Editorial

અવકાશમાં આદિત્ય તરફ પ્રયાણથી અવકાશમાં ભારતનું આધિપત્ય સ્થપાશે

આજે ભારતનું પ્રથમ સોલર મિશન આદિત્ય L1 શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સવારે 11.50 વાગ્યે સૂર્યના માર્ગ તરફ રવાના થયું હતું. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ(PSLV) રોકેટ એને સૌથી પહેલા પૃથ્વીના વાતાવરણની બહાર મોકલશે. એ પછી સેટેલાઇટ પર લાગેલાં બૂસ્ટર ફાયર એને L1 એક્સિસ સુધી પહોંચાડશે. લોન્ચિંગ પહેલાં યુપીમાં હવન-પૂજન કરવામાં આવ્યું હતું. સફળ લોન્ચિંગની પ્રાર્થના સાથે અયોધ્યા અને વારાણસીમાં યજ્ઞ હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર સ્પેસ વેધરને લઈને સ્થિતિ થોડી પડકારજનક છે, પરંતુ એના ફાયદા પણ છે. આ વર્ષે સૂર્યમાંથી મોટા પ્રમાણમાં પ્લાઝ્મા, સોલર ફ્લેયર્સ અને રેડિયેશન બહાર આવી રહ્યા છે.

આદિત્ય L1 આજે લોન્ચ થયા પછી એ 127 દિવસમાં 15 લાખ કિલોમીટર દૂર L1 પોઈન્ટ પર પહોંચશે. આ 4 મહિનામાં આદિત્યને ઓછામાં ઓછા 15-20 વખત સ્પેસ વેધરમાં સૂર્યનાં પ્રચંડ તોફાનોનો સામનો કરવો પડી શકે છે, જોકે એને આવી હવામાન પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ બનાવવામાં આવ્યું છે. એ આવતા વર્ષે 7 જાન્યુઆરીએ એના નિર્ધારિત સમયે સૂર્ય પર વિજય મેળવશે. ચંદ્રયાનની જેમ આ યાન ગોળાકાર ગતિમાં જ આગળ વધશે નહીં, કેટલીકવાર સીધું ચાલશે અથવા લાંબા પેરાબોલિક માર્ગને અનુસરશે. આ દરમિયાન સૂર્યમાંથી ઘણા વિસ્ફોટ થશે. આજે પણ એક સોલર ઇરપ્શન છે, પરંતુ એ અથડાશે નહીં, પરંતુ ઘણા વેલ્યૂએબલ ડેટા આપશે. 

127 દિવસ પછી આદિત્ય L1ની હેલો ઓર્બિટમાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખશે. આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેની જગ્યા છે, જ્યાં બંનેનું ચુંબકીય ક્ષેત્ર 0 બને છે. આદિત્ય L1 આપણને સૂર્ય સંબંધિત ડેટા પ્રકાશની ઝડપે મોકલશે, એટલે કે અમને ફક્ત 5 સેકન્ડમાં ડેટા મળશે. દરરોજ 1440 તસવીર પણ મોકલશે. ડૉ. અલકેન્દ્રએ કહ્યું હતું કે સૂર્યમાંથી આવતી ભારે ગરમીથી આદિત્ય એલ1ને કોઈ નુકસાન થશે નહીં, કારણ કે વેક્યૂમમાં ગરમીનો અનુભવ થતો નથી. આદિત્યને 5 વર્ષનો ડેટા લેવાનો છે. આ એક ખૂબ જ પડકારજનક મિશન છે.

અત્યારસુધી માત્ર અમેરિકાનો સોહો આ સ્થાન સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. સૂર્યનો અભ્યાસ અને સમજવાનો આ સૌથી સચોટ સમય છે. આદિત્ય L1 વિશ્વને ખૂબ જ આશ્ચર્યજનક અને ઉપયોગી ડેટા મોકલી શકે છે, કારણ કે એનો લોન્ચિંગ ટાઈમિંગ એકદમ સચોટ છે. જે સમયે ઉપગ્રહ L1 પોઈન્ટ પર પહોંચશે ત્યારે સૂર્ય ખૂબ જ આક્રમક હશે. ત્યાં ઘણા બધા સૌર વિસ્ફોટ થશે. આવી સ્થિતિમાં મોટા પ્રમાણમાં સૌર જ્વાળાઓ, સૌર પવન, યુવી કિરણો, એક્સ-રે અને ગામા કિરણો સહિત સૌર કિરણોત્સર્ગનું ખૂબ જ વધારે ઉત્સર્જન થશે.

સૂર્યની આગાહીના ડેટા પર સંશોધન કર્યા પછી એવું જાણવા મળ્યું છે કે આગામી 2-3 મહિનામાં પરિસ્થિતિ પીક પર આવશે. લગભગ સૂર્ય પર 150 સન સ્પોટ્સ બની શકે છે. સૂર્ય પર જેટલા વધુ ધબ્બાઓ હશે એ સમયે એટલા જ વધુ સારા ડેટા મળશે. સૂર્યના દરેક સ્તર અને એમાંથી ઉત્પન્ન થતા હજારો રેડિએશનના ડેટાને જાણી શકીશું. 23 ઓગસ્ટે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર યાન ઉતારનાર ભારત દુનિયાનો પહેલો દેશ બની ગયો હતો અને આટલી મોટી સિદ્ધી મેળવ્યાનાં ગણતરીના દિવસોમાં જ એટલે કે માત્ર 10 જ દિવસમાં સૂર્ય તરફ પ્રયાણે સાબિત કરી આપ્યું છે કે હવે અવકાશમાં ભારતના આધિપત્યને કોઇ જ રોકી શકે તેમ નથી.

ઇસરો ભારતની એવી સંસ્થા છે જેના વૈજ્ઞાનિકો પર દુનિયાભરની નજર છે. અન્ય વિકસીત દેશ જેવા કે રશિયા, અમેરિકા, ચીન અને જાપાનના અવકાશી કાર્યક્રમો પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યાં છે પરંતુ ભારતના વૈજ્ઞાનિકો તેમના મિશના ખર્ચથી 10 થી 50 ટકા ખર્ચમાં જ મહત્વના મિશન લોન્ચ કરે છે. સેટેલાઇટ લોન્ચ કરવામાં તો ઇસરોના વૈજ્ઞાનિકોનો કોઇ જ હાથ પકડી શકે તેમ નથી. એક સમય હતો જ્યારે નાણાના અભાવે અને ટાંચા સંશાધનો વચ્ચે આ વૈજ્ઞાનિકો પરીવહન માટે બળદ ગાડાનો ઉપયોગ કરતાં હતા. આવી સ્થિતિમાં પણ આપણા દેશના વૈજ્ઞાનિકો હિંમત હાર્યા વગર તેમના મિશન પર કામ કરતા રહ્યાં અને હવે પરિણામ આપણી સામે છે. હવે ઇસરો તેના દરેક મિશનને રોકેટ ગતિએ અંજામ આપી રહ્યાં છે એટલે આગામી વર્ષોમાં ભારતનું અવકાશમાં આધિપત્ય થઇ જશે તે વાત કોઇ નકારી શકે તેમ નથી. આતો માત્ર શરૂઆત છે આગામી દિવસોમાં ઇસરો જે મિશનો પર કામ કરી રહ્યું છે તે જ્યારે સફળ થશે ત્યારે સમગ્ર દુનિયાની આંખ અંજાઇ જશે તેમાં કોઇ બેમત નથી.

Most Popular

To Top