Comments

ગીતા જયંતી ઉજવો કે નહીં પણ ગીતા સાર જરૂરથી જીવનમાં ઉતારવો જોઈએ

જીવન શું છે, કર્મ શું છેથી માંડીને આખા જીવનનો જો કોઈ સાર હોય તો તે ભગવદ્ ગીતામાં છે. સામાન્ય રીતે લોકો ભગવદ્ ગીતાને ધાર્મિક ગ્રંથ તરીકે ઓળખે છે પરંતુ જે રીતે ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી વાતો આજના સમયમાં પણ એટલી જ સત્ય છે. તે જ રીતે ભગવદ્ ગીતામાં કહેવામાં આવેલી વાતો પણ આજના સમયમાં એટલી જ સત્ય અને ઉપયોગી છે. ભગવદ્ ગીતા એ ભગવાન કૃષ્ણના મુખે મહાભારતની લડાઈ દરમિયાન અર્જુનને અપાયેલો ઉપદેશ છે.

આ ઉપદેશ એવો છે કે જેમાં જીવનમાં ડગલેને પગલે આવતી સમસ્યાના ઉકેલો રહ્યા છે.  દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. ગીતા જયંતીના દિવસે મોક્ષદા એકાદશી પણ છે. માન્યતા એવી છે કે એકાદશી રાખવાથી મનુષ્યના મૃત પૂર્વજો માટે સ્વર્ગનાં દરવાજા ખુલે છે. કહેવામાં આવે છે કે જે પણ વ્યકિત મોક્ષ પમવાની ઈચ્છા રાખે છે તેને આ એકાદશી પર વ્રત રાખવું જોઈએ. આ વર્ષે 2024માં તા.22મી ડિસેમ્બરના રોજ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી છે. વિદેશમાં પણ ગીતા જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

એવું કહે છે કે કળિયુગ શરૂ થવાના 30 વર્ષ પહેલા કૃષ્ણએ દ્વાપર યુગમાં ભગવદ્દ ગીતા દ્વારા અર્જુનને ઉપદેશ આપ્યો હતો. ભગવદ્દ ગીતાને 18 અધ્યાયમાં વહેંચવામાં આવી છે. જેમાં પ્રથમ 6 અધ્યાયમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયમાં જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાયમાં ભક્તિયોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયમાં મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે અર્જુન ભગવાન કૃષ્ણને રથને યુદ્ધભૂમિની વચ્ચે લઈ જવા માટે કહે છે. કૃષ્ણ રથને યુદ્ધભૂમિની વચ્ચે લઈ જાય છે અને ત્યાં ભિષ્મ પિતામહથી માંડીને દ્રોણાચાર્ય સહિતના પોતાના જ કુટુંબના લોકોને જોઈને અર્જુન નિરાશ થઈ જાય છે.

અર્જુન કહે છે કે મારે યુદ્ધ નથી કરવું અને ત્યારે ભગવાન કૃષ્ણ મૌન રહે છે. આખા પ્રથમ અધ્યાયમાં અર્જુન પોતાના પ્રશ્નો રજૂ કરે છે અને યુદ્ધ કેમ નથી કરવું તેના કારણો આપતાં રહે છે. આ સમયે કૃષ્ણ અર્જુનને કશું જ કહેતા નથી. કૃષ્ણને મૌન જોઈને અર્જુનની આંખમાંથી આંસુ નીકળવા માંડે છે અને બાદમાં કૃષ્ણ તેને ગીતાનો ઉપદેશ આપે છે. કૃષ્ણ કહે છે કે જે લોકો પોતાનું કર્મ કરતાં નથી. તેનાથી ભાગે છે, તે કાયર છે. આવા લોકોને સમાજથી માંડીને ક્યાંય કોઈજ સન્માન મળતું નથી અને અપમાનિત થવું પડે છે. કૃષ્ણના ઉપદેશ દ્વારા ભગવદ્ ગીતાનો આ રીતે ઉદ્દભવ થાય છે.

ભગવાન કૃષ્ણએ અર્જુનને તેના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું હતું. તેની આત્મા-પરમાત્માથી લઈને ધર્મ-કર્મથી જોડાયેલી તમામ શંકાઓનું નિદાન કર્યું. કૃષ્ણએ અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપ દ્વારા જીવનની વાસ્તવિકતાથી સાક્ષાત્કાર કરાવ્યો હતો. ગીતા અજ્ઞાન, દુખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવી સાંસારીક વસ્તુંઓમાંથી મુકિતનો માર્ગ બતાવે છે. તેના અભ્યાસ, શ્રવણ, ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે. ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે. શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહ ભંગ થઈ ગયો અને તેમને ગાંડીવ પહેરીને દુશ્મનોનો નાશ કર્યા પછી ધર્મની ફરી સ્થાપના કરી.  આજે આખું વિશ્વ મોટિવેશનલ સ્પીકરની વાતો સાંભળવા માટે જાય છે પરંતુ ભગવદ્દ ગીતામાં આ તમામ વસ્તુઓનો સાર આપવામાં આવ્યો જ છે.

આજના વિજ્ઞાનના યુગમાં ભગવદ્દ ગીતાને ધાર્મિક ગ્રંથ કહેવાવાળા ઘણા હોઈ શકે પરંતુ જે ફિલોસોફી ભગવદ્દ ગીતામાં રજૂ કરવામાં આવી છે તે કોઈ જ પુસ્તકમાં રજૂ કરવામાં આવી નથી. ભગવદ્દ ગીતાના સારને ધાર્મિકતાને બદલે જો ફિલોસોફીના આધારે જોવામાં આવે તો તે વિશ્વનો શ્રેષ્ઠ ગ્રંથ છે તેવું માની શકાય. આજ કારણે સ્કૂલોમાં પણ ભગવદ્દ ગીતા ભણાવવા માટેનો આગ્રહ કેટલીક સરકારો દ્વારા રાખવામાં આવી રહ્યો છે. સ્કૂલોમાં ભગવદ્દ ગીતા ભણાવવામાં આવે કે કેમ? તે અલગ જ મુદ્દો છે. ગીતા જયંતી પણ ઉજવવી કે કેમ? તે દરેક વ્યક્તિના માન્યતા પર આધારીત છે પરંતુ એ વાત ચોક્કસ છે કે ભગવદ્દ ગીતાને વાંચનાર વ્યક્તિ પોતાના જીવનમાં અનેક સમસ્યાઓથી મુક્ત જરૂર થઈ શકે છે.

Most Popular

To Top