National

કેદારનાથમાં મોબાઇલ પર પ્રતિબંધ, મહિલાની વાયરલ રીલ પછી લેવાયો આ નિર્ણય

નવી દિલ્હી: હાલ કેદારનાથ મંદિર (Kedarnath Temple) કોઇને કોઇ કારણસર ચર્ચામાં હોય જ છે. થોડા સમય પહેલા એક મહિલાના પ્રપોઝલની વાયરલ (Viral) રીલને કારણે મંદિર પરિસરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ (Banned) મૂકવાની માંગ કરવામાં આવી હતી. જે મામલે હવે કેદારનાથ મંદિરમાં મોબાઈલ (Mobile) ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં હવે ભક્તો મંદિર પરિસરમાં ન તો તસવીરો ખેંચી શકશે અને ન તો વીડિયો બનાવી શકશે. આ નિર્ણય શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવ્યા છે, જેના પર લખ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશશો નહીં, મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અને તમે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છો. આટલું જ નહીં મંદિર સમિતિએ કેદારનાથની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને ‘યોગ્ય કપડાં’ પહેરવા અને મંદિર પરિસરમાં તંબુ કે કેમ્પ લગાવવાથી દૂર રહેવા પણ કહ્યું છે. મંદિર પરિસરમાં હિન્દી અને અંગ્રેજીમાં બોર્ડ પર પણ લખવામાં આવ્યું છે કે આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું કે આ એક ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો ખૂબ જ આસ્થા સાથે આવે છે, ભક્તોએ તેનું સન્માન કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે બદ્રીનાથ ધામમાંથી અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ત્યાં પણ આવા બોર્ડ લગાવવામાં આવશે.

વાસ્તવમાં તાજેતરના એક વીડિયોમાં કપલ ઉભા થઈને ભગવાન શંકરના દર્શન કરી રહ્યાં છે. અચાનક યુવતીએ તેના બોયફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું. વીડિયોમાં છોકરો અને છોકરી બંને ખુશ છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં તેને લઈને ચર્ચા ચાલી રહી હતી. લોકોનું કહેવું છે કે કેદારનાથને સામાન્ય ટૂરિસ્ટ સ્પોટ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. મંદિર સમિતિ દ્વારા આવા વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન કેમ્પસમાં ફોન પર પ્રતિબંધની માંગ પણ ઉઠી હતી.

Most Popular

To Top