SURAT

જેઇઇ એડવાન્સ્ડ ઓલ ઇન્ડિયા ટોપ 100માં સુરતના 4 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું

સુરત : વિશ્વ સ્તરે પ્રતિષ્ઠિત ગણાતી ભારતની સર્વોચ્ચ એન્જિનિયરિંગ કોલેજ આઈઆઈટીમાં (IIT) પ્રવેશ (Addmission) માટે લેવામાં આવેલી જેઇઇ એડવાન્સ્ડનું (JEE Advanced) રવિવારે રોજ પરિણામ (Result) જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં સુરતના 4 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 100માં સ્થાન મેળવીને સુરતને રાષ્ટ્રિય સ્તરે નામના અપાવી છે. ચાર પૈકી એક વિદ્યાર્થિની છે. ખાસ વાત એ છે કે ચાર પૈકી બે વિદ્યાર્થીઓના માતા-પિતા વ્યવસાયે ડોક્ટર છે. તમામ વિદ્યાર્થીઓની ઇચ્છા કોમ્પ્યુટર સાયન્સમાં આગળ વધવાની છે. આ ઉપરાંત પણ અન્ય વિદ્યાર્થીઓએ પણ જેઇઇ એડવાન્સ્ડ ક્લિયર કર્યું છે. પરંતુ તેઓ ટોપ 100માં નથી.

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)માં પ્રવેશ મેળવવા માટે પ્રત્યેક વર્ષે લેવામાં આવતી જેઇઇ એડવાન્સ્ડમાં આ વખતે સુરતના વિદ્યાર્થીઓએ સુરતનું નામ રોશન કર્યું છે. મુંબઈ આઈઆઈટી દ્વારા 28 ઓગસ્ટ 2022ના રોજ જેઇઇ એડવાન્સની પરિક્ષા લેવાઈ હતી. તેનું પરિણામ રવિવારે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ સુરત શહેર માટે ખુબજ ઉત્સાહજનક રહ્યા છે. સુરતની એક વિદ્યાર્થીની સહિત 4 જણાએ ઓલ ઇન્ડિયા ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. તેમાં મહિત ગઢીવાલાએ ઓલ ઇન્ડિયા રેન્ક 9 મો મેળવ્યો છે. મહિત ગઢીવાલા જેઇઇ મેનમાં ગુજરાત ટોપર રહ્યો હતો. મહિતે 360 માંથી 285 માર્ક મેળવ્યા છે. તે છેલ્લા 7 વર્ષથી એલન કેરિયર ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરે છે. જ્યારે જલધી જોશીએ 360માંથી 261 માર્ક મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક 32માં મોળવ્યો છે. જલધી આકાશ બાઇજુસમાં ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે.
ઉપરાંત કૃષ રાખોલિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક 84 અને આનંદ સસિકુમારે ઓલ ઇન્ડિયા રેન્ક 94 મેળવ્યો છે.

મહિતની માતાએ દિકરાની તૈયારી માટે પાંચ વર્ષથી તબીબી પ્રેક્ટિસ છોડી દીધી
મહિતના માતા પ્રેમલબેન અને પિતા રાજેશભાઈબંને ડેન્ટિસ્ટ છે. મહિતના અભ્યાસની તૈયારી માટે પ્રેમલબેને છેલ્લા પાંચ વર્ષથી તબીબી પ્રેક્ટિસ છોડી દીધી હતી. મહિત માર્શલ આર્ટ કરાટેમાં પણ એક્સપર્ટ છે. તે બ્લેક બેલ્ટ ડેન 2 મેળવી ચૂક્યો છે. મહિતે જણાવ્યું હતું કે ડેઈલી હોમ વર્કની સાથે-સાથે રિવિજન અને ડાઉટ સોલ્વિંગ પર બહુ ફોકસ કરતો હતો. કારણ કે જેઇઇ એડવાન્સ્ડના પેપર ચેલેંજિંગ હોય છે અને કોઈ સરપ્રાઇઝથી ઓછા નથી હોતા.પ્રશ્નો સોલ્વ કરવાની જેટલી પ્રેક્ટિસ હશે એટલું સારું. ટાઈમ મેનેજમેન્ટનું પણ ધ્યાન રાખવું જોઈએ. ખાસ વાત છે કે મહિતને યુનિવર્સિટી ઓફ ટોરન્ટો અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પણ કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન મળી ગયું હતું પરંતુ તેને વિશ્વાસ હતો કે તે આઈઆઈટીથી કોમ્પ્યુટર સાયન્સ કરશે. જેમાં હાલ તે સફળ થતો હોય એવું લાગે છે.

રેગ્યુલર પ્રેક્ટીસે જ સફળતા અપાવી : જલધી જોશી
જલધી જોશીએ જણાવ્યું હતું કે રેગ્યુલર પ્રેક્ટીસે તેને સફળતા અપાવી છે. તેના માતા-પિતા બંને ડોક્ટર છે. છેલ્લા ત્રણ વર્ષથી તે તૈયારી કરતી હતી. તેના શિક્ષકો અને માતા-પિતાનો બહુ સપોર્ટ રહ્યો છે. તેની ઇચ્છા કોમ્પ્યુટર સાયન્સમાં આગળ વધવાની છે.

Most Popular

To Top