SURAT

કરંજ GIDCના ગોડાઉનમાં આગ લાગતા સંગ્રહ કરેલી તમામ વસ્તુઓ બળીને ખાક

સુરત: શહેરના કરંજ (Karanj) વિસ્તારની જીઆઇડીસીમાં (GIDC) શુક્રવારે રાત્રે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. ગત રાત્રે લાગેલી આગમાં આખુ ગોડાઉન (Godown) બળીને ખાક થઇ ગયું હતું. તેમજ ચોમેર અફરાતફરી મચી ગઇ હતી. ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ આગને (Fire) કાબુ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. આ સાથે જ માંડવી પોલીસ (Police) વિભાગની ટીમ પણ ઘટના સ્થળે ફાયર વિભાગને મદદ કરવા પહોંચી હતી. પરંતુ આગ ખૂબ જ ભીષણ હોવાથી ગોડાઉનના સામાનને બચાવી શકાયો ન હતો.

મળતી વિગતો મુજબ કરંજ GIDCના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. તેમજ ગોડાઉનમાં આગ લાગતા સંગ્રહ કરેલા વેસ્ટેજ મટીરીયલની જ્વાળાઓ ગગનચુંબી બની હતી. અહીં અફરા તફરીના માહોલ વચ્ચે ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. હાલ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. પણ આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ બાદ માંડવી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પોલીસે એકત્ર થયેલી ભીડને ઘટના સ્થળથી દૂર ખસેડી આગને કાબુમાં લેતા ફાયરના જવાનોને રસ્તો ખુલ્લો કરી આપવામાં મદદરૂપ બન્યા હતા.

સમગ્ર મામલે ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ ગત રાત્રે 7:55 કલાકનો હતો. કોલ મળતા જ કામરેજ, પલસાણા, બારડોલી સહિત સ્થાનિક ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ભીષણ હતી એટલે પાણીનો સતત મારો ચલાવી આગને કંટ્રોલ કરવામાં આવી હતી. જોકે આગમાં કોઈ જાનહાની નોંધાઇ ન હતી. પરંતુ લાખોનું નુકશાન થયું હોય એમ કહી શકાય છે

અગાઉ અંકલેશ્વર GIDCમાં આગ લાગી હતી
અંકલેશ્વર GIDC માં એશિયન પેઇન્ટ્સ કંપનીના પ્થેલિક વિભાગમાં ગુરૂવારે રાત્રે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. એ વેળા 7.15 કલાકના અરસામાં યુટીલિટીના કુલિંગ પ્લાન્ટમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી. કલર બનાવતી કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા DPMC ના ફાયર ફાઈટરો દોડતા થઈ ગયા હતા. ભડકે બળતા કુલિંગ ટાવર સાથે આગના ધુમાડા નીકળતા અફરાતફરીના માહોલ સાથે દોડધામ મચી ગઇ હતી.

કંપનીમાં ભીષણ આગના કોલ સાથે પોલીસ કાફલો, ફાયર એન્ડ સેફટી વિભાગ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્રણ કલાક સુધી 8 જેટલા ફાયર ફાઈટરોના પાણીના મારા બાદ ત્રણ કલાકે આગ કાબુમાં આવી હતી. આ અંગે DISHના અધિકારીઓ આશુતોષ મેરૈયાએ જણાવ્યું હતું કે, ઘટનામાં કોઇ જાનહાનિ કે કોઈને ઇજા થઈ નથી.

Most Popular

To Top