Columns

વક્ફનો કાયદો બંધારણનો વિરોધી છે? દિલ્હી હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી

ભારતનું બંધારણ સેક્યુલર કહેવાય છે, પણ તેને કારણે સરકાર ધાર્મિક બાબતોમાં દખલ કરવાનું બંધ કરતી નથી. જમ્મુના વૈષ્ણો દેવીથી લઈને મુંબઈના સિદ્ધિ વિનાયક અને દક્ષિણના તિરૂપતિ બાલાજીથી લઈને શિરડીના સાંઈ બાબા મંદિરનો વહીવટ સરકાર કરે છે. હિન્દુ પ્રજાના ધર્મોમાં સરકારની દખલગીરીને કાનૂની સ્વરૂપ આપવા બોમ્બે ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ જેવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે, પણ મુસ્લિમ પૂજાસ્થળોના વહીવટ માટે વક્ફ એક્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં સંચાલકોને સંપૂર્ણ સ્વાયત્તતા આપવામાં આવી છે, એટલું જ નહીં અમર્યાદ સત્તાઓ પણ આપવામાં આવી છે.

વક્ફના કાયદા હેઠળ મુસ્લિમ સંસ્થાઓને આપવામાં આવેલી સત્તાનું કારણ કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટીકરણની નીતિ હતી. હવે કેન્દ્રમાં તેમ જ અનેક રાજ્યોમાં પણ હિન્દુત્વવાદી સરકારો હોવાથી રાજનેતાઓ પણ વક્ફના કાયદા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. વક્ફના કાયદા સામે દિલ્હી હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વક્ફના કાયદા દ્વારા સરકારને મુસ્લિમોનો પક્ષપાત કરવાનો કોઈ બંધારણીય અધિકાર જ નથી.

ઇસ્લામના સિદ્ધાંત મુજબ કોઈ પણ ધાર્મિક કામ માટે કોઈ પણ સંપત્તિનું દાન આપવામાં આવે તેને વક્ફ કહેવામાં આવે છે. આ વક્ફ રોકડ નાણાંના સ્વરૂપમાં હોઈ શકે છે કે સ્થાવર મિલકતના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. તદુપરાંત કોઈ મિલકતનો ઉપયોગ જો લાંબા સમય સુધી કરવામાં આવે તો તેને પણ વક્ફ ગણી લેવામાં આવે છે. કોઈ સંપત્તિ પર એક વાર વક્ફનું લેબલ મારી દેવામાં આવે તે પછી તે સંપત્તિ તેના મૂળ માલિકને પાછી આપી શકાતી નથી. ભારતને આઝાદી મળી તે પછી ૧૯૫૫માં વક્ફનો કાયદો ઘડવામાં આવ્યો હતો, જેના અન્વયે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કાઉન્સિલનું કામ બધાં રાજ્યોના વક્ફ બોર્ડ પર દેખરેખ રાખવાનું છે. વક્ફના કાયદામાં ૧૯૯૫માં અને ૨૦૧૩માં મામૂલી સુધારા-વધારા કરવામાં આવ્યા હતા.

વક્ફ સેન્ટ્રલ કાઉન્સિલના અધ્યક્ષ કેન્દ્ર સરકારના લઘુમતી મામલાના મંત્રી હોય છે. હાલમાં ભાજપના મુખ્તાર અબ્બાસ નકવી આ હોદ્દો સંભાળે છે. દરેક રાજ્યનું અલગ વક્ફ બોર્ડ હોય છે. અત્યારે ભારતમાં ૩૨ વક્ફ બોર્ડ છે. વક્ફની ઇસ્લામિક વ્યાખ્યા મુજબ કોઈ પણ નધણિયાતી સંપત્તિનો ઉપયોગ કેટલાક સમય માટે નમાજ પઢવા માટે કે કોઈ બીજાં ધાર્મિક કાર્યો કરવા માટે થતો હોય તો તે સંપત્તિ આપોઆપ વક્ફ બની જાય છે. તેના પર તેના મૂળ માલિકનો અધિકાર પણ રહેતો નથી. આ કલમનો ઉપયોગ ગેરકાયદે સંપત્તિ પર અતિક્રમણ કરવા માટે કરવામાં આવે તેવો ડર પણ રહે છે. વક્ફ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ ૨૦૨૦ના જુલાઈ મહિના સુધીમાં ભારતમાં વક્ફના નામે ૬,૫૯, ૮૭૭ મિલકતો નોંધાયેલી હતી. ભારતના જો કોઈ સૌથી મોટા જમીનદાર હોય તો તે વક્ફ બોર્ડ છે, કારણ કે તેમની પાસે આશરે ૮ લાખ એકર જમીન છે.

વક્ફના કાયદાની કલમ ૪૦ મુજબ જો કોઈ મિલકતને વક્ફ જાહેર કરવી હોય તો તેના મૂળ માલિકને નોટિસ આપવી જરૂરી હોય છે. જો તેના તરફથી નોટિસનો જવાબ નક્કી કરવામાં આવેલી મુદતમાં આપવામાં ન આવે તો તે મિલકતે વક્ફ જાહેર કરી શકાય છે. આ પ્રક્રિયામાં ગોલમાલ કરીને ઘણી વખત પારકી મિલકત પણ વક્ફ જાહેર કરી દેવામાં આવે છે. આ રીતે તામિલનાડુના ત્રિચી જિલ્લામાં આવેલું તિરુચેંથુરઈ ગામ વક્ફ જાહેર કરી દેવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ વાતની ગામનાં લોકોને ખબર જ નહોતી. ગામમાં રહેતા રાજગોપાલ નામના ઇસમે પોતાની જમીન રાજરાજેશ્વરી નામના ઇસમને વેચવાની કોશિશ કરી તો તેને ખબર પડી કે તે જમીન વક્ફના નામે થઈ ગઈ છે. વક્ફ બોર્ડના નિયમ મુજબ આ જમીન વેચી શકાય નહીં. જો આ જમીન વેચવી હોય તો ચેન્નાઈમાં આવેલા વક્ફ બોર્ડનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માગવામાં આવતું હતું.

