દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા IPL 2026ના મહત્વપૂર્ણ મુકાબલામાં Chennai Super Kings એ Delhi Capitals ને 8 વિકેટે હરાવી પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. ચેન્નઈ માટે સંજુ સેમસને વિસ્ફોટક ઇનિંગ્સ રમીને મેચનો રંગ જ બદલી નાખ્યો.
દિલ્હીની બેટિંગ રહી નિષ્ફળ
ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 155 રન જ બનાવી શકી હતી. દિલ્હીના બેટ્સમેન શરૂઆતથી જ ચેન્નઈના બોલરો સામે સંઘર્ષ કરતા નજર આવ્યા. ચેન્નઈ તરફથી નૂર અહમદે શાનદાર બોલિંગ કરતા 3 ઓવરમાં માત્ર 22 રન આપી 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. જ્યારે અકીલ હોસેને પણ કસોટીભરી બોલિંગ કરી દિલ્હીના રનરેટ પર બ્રેક લગાવી.દિલ્હી માટે કોઈ પણ બેટ્સમેન મોટી અને અસરકારક ઇનિંગ્સ રમી શક્યો નહીં, જેના કારણે ટીમ મોટો સ્કોર ઉભો કરી શકી નહોતી.
સંજુ સેમસનની તોફાની ઇનિંગ્સ
156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત મજબૂત રહી હતી. ટીમ માટે સંજુ સેમસને માત્ર 52 બોલમાં 87 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સમાં અનેક આકર્ષક ચોગ્ગા અને છગ્ગા સામેલ રહ્યા.આ સાથે જ સેમસનને કાર્તિક શર્માનો પણ સારો સાથ મળ્યો હતો. તેણે 31 બોલમાં 41 રન બનાવી ચેન્નઈની જીત સરળ બનાવી હતી.
ચેન્નઈએ માત્ર 17.3 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધું અને દિલ્હીને એકતરફી અંદાજમાં હરાવી દીધી.
પ્લેઓફ માટે ચેન્નઈને મોટો ફાયદો
આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સે પોઈન્ટ્સ ટેબલમાં મહત્વપૂર્ણ બે પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ દિલ્હીની ટીમ માટે આ હાર પ્લેઓફની આશાઓને ઝટકો આપનારી સાબિત થઈ શકે છે. સંજુ સેમસનની આ વિસ્ફોટક ઇનિંગ્સ હવે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં છે અને ચેન્નઈના ફેન્સ જીતની ઉજવણી કરી રહ્યા છે.