Gujarat

જંત્રીનો મુદ્દો વિધાનસભાના સત્રમાં પણ ગુંજશે: 100 ટકાના દર વધારાનો કોંગ્રેસ કરશે વિરોધ

અમદાવાદ : અવિચારી જંત્રીના (Jantri) મુદ્દે કોંગ્રેસના (Congress) સબળ વિરોધ બાદ એ સાબિત થઈ ચૂક્યું છે કે 17 ધારાસભ્યો ધરાવતો કોંગ્રેસ પક્ષ જટાયુની જેમ અન્યાય સામે લડવા સક્ષમ છે. આગામી વિધાનસભાના (Assembly) સત્રમાં પણ જંત્રીના 100 ટકા દર વધારાનો કોંગ્રેસના ધારાસભ્યો (MLAs) દ્વારા વિરોધ કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલે જણાવ્યું હતુ કે, અવિચારી જંત્રીના મુદ્દે કોંગ્રેસના સબળ વિરોધ બાદ એ સાબિત થઈ ગયું છે કે 17 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતા કોંગ્રેસ પક્ષ જટાયુની જેમ પણ ભ્રષ્ટાચાર રૂપી રાવણ સામે લડવા સક્ષમ છે.

સરકારને વિપક્ષનો મીજાજ પારખીને રાતોરાત બ્રહ્મજ્ઞાન થયું
હજુ બે દિવસ પહેલા જ સરકારના પ્રવક્તા મંત્રીએ સરકાર દ્વારા થોપી બેસાડવામાં આવેલી જંત્રીના 100 ટકા વધારાને કોઈપણ સંજોગોમાં અમલવારી કરાવવામાં આવશે અને તા. 6 ફેબ્રુઆરી બાદથી જ ગુજરાતના તમામ દસ્તાવેજોમાં ઉપરોક્ત વધારો વસુલવામાં આવશે તેવી શેખી મારવામાં આવેલી પણ ગુજરાતની જનતાનો રોષ અને વિપક્ષનો મીજાજ પારખીને રાતોરાત બ્રહ્મજ્ઞાન થતાં આજરોજ ભાજપા સરકાર દ્વારા જાહેરાત કરી જંત્રી વધારાનો નિર્ણય અચાનક જ હાલ પુરતો મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચોક્કસ નીતિઓ બનાવવા માટે અપીલ કરવામાં આવશે
આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાના સત્રમાં પણ જંત્રીના 100ટકા દર વધારાનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવશે. તેવી ગુજરાતની જનતાને બાહેધરી આપીએ છીએ. સરકારને વૈજ્ઞાનિક ઢબે ચોક્કસ નીતિઓ બનાવી અને સુચનો લીધા બાદ જ દર વર્ષે જંત્રીના દરના ભાવ વધારા કે ઘટાડાના નિર્ણય લેવા બાબતે ચોક્કસ નીતિઓ બનાવવા માટે અપીલ કરવામાં આવશે.

કોંગ્રેસ પક્ષ ગુજરાતની જનતા પણ તેમાં સહકાર આપશે
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. અમીત નાયકે જણાવ્યું હતું કે, માત્ર બે મહિના પહેલા વિધાનસભાની ચૂંટણીમાં મળેલા જનમત અને આશીર્વાદ થકી પૂર્ણ બહૂમતિવાળી ભાજપા સરકાર દ્વારા જવાબદારી પૂર્વક વર્તવાને બદલે ઉનમાદમાં આવીને ગુજરાતની જનતા ઉપર જોહુકમી ભર્યા નિર્ણયો થોપી બેસાડવાના સ્વપ્નમાં રાચતી ભાજપા સરકારને આવા મનસ્વી નિર્ણયો કરતા રોકવા તમામ મોરચે મજબુત વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ રોકવાનો પ્રયાસ કરશે અને ગુજરાતની જનતા પણ તેમાં સહકાર આપશે. જે રીતે જંત્રીના 100 ટકા ના દર વધારામાં ગુજરાતના તમામ વર્ગોએ એકમત થઈ ભાજપા સરકારના આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો તે રીતે આગળ પણ ગુજરાતની જનતા સહકાર આપશે.

Most Popular

To Top