ભારતની વસ્તી ૧.૪૭ અબજને વટાવી ગઈ છે, જે તેને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવે છે અને હજી ભારતની વસ્તી વધી રહી છે પરંતુ હાલમાં એવા આંકડા બહાર આવ્યા છે કે ભારતની વસ્તી હાલ ભલે વધી રહી હોય પરંતુ જ્યારે તેનો કુલ પ્રજનન દર (TFR) ઘટીને સ્ત્રી દીઠ ૧.૯ બાળકો થઈ ગયો છે. આ દર ૨.૧ ના રિપ્લેસમેન્ટ બેન્ચમાર્ક (વસ્તી સ્થિર રાખવા માટે જરૂરી દર) કરતા નીચે આવી ગયો છે, જેનો અર્થ એ છે કે સરેરાશ સ્ત્રી સમય જતાં વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી બાળકો કરતાં ઓછા બાળકોને જન્મ આપી રહી છે. આ દર જો કે દેશનો કુલ સરેરાશ દર છે અને જુદા જુદા રાજ્યોમાં આ દર જુદો જુદો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા એકંદરે પછાત રાજયોમાં આ દર હજી પણ ઉંચો છે જ્યારે વધુ શિક્ષીત વસ્તી ધરાવતા, ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં આ દર નીચો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળ આવતી રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા ‘સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ(SRS) સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ 2024’ અનુસાર, ભારતનો કુલ પ્રજનન દર દેશના ઇતિહાસમાં પહેલીવાર રિપ્લેસમેન્ટ થ્રેશોલ્ડ રેટ (વસ્તી સ્થિર રાખવા માટે જરૂરી દર) કરતા નીચે આવી ગયો છે. આ દર ૨.૧ હોવો જોઇએ તેને બદલે ૧.૯ થઇ ગયો છે. કુલ પ્રજનન દર, જે એક મહિલા તેના જીવનકાળ દરમિયાન સરેરાશ કેટલા બાળકોને જન્મ આપશે તેનું માપદંડ છે, તે હવે લાંબા ગાળે વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી સ્તર કરતાં ઓછો થઈ ગયો છે.
વર્ષ 1950માં ભારતની વસ્તી 36 કરોડ હતી, ત્યારે એક સરેરાશ મહિલા છ બાળકોને જન્મ આપતી હતી. આજે દેશની વસ્તી 1.45 અબજ કરતા વધુ છે. વર્ષ 2023માં ભારત ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને વસ્તી સતત વધી રહી છે. જો કે, સરકારી અહેવાલ મુજબ ભારતનો કુલ પ્રજનન દર (TFR) ઘટ્યો છે. નોંધનીય છે કે રાષ્ટ્રીય TFR હવે 2.1 ના રિપ્લેસમેન્ટ બેન્ચમાર્કથી નીચે આવી ગયો છે. આમ છતાં આગામી કેટલાક વર્ષો સુધી વસ્તીમાં વધારો ચાલુ રહેવાની ધારણા છે. અને હાલની ફાટફાટ વસ્તી જ સમસ્યાઓ સર્જી રહી છે ત્યારે વસ્તી વધવાથી સમસ્યાઓ વધવાની સંભાવના સ્વાભાવિક છે.
એક અગ્રણી અખબારના અહેવાલમાં જણાવાયું છે કે, પ્રજનન દરમાં હજુ પણ ઘટાડો ચાલુ રહેવાની સંભાવના વધુ છે, જે વસ્તી ઘટાડાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. વસ્તીની બાબતમાં રિપ્લેસમેન્ટ લેવલ એક પેઢીથી બીજી પેઢી બદલાય ત્યારે વસ્તી સ્થિર રહેવાનો દર છે. એ એવો સરેરાશ આંકડો છે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વસ્તી વધ્યા કે ઘટ્યા વિના સ્થિર રાખવા માટે દરેક મહિલા ધરાવતી હોય તે જરૂરી છે. જો પ્રજનન દર લાંબા સમય સુધી આ સ્તરથી નીચે રહે છે, તો વસ્તી વૃદ્ધિ ધીમે ધીમે ધીમી પડી જાય છે.
રાષ્ટ્રીય આંકડા ભલે વસ્તી વૃદ્ધિ ધીમી પડી હોવા તરફ ઈશારો કરતા હોય, પરંતુ સરકારી અહેવાલ વિવિધ રાજ્યો વચ્ચે મોટો તફાવત દર્શાવે છે. બિહાર દેશમાં 2.9 ના સ્તર સાથે સૌથી વધુ પ્રજનન દર ધરાવતું રાજ્ય રહ્યું છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ (2.6), મધ્ય પ્રદેશ (2.4) અને રાજસ્થાન (2.3) નો નંબર આવે છે. વસ્તી સ્થિર રાખવાના સ્તરથી વધુ પ્રજનન દર ધરાવતા આ મોટા રાજ્યો છે. બીજી તરફ, દિલ્હીમાં દેશનો સૌથી ઓછો 1.2 TFR નોંધાયો છે, જે ફિનલેન્ડના 1.3 કરતા પણ ઓછો છે.
દક્ષિણ અને પશ્ચિમના કેટલાક રાજ્યોમાં પણ પ્રજનન દર નીચો રહ્યો છે. તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં TFR 1.3 નોંધાયો છે. આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર અને પંજાબમાં તે 1.4 રહ્યો છે. રાજ્યોમાં વસ્તીનો વૃદ્ધિ દર ધીમો પડી ગયો છે કે ઘટી ગયો છે પરંતુ હાલ તળ વાસ્તવિકતા જોઇએ તો દેશ હજી પણ વસ્તી વધારાને કારણે જન્મતી સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે. દેશમાં અત્યારે જ જે વસ્તી છે તે ફાટ ફાટ કહી શકાય તેવી છે. દેશની જમીન અને સંસાધનોના પ્રમાણમાં તેની વસ્તી ખૂબ વધી ગઇ છે.
ચીનમાં વિશ્વની સૌથી વધુ વસ્તી હતી ત્યારે પણ તેની સરેરાશ વસ્તી ગીચતા ઓછી હતી કારણ કે તેની પાસે ભારત કરતા ઘણો વિશાળ જમીન વિસ્તાર છે. ભારતમાં જમીનની કિંમતો અને રહેઠાણની કિંમતો જે હદે વધી છે અને અન્ય કેટલાક સ્ત્રોતોની તંગી અનુભવાય છે તે બેફામ વસ્તીને કારણે જ છે, તેથી વસ્તી ઘટે તે ઇચ્છનીય જણાય છે. આમાં યુવા વસ્તીના ઘટતા પ્રમાણની અને વૃદ્ધ વસ્તીના વધતા પ્રમાણનો પણ પ્રશ્ન આવે છે પરંતુ વધતા યંત્રો અને ટેકનોલોજીને કારણે તે હાલની સમસ્યાઓ કરતા સહેલાઇથી હાથ ધરી શકાય તેવી બાબત છે. આથી હાલ તો વધતી વસ્તીને રોકવા પર ધ્યાન આપવામાં આવે તે જ ઇચ્છનીય જણાય છે.