Dakshin Gujarat Main

નવસારી-જલાલપોરમાં આભ ફાટ્યું: 12 ઈંચ વરસાદ ખાબક્યો, ગેસની બોટલો રમકડાંની જેમ તણાઈ

સુરત: હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ આજે સવારથી રાજ્યમાં ધોધમાર વરસાદ (HeavyRain) વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી જ રાજ્યના 75 તાલુકામાં મેઘ રાજા વરસી રહ્યાં છે. સૌથી વધુ વરસાદ નવસારી (Navsari) અને જલાલપોરમાં પડ્યો છે. નવસારીમાં 12 ઈંચ તો જલાલપોરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના લીધે અહીં જનજીવનને બ્રેક લાગી ગઈ છે. ઘરો-દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે.

રસ્તા પર પાર્ક કરેલી કાર હોડીની જેમ તણાવા લાગી છે, તો એક ગેસની બોટલના ગોડાઉનમાં પાણી ભરાઈ જતા ગેસની બોટલો રસ્તા પર તણાવા લાગી હતી. નેશનલ હાઈવે 48 ને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. બીલીમોરાથી ઊંડાચને જોડતા ગરનાળું પાણી ભરાવાના લીધે બંધ કરવું પડ્યું છે.

ખેરગામમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઔરંગા નદી પર આવેલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નવસારીમાં સ્ટેશનથી દાંડી તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે. વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે. નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં દીવાલ ધસી પડતા 2 કાર દબાઈ ગઈ છે

બીલીમોરામાં સાડા પાંચ ઇંચ પાણી પડતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
બીલીમોરા: બીલીમોરાના 22 ગણદેવી તાલુકાના બીલીમોરામાં મોડી રાત થી પડી રહેલા મૂશળધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ થવા પામી છે. જેમાં સવારે 6 થી બપોરે 12 આમ માત્ર 6 કલાક માં સાડા પાંચ ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે શનિવારે સવારે 8 થી 10 બે કલાક માંજ સાડા ત્રણ ઇંચ પાણી પડતા શહેરને અડીને આવેલી દેવસર વિસ્તારની મિલ કામદાર સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.

ગઈકાલે મોડી રાત્રે 3 કલાકથી શરૂ થયેલા મુશળધાર વરસાદને પગલે ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં સૌથી વધારે સવારે 6 થી બપોરે 12 કલાક દરમિયાન પૂરા થતા 6 કલાકમાં 139 એમએમ એટલે કે સાડા પાંચ ઇંચ પાણી ઝીકાયું હતું.આના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા. જેમાં પણ બીલીમોરા નું નાક ગણી શકાય એવા ગૌરવ પથ ઉપર પંચાલવાડી સામેના રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર ને માઠી અસર પહોંચી હતી, તો નવજીવન કોલોની પાણીની ટાંકી પાસે પણ પાણી ભરાતા રહીશો ને પણ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. દેસરા રેલવે ગરનાળામાં પાણી ફરી વળતા નજીકની ગિરિરાજ નગર સોસાયટી, સાંઈનાથ નગર, અવધૂત વાડી, નવીનગરી, કુંભારવાડ, મેમન કોલોનીના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. લોકો તેમના ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા હતા.

ચીખલીમાં સાડા પાંચ ઈંચ વરસાદથી ઘોડાપૂરની સ્થિતિ
ચીખલી તાલુકામાં શનિવારે બપોરે 2 વાગ્યા સુધીના 22 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, ચીખલીમાં 5.68 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે ખરેરા, અંબિકા, કાવેરી સહિતની લોકમાતામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ચીખલી અને ખેરગામ તાલુકાના કુલ 19 જેટલા માર્ગો પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.

Most Popular

To Top