National

ભારત સરકારના ટ્વિટર બંધ કરવાના જેક ડોર્સીના આરોપોને કેન્દ્રિય IT મંત્રીએ નકારી કાઢ્યા

નવી દિલ્હી: ટ્વિટરના (Twitter) પૂર્વ સીઈઓ (CEO) જેક ડોર્સીએ (Jack Dorsey) ખેડૂત આંદોલન (Farmerfarmermovement) દરમ્યાન આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારે તેમને ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી. ડોર્સીના આ આરોપો સામે સરકાર તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. ભારતના આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વિટ કરતા ડોર્સીના આ આરોપોને ખોટા કહ્યાં છે. ઉપરાંત તેઓએ ડોર્સી પર ભારતમાટે પક્ષપાત ભર્યો અને ભેદભાવ ભર્યો આરોપ લગાવ્યો છે.

  • કેન્દ્ર સરકારના આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વિટ કરીને જેક ડોર્સીના આરોપોને નકારી કાઢ્યા
  • ટ્વિટરને ડોર્સીના કાર્યકાળ દરમિયાન ભારતના સાર્વભૌમત્વ અને ભારતીય કાયદાઓને સ્વીકારવામાં સમસ્યા હતી: ચંદ્રશેખર

કેન્દ્ર સરકારના આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વિટ કરીને જેક ડોર્સીના આરોપોને નકારી કાઢ્યા છે. ચંદ્રશેખરે લખ્યું કે ‘આ ટ્વિટરના ઈતિહાસના એ તબક્કાને સાફ કરવાનો પ્રયાસ છે, જ્યારે ડોર્સીના કાર્યકાળ દરમિયાન ટ્વિટર ભારતીય કાયદાનું સતત ઉલ્લંઘન કરી રહ્યું હતું. વર્ષ 2020 થી 2022 સુધી ટ્વિટરે ભારતીય કાયદાઓનુંં પાલન કર્યું જ નથી. જૂન 2022થી ટ્વિટરે ભારતીય કાયદાઓનું પાલન કરવાનું શરૂ કર્યું હતું. જે સમય દરમ્યાન ટ્વિટરે ભારતીય કાયદાઓનું પાલન નથી કર્યું તે સમય દરમ્યાન કોઈને જેલમાં નાંખવામાં આવ્યા નથી ઉપરાંત ટ્વિટર પણ બંધ કરવામાં નથી આવ્યું. ટ્વિટરને ડોર્સીના કાર્યકાળ દરમિયાન ભારતના સાર્વભૌમત્વ અને ભારતીય કાયદાઓને સ્વીકારવામાં સમસ્યા હતી.

જેક ડોર્સીએ શું આક્ષેપો કર્યા હતા
ટ્વિટરના પૂર્વ સીઈઓ ડોર્સીએ એક ઈન્ટરવ્યુમાં ભારત સરકાર પર આરોપ લગાવ્યા હતા કે ખેડૂત આંદોલન દરમ્યાન સરકારે ધણાં ટ્વિટર અકાઉન્ટ બ્લોક કરવાની માગ કરી હતી અને જો તેવું ન થાય તો ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી પણ આપી હતી. ડોર્સીએ કહ્યું કે સરકાર તરફથી ટ્વિટરના કર્મચારીઓના ઘર પર રેડ પાડવાની વાત પણ થઈ હતી. ઉપરાંત નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.

Most Popular

To Top