મીરાં સોસાયટીમાં નવી રહેવા આવી હતી. દરરોજ સવારે ઓફિસ જતી વખતે પોતાની સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટમાં રહેતી વૃદ્ધ મહિલાને જોતી. વૃદ્ધા હંમેશાં બારી પાસે બેઠેલી જોવા મળતી. એક દિવસ મીરાંએ પૂછ્યું, ‘કાકી, તમે રોજ સવાર સાંજ અહીં બારી પાસે જ બેસો છો?’ વૃદ્ધાએ મ્લાન હસીને કહ્યું, હા, કોઈ આવે તેની રાહ જોઉં છું. મીરાંએ વિચાર્યું, કદાચ તેમનાં દીકરો કે દીકરી આવતાં હશે તેની રાહ જોતાં હશે. તે હસીને આગળ વધી ગઈ. વૃદ્ધ કાકીને ગમ્યું કે કોઈકે વાત કરી.
બીજા દિવસે ફરી એ જ કાકી બારી પાસે બેઠાં હતાં. ત્રીજા દિવસે પણ એ જ દૃશ્ય. મીરાં રોજ તેમની સામે હસીને આગળ વધી જતી. એક દિવસ વરસાદ ખૂબ હતો. મીરાં ઓફિસથી પાછી ફરતી હતી ત્યારે તેણે જોયું કે વૃદ્ધ કાકી દવા લેવા બહાર નીકળ્યાં હતાં. મીરાંએ છત્રી આગળ કરી કહ્યું, ચાલો, હું લઈ જાઉં. વૃદ્ધાએ કહ્યું, બેટા, તને મોડું થશે.હું ધીમે ધીમે જઈશ. મીરાં બોલી, મને પાંચ મિનિટ મોડું થશે.વાંધો નહિ. એ પાંચ મિનિટ વીસ મિનિટમાં બદલાઈ. દવા લઈને પાછાં આવ્યાં પછી વૃદ્ધાએ ચા બનાવી.
મીરાં તેમની પાસે બેઠી ત્યારે વાતો કરતાં ખબર પડી કે વૃદ્ધાનો દીકરો વિદેશમાં રહે છે. વર્ષોથી મળ્યો નહોતો. વૃદ્ધા સાવ એકલાં જ હતાં. મીરાએ પૂછ્યું, ‘‘પણ તો પછી રોજ બારી પાસે તમે રાહ કેમ જુઓ છો?’’ વૃદ્ધાએ એ જ બારી પાસે બેસી બહાર જોઇને કહ્યું, ‘‘માણસ ક્યારેક કોઈ ખાસ વ્યક્તિની નહીં, પણ પોતાના જીવનમાં ફરી કોઈ અવાજ સંભળાય, ફરી કોઈ એક સ્મિત આપે તેની રાહ જુએ છે.તું હસીને જાય છે કે કયારેક એક વાક્ય પૂછે છે તો પણ મને ખુશી થાય છે.’’ આ વાક્ય મીરાંના મનમાં રહી ગયું. પછી મીરાંએ નિયમ બનાવી દીધો. દરરોજ ઓફિસથી આવ્યા પછી માત્ર પાંચ મિનિટ કાકી સાથે બેસવાની. કાકી ખુશ રહેવા લાગ્યાં.
થોડા મહિનામાં આખા બિલ્ડિંગમાં આ વાતની ખબર પડી અને બધાં જ કાકીની ખબર લેતાં શીખી ગયાં. કાકી રોજની જેમ બારી પાસે જ બેસતાં. આવતાં જતાં લોકો તેમને સ્મિત આપતાં તો હસતાં. કોઈ દૂધ પૂછવા આવતું, કોઈ દવા લઈ આવતું, કોઈ વાત કરવા બેસતું. કાકીનું મન ખુશ રહેતું.તેમણે મીરાંને કહ્યું, તેં તો મને પાંચ મિનીટ આપી અને ખુશી આપી અને એક ઉદાહરણ બની આખા બિલ્ડીંગનાં લોકોમાં બદલાવ લાવી દીધો.મીરાં હસી અને બોલી, કાકી, મેં તો કંઈ નથી કર્યું. માત્ર પાંચ મિનીટ તમને આપી છે, બાકી બધાં સારાં છે એટલે બધાં તમને પ્રેમ આપે છે કારણ તમે માત્ર પ્રેમ માંગો છો અને બમણો આપો છો.’’ કાકી બોલ્યાં, ‘મારા જીવનમાં આ ખુશીભર્યું પરિવર્તન તારી પાંચ મિનિટથી જ આવ્યું છે.’’ મોટું પરિવર્તન હંમેશાં મોટાં કાર્યોથી નથી આવતું. ક્યારેક થોડો સમય, થોડું ધ્યાન અને સાચી હાજરી કોઈના જીવનમાં પ્રકાશ બની જાય છે.