World

ગાઝામાં ઈઝરાયેલની તબાહી, હમાસ ચીફ ઓફ સ્ટાફ મારવાન ઈસા સહિત 150નાં મોત

નવી દિલ્હી: પવિત્ર રમઝાન માસ દરમિયાન પણ ગાઝામાં (Gaza) ઈઝરાયેલના હવાઈ હુમલાઓ ચાલુ છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની ધૂંધળી આશા વચ્ચે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) ગાઝામાં વિનાશ સર્જી રહ્યું છે. ઈઝરાયેલે ગઇ કાલે શુક્રવારે મોડી રાત્રે ગાઝાના નુસીરત કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે બાળકો અને ત્રણ મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 150 લોકોના મોત થયા છે.

ગાઝામાં ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલની સેનાએ હમાસ આતંકવાદી સંગઠનના ચીફ ઓફ સ્ટાફ મારવાન ઈસાને અંડરગ્રાઉન્ડ ઓપરેશનમાં માર્યો હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયેલની સેનાએ આ અંડરગ્રાઉન્ડ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો છે. જો કે, શરૂઆતમાં ઇઝરાયેલી સેનાએ એક્સ મીડિયા પોસ્ટ પર કહ્યું હતું કે ઓપરેશન અંડરગ્રાઉન્ડ હોવાને કારણે તે સ્પષ્ટ નથી થયું કે હમાસ ચીફ મારવાન માર્યો ગયો છે કે નહીં. આ વિસ્તારમાં કોઈ ઈઝરાયેલી બંધકો પણ નહોતા. પરંતુ થોડા સમય પછી, ઇઝરાયેલની સેના દ્વારા બીજી પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે હમાસના આતંકવાદી મારવાન ઇસાનો ખાત્મો કરવામાં આવ્યો છે.

નુસીરત કેમ્પની સાથે સાથે ઈઝરાયેલે ગાઝાના અન્ય ઘણા શહેરો પર પણ મિસાઈલ હુમલા કર્યા છે. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 150 પેલેસ્ટાઈનના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. તેમજ માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોમાં ઘણા રોઝા કરનારા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે રફાહમાં જમીની સૈન્યએ કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહેલા ઈઝરાયેલે પોતાની તૈયારીઓની ચકાસણી કરવા માટે આ હુમલો કર્યો છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રએ ઇઝરાયેલને રફાહમાં સૈન્ય કાર્યવાહી ન કરવાની અપીલ કરી હતી. યુએનના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું, “મને લાગે છે કે વર્તમાન સંજોગોમાં રફાહમાં ગ્રાઉન્ડ ઓપરેશનના પરિણામો પેલેસ્ટિનિયનો માટે વિનાશક હશે.”

વાસ્તવમાં પેલેસ્ટાઈનની 23 લાખની વસ્તીમાંથી 13 લાખ લોકોએ ઈઝરાયેલના હુમલાથી બચવા માટે રફાહમાં શરણ લીધી છે. જો ઇઝરાયલ ઇજિપ્ત અને ગાઝાની સરહદ પર સ્થિત રફાહમાં જમીની સૈન્ય કાર્યવાહી શરૂ કરે તો ભારે તબાહી નિશ્ચિત છે. અમેરિકા સહિત મોટાભાગના દેશોએ પણ ઈઝરાયેલને રફાહમાં પોતાના સૈનિકો ન મોકલવાની અપીલ કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું છે કે તેઓ બીજા 30 હજાર પેલેસ્ટાઈનીઓને મરતા જોઈ શકશે નહી.

ગાઝામાં પેલેસ્ટિનિયનો યુદ્ધના પડછાયામાં રોઝા કરી રહ્યા છે. કટોકટીના આ સમયમાં ગાઝાની મોટી વસ્તી ભૂખમરાની આરે છે. યુદ્ધના કારણે સર્જાયેલી કટોકટીના સમયમાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને પાંચ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. ઈઝરાયેલના હુમલામાં ગાઝાનો 80 ટકા ભાગ નાશ પામ્યો છે. તેમજ 31 હજાર લોકોના મોત થયા છે.

Most Popular

To Top