Entertainment

ક્રિતીમાં છે કામનું ઝનૂન

આટલી બધી મહિલાકેન્દ્રી ફિલ્મો શું કામ આવે છે તે ખબર નથી, કારણ કે આપણો પ્રેક્ષક પુરુષકેન્દ્રી માનસિકતા ધરાવે છે અને પ્રેક્ષક કહો ત્યારે તેમાં સ્ત્રી-પુરુષ બંને શામિલ છે. સ્ત્રીઓને પણ પુરુષ વર્ચસ્વ ધરાવતી ફિલ્મો જ ગમે છે એટલે આજે પણ સૌથી વધુ ફી પુરુષ સ્ટાર્સને જ મળે છે. સ્ત્રીકેન્દ્રી ફિ્લ્મો વડે પોતાનો વટ જમાવવાનો પ્રયત્ન કરનારી કંગના રણૌત પણ અત્યારે રાજકારણ તરફ પલટી મારવા તૈયાર છે. ખેર! આ બધું છતાં અત્યારે મહિલાકેન્દ્રી ફિલ્મો આવી તો રહી જ છે અને આ અઠવાડિયે રજૂ થતી ‘ક્રુ’ તેમાંની જ એક છે. આમ તો તેમાં ત્રણ ફ્લાઈટ એટેન્ડન્ટ્સ વાત છે. પણ ક્રિતી સેનોન કહે છે કે આ ફિલ્મ શુધ્ધ કોમેડી છે. ક્રિતી આ ફિલ્મમાં તબુ, કરીના કપૂર સાથે તિકડી બનાવીને કામ કરી રહી છે અને તે કહે છે કે ‘મને લાગે છે કે જ્યારે કોઈ સ્ત્રીવાળી ફિલ્મ આવે છે તો બધા વિચારે છે કે બહુ સિરીયસ ફિલ્મ હશે યા કોઈ ખાસ મુદ્દો ઉઠાવાયો હશે પણ એવું નથી, અભિનેત્રીઓ ખૂબ સારી કોમેડી કરી શકે છે અને તે તમે આ ફિલ્મમાં જોશો. ક્રિતી કહે છે કે કરીના અને તબુ સાથે કામ કરવું રિફ્રેશીંગ છે. તે બંને સામાન્યપણે સ્ટાર્સ સાથે કામ કરે છે. પણ આ ફિલ્મનો અનુભવ જૂદો છે. અમને ત્રણેને કામ કરવામાં બહુ મઝા આવી છે. આ ફિલ્મમાં અમે ત્રણ ફ્લાઈટ એટેન્ડન્ટની ભૂમિકામાં છે. ‘ક્રુ’ ફિલ્મની નિર્માત્રી એકતા કપૂર અને રિયા કપૂર છે. આ ફિલ્મમાં કપિલ શર્માએ પણ નાની ભૂમિકા કરી છે. ક્રિતી સેનેનની ‘તેરી બાતોમેં ઐસા ઉલઝા દિયા’ પછી તરત આ ફિલ્મ આવી છે. એ ફિલ્મ પ્રમાણમાં સફળ રહી છે અને હવે ‘ક્રુ’ આવી છે. ક્રિતી અપેક્ષા રાખશે કે લોકો હસે અને ફિલ્મ સફળ બનાવે. તેને સફળતાની ઘણી જરૂર છે. ‘આદિપુરુષ’ની જાનકી માટે સફળતા જ રામ છે. અત્યારની અભિનેત્રીઓમાં બ્યુટીફુલ ગણાતી અને ઊંચેરી ક્રિતીના નામે કોઈ જબરદસ્ત સફળતા હજુ ચડી નથી. તેને સંજય લીલા ભણશાલીની ફિલ્મોમાં ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ વગેરેને જેવી મહત્ત્વની ભૂમિકા મળી તેવી ઓછી મળે છે. તેનામાં ઘણી શક્યતા છે છતાં અમુક ફિલ્મો અને પાત્રોથી તે વંચિત રહે છે. •

Most Popular

To Top