Dakshin Gujarat

કોસમાડા પાસે ડમ્પરના પાછળના ટાયરમાં આવી જતાં પતિની નજર સામે પત્નિનુ મોત

કામરેજ: (Kamrej) કોસમાડા પાસે બાઈક (Bike) લઈને જતાં પરિવારને ડમ્પરના ચાલકે અડફેટમાં લેતા પતિની સામે પત્નિનુ ડમ્પરના પાછળના ટાયરમાં આવી જતાં મોત નીપજયુ હતું. આ ઘટનામાં પતિ અને પુત્રીનો બચાવ થયો હતો.

  • કોસમાડા પાસે ડમ્પરના પાછળના ટાયરમાં આવી જતાં પત્નિનુ મોત પતિ અને પુત્રી બચી ગયા
  • રત્નકલાકાર તરીકે કામ કરતા બાલુભાઈ કાતરીયા હિરો સ્પેલન્ડર બાઈક લઈને જતા હતા ત્યારે બની આ ઘટના

મુળ અમરેલી જિલ્લાના બાબરીયાધાર ગામના વતની અને હાલ પુણા ગામ હરીધામ સોસાયટી માં મકાન નંબર 58 માં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બાલુભાઈ ઉકાભાઈ કાતરીયા પોતાની હિરો સ્પેલન્ડર બાઈક નંબર જીજે 05 એલએ 2705 લઈને કામરેજ જઈ રહ્યાં હતા. કામરેજ તાલુકાના માંકણા ગામે રહેતા સંબંધીના ઘરે છઠ્ઠીના પ્રોગ્રામ રાત્રિના 8.00 કલાકે રાખ્યો હોવાથી પત્નિ કાશીબેન(48) પુત્રી પ્રતિક્ષા(ઉ.વ.23) સાથે બાઈક પર નીકળ્યા હતા. ત્યારે કોસમાડા ગામની હદમાં સુરતથી વલથાણ જતાં રોડ પર એલએન્ડટીના પ્રોજેકટમાં જવા માટે ડમ્પર નંબર એમએચ 48 એજી 6925ના ચાલકે ટર્ન લેતી વખતે બાઈકને કલીનર સાઈડના પાછળના ભાગે અડફેટમાં લેતા ટાયર નીચે કાશીબેન કચડાઈ ગયા હતા.

જયારે પુત્રી પ્રતિક્ષા અને બાલુભાઈ રોડ ઉપર ફંગોળાઈ જતાં તમામને 108 માં સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જ્યાં કાશીબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જયારે બાલુભાઈને ગંર્ભીર ઈજા થઈ હતી. પ્રતિક્ષાને સામાન્ય ઈજા થઈ હતી. જે અંગે મરનાર કાશીબેનના ભત્રીજા દિપકએ ડમ્પર ચાલક સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top