન્ચિંગ સમયે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ હાજર હતા. LIC બીમા સખી યોજનાના પ્રથમ તબક્કામાં 35000 મહિલાઓને LIC એજન્ટ તરીકે રોજગાર આપવામાં આવશે. ત્યાર બાદ 50 હજાર વધુ મહિલાઓને આ યોજનામાં જોડવામાં આવશે.

10 પાસ મહિલાઓ કરી શકશે અરજી
આ યોજના હેઠળ મહિલાઓને ત્રણ વર્ષની ટ્રેનિંગ સાથે સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ત્રણ વર્ષનો ગાળો પૂર્ણ થયા બાદ તે તમામ LIC એજન્ટ તરીકે કામ કરી શકશે. આ યોગ્યતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. સ્કીમની ખાસિયતો વિશે વાત કરીએ તો આ સ્કીમમાં કોઈપણ 10મી પાસ મહિલા અરજી કરી શકે છે.

આ વય મર્યાદા 18 વર્ષથી 70 વર્ષ રાખવામાં આવી છે. આ માટે ઓનલાઈન અથવા નજીકની શાખામાં જઈને અરજી કરી શકાય છે. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો અરજી કરવા માટે મહિલા પાસે ઉંમરનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર અને 10મી પરીક્ષા પાસ કર્યાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ હોવી જોઈએ.

To Top