ઉત્તર પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં આવેલી વક્ફની સંપત્તિઓનો સર્વે કરવાનું કામ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યું હતું. તેણે સર્વે કરીને રિપોર્ટ આપ્યો કે ઉત્તરાખંડમાં વક્ફની ૫૦ ટકા સંપત્તિ પર હિન્દુઓ દ્વારા કબજો કરવામાં આવ્યો છે. હકીકતમાં આ બધી જમીનો હિન્દુ મંદિરોની નજીક આવેલી હતી. મુસ્લિમોના શાસનકાળમાં ત્યાં મંદિરો તોડીને મસ્જિદો બની હતી. મુસ્લિમોનું શાસન પૂરું થતાં હિન્દુઓ દ્વારા તેના પર કબજો જમાવી દેવામાં આવ્યો હતો. વક્ફ બોર્ડ દ્વારા તો દિલ્હીના લાલ કિલ્લા પર અને આગ્રાના તાજમહાલ પર પણ દાવો કરવામાં આવ્યો છે, કારણ કે મુસ્લિમોના શાસનકાળમાં તેનો ઉપયોગ નમાઝ પઢવા માટે કરવામાં આવતો હતો.

કોંગ્રેસના રાજમાં મુસ્લિમોનું સૌથી વધુ તુષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા હતા ત્યારે ડો. મનમોહન સિંહની સરકાર દ્વારા દિલ્હીની ૧૨૩ સોનાની લગડી જેવી મિલકતો ઉતાવળે વક્ફ બોર્ડના નામે કરી દેવામાં આવી હતી. કોંગ્રેસને જાણ થઈ ગઈ હતી કે હવે તેમની સત્તા રહેવાની નથી, માટે ૧૨૩ મિલકતો વક્ફના નામે કરી દેવામાં આવી હતી. ૨૦૧૪માં ચૂંટણીની આચારસંહિતા લાગુ હતી તો પણ તેનો ભંગ કરીને આ સંપત્તિ દિલ્હી વક્ફ બોર્ડના હવાલે કરી દેવામાં આવી હતી. આ બધી સંપત્તિ સરકારના કબજામાં હતી, પણ વક્ફ બોર્ડનો તેના પર દાવો હતો. તેમાંની કેટલીક સંપત્તિઓના કેસ ચાલી રહ્યા હતા, પણ સરકારે નોટિફિકેશન બહાર પાડીને તે કેસો પાછા ખેંચી લીધા હતા. વક્ફ બોર્ડમાં જે મુખ્ય સુધારો કરવામાં આવ્યો તે પણ ૧૯૯૫માં નરસિંહ રાવના રાજમાં કરવામાં આવ્યો હતો.

આ કાયદા મુજબ વક્ફ બોર્ડને જો કોઈ સંપત્તિ વક્ફની લાગે તો તેઓ તેને વક્ફ જાહેર કરી શકે છે. જો વક્ફ બોર્ડ આદેશ કરે તો કલેક્ટરે તે જમીન પોતાની તાકાતનો ઉપયોગ કરીને ખાલી કરાવી આપવી પડે છે. વક્ફ બોર્ડ જે સંપત્તિને વક્ફની જમીન જાહેર કરે તેની સામે જિલ્લા કોર્ટમાં કે સિટી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી શકાતો નથી, પણ હાઈ કોર્ટમાં કેસ કરવો પડે છે. આવી સવલત ભારતના બીજા કોઈ ધર્મને આપવામાં આવી નથી. વક્ફની સંપત્તિ બાબતમાં કોઈ વિવાદ હોય તો તેની ફરિયાદ વક્ફની ટ્રિબ્યુનલમાં જ કરવાની હોય છે. તેના ચુકાદા સામે માત્ર હાઈ કોર્ટમાં જ અપીલ કરી શકાય છે.

વક્ફ કાયદાની ૧૦૧મી કલમ મુજબ વક્ફ બોર્ડના સભ્યો, અધિકારીઓ અને સર્વે કમિશનરોને સરકારી અધિકારી ગણવામાં આવે છે અને તે મુજબની સત્તાઓ પણ આપવામાં આવે છે. તેનો અર્થ એવો થાય કે જો વક્ફ બોર્ડના અધિકારીઓ કોઈ ખાનગી મિલકતનો સર્વે કરીને તેને વક્ફની સંપત્તિ જાહેર કરવાની તૈયારી કરી રહ્યા હોય તો સરકાર દ્વારા તેમને પોલીસ સંરક્ષણ આપવામાં આવશે. જો વક્ફ બોર્ડના અધિકારીઓ કોઈ ધાર્મિક સંસ્થાના સભ્યો હોય તો તેમને સરકારી અધિકારીઓ જેવી સત્તાઓ કેવી રીતે આપી શકાય? શું ભારતના બીજા કોઈ ધર્મની સંસ્થાને આવા વિશેષાધિકારો આપવામાં આવ્યા છે? રામ મંદિર અને ત્રિપલ તલાક પછી ભાજપના લક્ષ્યાંકમાં વક્ફનો કાયદો છે. ભાજપ સરકાર કોર્ટની સહાયથી આ કાયદો બદલવા માગે છે. તેના માટે ભાજપના નેતા અશ્વિની મહાજન દ્વારા દિલ્હી હાઈ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. વક્ફ બોર્ડના કાયદાની હવે ભારતના બંધારણની એરણ પર હવે કસોટી થવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top