World

Israel-Palestine War: ઈઝરાયેલની મુશ્કેલી વધી, હમાસ બાદ હવે લેબનોનથી હિઝબુલ્લાહનો હુમલો

હમાસ બાદ લેબનોનથી (Lebanon) હિઝબુલ્લાહનો હુમલો થતા ઇઝરાયેલની (Israel) સ્થિતિ ખૂબજ કફોડી બની છે. આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે (Hizbullah) લેબનોનથી ઉત્તરી ઇઝરાયેલ પર આજના મોર્ટાર હુમલાની જવાબદારી સ્વીકારી છે. એક નિવેદનમાં હિઝબુલ્લાહે કહ્યું કે તેણે માઉન્ટ ડોવ વિસ્તારમાં ત્રણ ઇઝરાયેલ સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. લેબનોને ઈઝરાયેલના વિસ્તારો પર મિસાઈલ અને મોર્ટાર વડે હુમલો કર્યો છે. લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ માઉન્ટ ડોવ વિસ્તારમાં પડી છે. હજુ સુધી આ હુમલામાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી. જો કે ઈઝરાયેલના સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. તેણે લેબનોનમાં તોપના ગોળા છોડ્યા છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે IDF આવા હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને પહેલાથી જ તૈયારી કરી રહ્યું હતું. સૈનિકો લેબનોન બોર્ડર પર હાજર છે.

આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે લેબનોનથી ઉત્તરી ઇઝરાયેલ પર આજના મોર્ટાર હુમલાની જવાબદારી સ્વીકારી છે. જોકે ઇઝરાયલી સૈન્યએ કોઈ ઇજાની જાણ કરી નથી અને કહ્યું કે તેણે આર્ટિલરી હુમલાઓ સાથે જવાબ આપ્યો. સેનાએ કહ્યું કે તેણે આ વિસ્તારમાં હિઝબુલ્લાહના માળખા પર ડ્રોન હુમલો કર્યો છે.

લેબનોન-ઈઝરાયેલ પોતાને દુશ્મન દેશ માને છે
લેબનોન અને ઈઝરાયેલ બંને એકબીજાને દુશ્મન દેશ માને છે. બંને વચ્ચે સંઘર્ષ બાદ 2006માં શાંતિ સમજૂતી થઈ હતી જે બાદ શાંતિ જળવાઈ રહી છે. પરંતુ તાજેતરના વર્ષોમાં લેબનોનથી ઈઝરાયેલ તરફ નાના મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયેલ પણ આનો જવાબ આપી રહ્યું છે. મોટાભાગના હુમલા પાછળ હિઝબુલ્લાહનો હાથ છે જે લેબનોનમાં ખૂબ જ સક્રિય છે. પશ્ચિમી દેશોએ હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

હમાસ દ્વારા શનિવારે કરાયેલો હુમલો હજુ પણ ચાલુ છે
શનિવારે સવારે હમાસે અચાનક ગાઝાથી ટૂંકા અંતરે ઇઝરાયેલના શહેરો પર લગભગ 5,000 રોકેટ છોડ્યા. એટલું જ નહીં હમાસના બંદૂકધારીઓએ ઈઝરાયેલના શહેરોમાં ઘૂસીને કેટલાક સૈન્ય વાહનો પર હુમલો પણ કર્યો હતો. ઘણા ઈઝરાયેલ સૈનિકોને પણ બંધક બનાવ્યા છે. ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થયા છે. શનિવારે હમાસ દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલામાં 300 થી વધુ ઈઝરાયેલીના જીવ ગયા છે. ઇઝરાયેલ તરફથી જવાબી હુમલામાં ગાઝા પટ્ટીમાં લગભગ 250 લોકોના મોત થયાના અહેવાલ છે.

ઇઝરાયેલનું આયર્ન ડોમ હુમલો રોકવામાં નિષ્ફળ
ઇઝરાયેલ દ્વારા એક અબજ ડોલરના ખર્ચે બનાવવામાં આવેલ આયર્ન ડોમ આતંકવાદી હુમલામાં નિષ્ફણ સાબિત થયો છે. ઈઝરાયેલના આ બ્રહ્માસ્ત્રની નબળાઈ અંગે હમાસને ખબર પડી ગઈ હતી. બીજી તરફ નિષ્ણાતો એક અબજ ડોલરના આયર્ન ડોમની નિષ્ફળતાને ‘શરમજનક’ ગણાવી રહ્યા છે. ઈઝરાયેલની મજબૂત સંરક્ષણ પ્રણાલીની નિષ્ફળતા સેનાઓ માટે મોટો પ્રશ્ન છે. આયર્ન ડોમ વિશે એવું કહેવાય છે કે તે કોઈપણ લક્ષ્યને નષ્ટ કરવામાં 90 ટકા સુધી અસરકારક છે પરંતુ શનિવારે તે પેલેસ્ટાઈન તરફથી આવતા હજારો રોકેટ સામે ટકી શક્યું ન હતું. શનિવારે થયેલા હુમલામાં ગાઝા પટ્ટીની અંદર આયર્ન ડોમ સિસ્ટમ કેટલી અસરકારક હતી તે હજુ સ્પષ્ટ નથી. ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ ટૂંકા અંતરના હવાના જોખમોને બેઅસર કરવામાં અસરકારક છે. ઉપરાંત આ સિસ્ટમ હવામાં કોઈપણ મિસાઈલને સંપૂર્ણપણે રોકી શકે છે.

Most Popular

To Top