Dakshin Gujarat

પાલોદ નજીક હોટલના કમ્પાઉન્ડમાંથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો


હથોડા: કોસંબા પોલીસે (Kosamba Police) બાતમીના આધારે પાલોડ નજીક હાઇવે (Highway) પાસે આવેલી હોટલ રોયલ ઈનના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલો ઇંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો (Tempo) ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી માલ ભરાવનાર તેમજ માલ મંગાવનાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. કોસંબા પી.આઈ. એચ.બી.ગોહિલને બાતમીદારે બાતમી આપી હતી કે, કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાલોદ ગામની ભાગોળે આવેલી હોટલ રોયલ ઇનના કમ્પાઉન્ડમાં ઇંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો ઊભો છે. જેથી કોસંબા પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં આ હોટલના કમ્પાઉન્ડમાં એમએચ 04 ju 2040 નંબરનો ટેમ્પોમાંથી 347 પેટી એટલે કે 12,480 ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી હતી.

કોસંબા પોલીસે 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
કોસંબા પોલીસે રૂપિયા 25 લાખનો ઇંગ્લિશ દારૂ તેમજ રૂપિયા 20 લાખની કિંમતનો ટેમ્પો મળીને કુલ રૂપિયા 45 લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોચાલક મનીષ પદ્મારામ દેવાસી રાજસ્થાનની ધરપકડ કરી હતી. ડ્રાઇવરની પોલીસે કરેલી પૂછપરછમાં ટેમ્પોમાં દારૂનો જથ્થો મુંબઈ ખાતે રહેતા મહેશ તન્ના નામના બુટલેગર તેમજ સંકેત (રહે.,સોલાપુર)એ ભરાવ્યું હતું અને આ માલનો જથ્થો અંકલેશ્વરના બુટલેગર જિગ્નેશ ઉર્ફે જીગો કિરીટ પરીખે મંગાવ્યો હતો. કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બારડોલીના શેઠ ફળિયામાં જુગાર રમતા બે ઝડપાયા
બારડોલી: બારડોલી ટાઉન પોલીસે શેઠ ફળિયામાં અંક પર જુગાર રમતા બે શખ્સને ઝડપી પાડ્યા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે તેમની પાસેથી 13,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બારડોલી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલીના શેઠ ફળિયામાં રાત્રે નીકળતા શ્રીદેવી નામક બજારના અંક પર બે ઇસમો આવતાં જતાં લોકો પાસેથી અંક લખાવી જુગાર રમાડે છે. પોલીસે આ બાતમીને આધારે રેડ કરતાં સ્થળ પરથી આશીફ ઉસ્માન પટેલ અને શશીકાંત ભાણા રાઠોડને પકડી લીધા હતા. તેમની પાસેથી 13,400 રૂપિયા રોકડા કબજે કર્યા હતા. પોલીસે આ ગુનામાં કંચનકાકા (રહે.,કાન ફળિયા, તા.બારડોલી)ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કરિયાણાની દુકાનની આડમાં દારૂ વેચતો બૂટલેગર ઝડપાયો
ભરૂચ શહેરના દાંડિયાબજાર મચ્છીમાર્કેટમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં વિદેશીદારૂનું વેચાણ થયું હોઇ એ ડિવિઝન પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે દુકાનમાંથી વિદેશીદારૂની 4 બોટલો જપ્ત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ તેને દારૂ આપી જનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top