Comments

ભારતની વસતી વિશ્વમાં સૌથી વધુ, સરકાર દેશના યુવાધનનો ઉપયોગ કરે તે જરૂરી

ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશની વસતી 36 કરોડની આસપાસ હતી. આઝાદીના 75 વર્ષ બાદ હવે એવી સ્થિતિ થઈ છે કે ભારતની વસતી દુનિયામાં સૌથી વધુ છે. એક સમયે ચીનની વસતી આખી દુનિયામાં સૌથી વધારે હતી પરંતુ હવે ભારતનો નંબર આગળ છે. માત્ર આગળ જ નહીં પરંતુ ભારતની વસતી દુનિયાના તમામ દેશોની સરખામણીમાં વધારે છે. આમ તો ગત જાન્યુઆરી માસમાં જ એવું કહેવાતું હતું કે  ભારતની વસતી ચીનથી વધી ગઈ છે. હવે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના આંકડાઓ સામે આવ્યા ત્યારે આ માહિતી સત્તાવાર થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના આંકડાઓ પ્રમાણે હાલમાં ભારતની વસતી ચીનથી 29 લાખ વધારે થઈ ગઈ છે. આજે જ્યારે દુનિયાની વસતી 8 અબજથી વધારે છે ત્યારે તેની સામે ભારતની વસતી 142.86 કરોડ એટલે કે વિશ્વની વસતીની સામે ભારતની વસતી 18 ટકા જેટલી થઈ ગઈ છે. ભારતની આ વસતીની સામે ચીનની વસતી 142.57 કરોડ નોંધાઈ છે.

સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ દ્વારા સને 1950થી વિશ્વની જનસંખ્યાનો આંકડો રાખવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતે વસતીના મામલે તમામ દેશને પછાડ્યા હોય. જે રીતે વસતીના મામલે ભારત અને ચીન વચ્ચેનું અંતર માત્ર 29 જ લાખ છે તે બતાવે છે કે ભારતે ચીનને ક્યારે વસતીમાં પછાડ્યું તે નક્કી કહી શકાય નહીં. આમ તો વસતી વધે તો તેની સાથે વિકાસ ઘટતો હોય છે. ભારતની વધુ વસતીને કારણે ભારતનો વિકાસ રૂંધાયો પણ છે.

જો કે ભારત ભલે વસતીના મામલે આખા વિશ્વમાં સૌથી વધુ હોય પરંતુ એ વાત પણ ચોક્કસ છે કે ભારતમાં વસતી વધારાનો દર જે અગાઉ હતો તેમાં ઘટાડો થવા માંડ્યો છે. સને 1980 સુધી ભારતમાં વસતી વધારાનો દર વધારે હતો પરંતુ ત્યાર બાદ આ દરમાં ઘટાડો થવા માંડ્યો છે. અગાઉ ગત વર્ષે ચીનમાં પણ વસતી વધારો તેની સર્વોત્તમ સપાટીએ પહોંચી ગયો હતો અને હવે તેમાં ઘટાડો થવા માંડ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના રિપોર્ટ પ્રમાણે ભારતની વસતી પૈકી 25 ટકા વસતી 0થી 14 વર્ષની વચ્ચેની છે. 18 ટકા વસતી 10થી 19 વર્ષના લોકોની છે. જો 10થી 24 વર્ષની વયના લોકોની વસતીનો આંક જોવામાં આવે તો તે 26 ટકાનો છે. 68 ટકા વસતી 15થી 64 વર્ષની વયના લોકોની છે. જ્યારે 7 ટકા લોકો એવા છે કે જેમની ઉંમર 65 વર્ષથી વધારે છે.

ભારતના મુકાબલે ચીનમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. કારણ કે ચીનમાં 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોય તેવા લોકોની વસતી 14 ટકા છે. રિપોર્ટ પ્રમાણે, ચીનના લોકોનું સરેરાશ આયુષ્ય ભારતના લોકો કરતાં વધારે છે. ચીનમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય 82 વર્ષ અને પુરૂષોનું 76 વર્ષનું છે. જ્યારે ભારતમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય 74 અને પુરૂષોનું સરેરાશ આયુષ્ય 71 વર્ષનું છે. ભારતમાં વસતી વધારાને અંકુશમાં લેવા માટે ભૂતકાળમાં અનેક પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. જેમાં ફેમિલી પ્લાનિંગથી માંડીને નસબંધી જેવા કાર્યક્રમો પણ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યા હતા.

વસતીને કારણે દેશની સરકારો પણ ભાર વધી જતો હોય. વધુ લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં મોટાભાગના નાણાં ખર્ચાઈ જતાં હોવાથી અન્ય વિકાસના કામો કરી શકાતા નથી. આ કારણને આગળ ધરીને ચીન દ્વારા ભૂતકાળમાં એક જ સંતાનનો નિયમ અમલી કરવામાં આવ્યો હતો પરંતુ ધીરેધીરે વિશ્વમાં વધી રહેલી યુવાધનની માંગ અને વધુ વસતીની જરૂરીયાતને જોતાં સમયાંતરે આ કાર્યક્રમો ચીનની સાથે સાથે ભારતમાં પણ બંધ થઈ ગયા હતા. વસતી વધારાનો દર ઘટવો જોઈએ કે પછી વધવો જોઈએ? તે મામલે નિષ્ણાંતોમાં મતમતાંતર છે.

એક તરફ વધુ વસતી હોય તો તેના ફાયદા ગણાવવામાં આવે છે, તો બીજી તરફ ઓછી વસતીના પણ ફાયદાઓ છે. ભારતમાં પહેલા વસતી નિયંત્રણ માટે ભારે પ્રયાસો થતાં હતાં પરંતુ બાદમાં જે રીતે 1980થી ભારતમાં વસતી વધારાનો દર ઘટવા માંડ્યો છે તે જોતાં આ પ્રયાસો હાલમાં અટકી ગયાની હાલતમાં છે. હાલમાં એવી સ્થિતિ છે કે મોંઘવારીના સમયમાં કોઈને પણ એક કે બેથી વધારે સંતાનોનું ગુજરાન ચલાવવું અઘરૂં છે. ભૂતકાળમાં જે કોમમાં બેથી વધારે સંતાનો રાખવામાં આવતા હતા તેવી કોમમાં પણ વસતી વધારાનો દર ઝડપથી ઘટી રહ્યો છે. જેને કારણે થોડા જ દાયકાઓમાં ભારતમાં પણ એવો સમય આવશે કે વસતી વધવાને બદલે ઘટવા માંડ્શે.

ભલે વધુ વસતી હોય પરંતુ ભારતમાં યુવાધન મોટા પ્રમાણમાં છે. સરકારે આ યુવાધનનો ઉપયોગ કરવાની જરૂરીયાત છે. જે દેશમાં વસતી વધારાનો દર ખૂબ ઓછો છે તેવા દેશમાં હાલમાં યુવાધનની ખોટ પડી રહી છે. તેવા દેશોમાં વૃદ્ધોની સંખ્યા વધારે થવા માંડી છે. જેની સીધી અસર દેશની યુવાશક્તિ પર પડી રહી છે. ભારતે વસતી વધારાનો દર ઘટાડવાની જગ્યાએ યુવાનોના સહકાર થકી વિકાસના પંથે વધુ ઝડપથી દોડવાની જરૂરીયાત છે. જો તેમ થશે તો વધુ વસતી સાથે પણ ભારત વિશ્વની મહાસત્તા બની શકશે તે નક્કી છે.

Most Popular

To Top