Editorial

વિદેશની ધરતી પર તમામ ભારતીયો સંપીને રહે તે જરૂરી છે

બ્રિટન, અમેરિકા, કેનેડા, યુએઇ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ – વિશ્વના આ અગ્રણી ધનવાન દેશોમાં બલ્કે વિશ્વના ખૂણે ખૂણામાં ગુજરાતીઓ જઇને વસ્યા છે. કેટલાક દેશોમાં તો એક સદી કરતા પણ વધુ સમયથી ગુજરાતીઓ વસી રહ્યા છે. વેપાર વાણિજ્યમાં બાહોશ એવા આપણા ગુજરાતીઓએ હવે તો અન્ય ક્ષેત્રોમાં પણ નામ કાઢવા માંડ્યું છે. ગુજરાતીઓ ઉપરાંત પંજાબીઓ, રાજસ્થાનીઓ, કેરાલિયનો અને બંગાળીઓ પણ મોટી સંખ્યામાં વિદેશોમાં સ્થાયી થયા છે અને આ વિદેશવાસી ભારતીયોનો આખો સમૂહ ઇન્ડિયન ડાયસ્પોરા બન્યો છે.

અત્યાર સુધી વિદેશોના રાજકારણમાં ગુજરાતીઓ બહુ સક્રિય ન હતા, પંજાબીઓ ઘણા સમયથી બ્રિટન અને કેનેડા જેવા દેશોના રાજકારણમાં સક્રીય હતા, પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓ પણ વિદેશોના રાજકારણમાં સક્રિય થયા છે અને તેમાં પણ બ્રિટનમાં તો પ્રિતી પટેલ ગૃહ મંત્રી સુધીના હોદ્દા પર પહોંચ્યા છે. કેટલાક ગુજરાતીઓ બ્રિટનમાં ઉમરાવ પણ બન્યા છે – લોર્ડ મેઘનાદ દેસાઇ, લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ આદમ પટેલ, લોર્ડ કરણ બિલીમોરીયા આનું ઉદાહરણ છે. હવે બ્રિટનમાં ગુજરાતીઓએ એક નવા ક્રોસ પાર્ટી સંસદીય જૂથની રચના કરી છે જેની સામે અન્ય ભારતીય સમાજો તરફથી થોડા વિરોધના સૂર ઉઠ્યા છે. યુકેમાંના સંખ્યાબંધ ભારતીય ડાયસ્પોરા સંગઠનોએ આ નવા જૂથનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ પગલું વિભાજક સાબિત થશે.

બ્રિટિશ ગુજરાતીઝ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ(એપીજીજી)ની નોંધણી એક નવી સંસ્થા તરીકે કરાવવામાં આવી છે જેનો હેતુ એવો જણાવવામાં આવ્યો છે કે તે એ સુનિશ્ચિત કરશે કે બ્રિટિશ ગુજરાતી સમુદાયની આર્થિક, આરોગ્ય, સામાજીક અને સાંસ્કૃતિક જરૂરિયાતો સંસદમાં પ્રતિબિંબીત થશે, જેમાં ખાસ ભાર આરોગ્ય, શિક્ષણ અને વૃદ્ધોની કાળજી પર આપવામાં આવશે. બ્રિટનમાં આમ તો આ સંસદીય જૂથો કે પાર્લામેન્ટરી ગ્રુપોને કોઇ સત્તાવાર દરજ્જો મળ્યો નથી પરંતુ તે અવિધિસરના ક્રોસ પાર્ટી જૂથો છે જેઓ બ્રિટનના તે સાંસદો અને ઉમરાવ સભાના સભ્યો દ્વારા રચવામાં આવતા હોય છે કે જેઓ કોઇ ચોક્કસ પ્રદેશ અથવા દેશ અથવા નીતિ વિસ્તારમાં હિત ધરાવતા હોય છે.

આ જૂથો ક્રોસ પાર્ટી હોય છે એટલે કે રૂઢિચુસ્ત પક્ષ કે કામદાર પક્ષ કે પછી અન્ય કોઇ પણ પક્ષમાં માનનારા લોકોને તે સાથે લઇને ચાલે છે. જો કે આ બ્રિટિશ ગુજરાતી સંસદીય જૂથની રચના થઇ તે પછી ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ (એફઆઇએસઆઇ) યુકે દ્વારા આ નવા જૂથના હોદ્દેદારોને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે અમને આ પગલું વિભાજક અને બ્રિટીશ ભારતીય સમુદાયના હિતોની વિરુદ્ધ જણાય છે.

આનાથી બ્રિટિશ ભારતીય સમુદાયની એકતા પર પ્રહાર થશે એમ કહેવામાં આવ્યું છે. આવી જ લાગણી અન્ય જૂથો જેવા કે હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, બ્રિટિશ શીખ એસોસીએશન અને નેશનલ એસોસીએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, આમાંથી આ પાટીદાર સમાજનું જૂથ તો ગુજરાતીઓનું જ છે. અન્ય ડાયસ્પોરા જૂથોનો વિરોધ પણ જો કે સાવ નકારી કાઢવા જેવો નથી. તેમનુ કહેવું એમ છે કે વિદેશની ધરતી પર બધા ભારતીયોની સમસ્યાઓ, પ્રશ્નો અને જરૂરિયાતો સરખા હોય, અને તેમના ઉકેલ માટે સહિયારા પ્રયાસો કરવામાં આવતા જ હોય તો પછી આવા અલાયદા જૂથની જરૂર શી છે? તેમની વાત સાચી છે, આપણે ગુજરાતીઓની સંસ્કૃતિ, ભાષા વગેરેના જતન માટે વિદેશોમાં ભલે સંસ્થાઓ રચીએ પણ વિદેશની ધરતી પર રાજકીય રજૂઆતો વગેરે માટે બધા ભેગા રહે તે જરૂરી છે.

આમ પણ છેલ્લા કેટલાક સમયથી વિદેશોની ધરતી પર ભારતીયોમાં ફાટફૂટ દેખાવા માંડી છે તે ખૂબ દુ:ખદ છે. ખાલિસ્તાનવાદીઓના બ્રિટન, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉધામા એ ભારતીયો માટે આઘાત જનક છે. વિદેશવાસી અને ભારતમાંના શીખ સમુદાયે પણ આવા ખાલિસ્તાનવાદને હતોત્સાહ કરવા પ્રયાસો કરવા જોઇએ. ભારતના રાજકારણની અસર વિદેશોમાં પણ દેખાવા માંડી છે. હાલ કેટલાક સમય પહેલા બ્રિટનના લેસ્ટર શહેરમાં થયેલા હિન્દુ-મુસ્લિત તોફાનો આનું વરવું ઉદાહરણ છે. અને આ તોફાનોમાં આપણા ગુજરાતમાંથી જ ત્યાં વસવા ગયેલા બંને કોમના કેટલાક યુવાનો પણ શામેલ થયા હોવાની વાત વધુ આઘાત જનક છે. વિદેશની ધરતી પર તો તમામ ભારતીયોએ મળી-સંપીને જ રહેવું જોઇએ.

Most Popular

To Top