Comments

ભારતના રાજદ્વારીઓ ઉદ્ધત થઇ ગયા છે?

રાહુલ ગાંધી તાજેતરમાં નહેરૂ બંધ ગળાના સુટમાં બ્રિટનના એક કાર્યક્રમમાં દેખાતા ઘણાને આશ્ચર્ય થયું હતું કે તેઓ તેમના પિતા રાજીવ ગાંધી જેવા દેખાય છે? તેમણે શ્રોતાઓ સમક્ષ જે કહ્યું તેનાથી આશ્ચર્ય એ વાતનું થાય કે રાજીવ ગાંધીએ આવી વાત કરી હોત? રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે ભારતીય વિદેશ સેવાના અધિકારીઓ બદલાઇ ગયા છે અને ઉદ્ધત બન્યા છે અને તેઓ સાંભળતા નથી કારણ કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કામ કરે છે.

સ્વાભાવિક રીતે મોદી સરકારે રાહુલના બખાળાથી સર્જાયેલા આક્રોશ સામે પૂરા બળપૂર્વક જવાબ આપ્યો છે.
આ જ કારણ છે યુક્રેનની કટોકટી પછી ઘણા પશ્ચિમી દેશો ભારત સાથે ગંભીર મંત્રણામાં જોડાયા છે. તેઓ સમજે છે કે ભારતનું સુકાન મોદીના હાથમાં હોય તે આંતરરાષ્ટ્રીય હિતમાં છે. 2015-18 નાં વર્ષોમાં ભારતના વિદેશ સચિવ તરીકે કામ કરી ગયેલા જયશંકરે એક ટવીટમાં કહ્યું કે ભારતીય વિદેશસેવા બદલાઇ છે પણ તે વિશ્વાસની દિશામાં. હા, ભારતીય સેવા બદલાઇ છે. તેઓ સરકારના હુકમોને અનુસરે છે. અન્યોની દલીલના જવાબ આપે છે. તેને વિશ્વાસ કહેવાય અને રાષ્ટ્રીય હિતની રક્ષા. ભારતીય રાજદ્વારીઓના વ્યવસાયીપણા પર પ્રહાર કરવાનું રાહુલને કયાંથી ઉત્તેજન મળ્યું છે?

મોદી તાજેતરમાં જર્મની, ડેન્માર્ક અને ફ્રાંસની મુલાકાતે ગયા અને ભારત અને યુરોપ વચ્ચે વ્યૂહાત્મક અને ટકાઉ ભાગીદારીની પ્રખર શકયતાઓ શોધનારી અને ઉત્પાદક આ યાત્રા હતી એટલે રાહુલ ગાંધી ભડકી ઊઠયા?! મોદીએ યુક્રેન પરના આક્રમણના પગલે રશિયા સાથેના ભારતના સંબંધો તોડવાની ના પાડી હોવા છતાં ચીન સામે સમતુલા સાધવા મરણિયા થયેલા પશ્ચિમી નેતાઓ મોદીની દાઢીમાં હાથ ઘાલે છે એટલે રાહુલ ગાંધી ભડકી ઊઠયા છે?
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહ્‌નસન અને યુરોપીય પંચના પ્રમુખ ઉર્સુલા લેનની ભારતની મુલાકાત પછી મોદી ફ્રાંસ, જર્મની અને ડેન્માર્કની મુલાકાતે ગયા. ભારતને પશ્ચિમી દેશોની નજીક આણવા માટે ઘણા નેતાઓ મોદીનો ટેકો પ્રાપ્ત કરવા અને દ્વિપક્ષી કરારો કરવા ઉત્સુક હતા.

ભારતનું લશ્કર શસ્ત્રાસ્ત્રો માટે રશિયા પર અવલંબન રાખે છે એ બરાબર જાણવા છતાં બ્રિટન અને ફ્રાંસે રશિયાનાં શસ્ત્રાસ્ત્રોને અન્યત્ર વાળવા માટે સંરક્ષણ ભાગીદારીની જાહેરાત કરી છે. યુરોપીય સંઘે આર્થિક કડીઓ મજબૂત કરવા માટે મુકત વ્યાપાર માટે વધુ ઝડપી મંત્રણાની હિમાયત કરી છે. કોપનહેગનમાં મોદીને મળેલા ડેનિશ વડા પ્રધાન મેટ ફ્રેડરિકસન જેવા કેટલાક નેતાઓએ સૂચન કર્યું છે કે ભારતે યુક્રેન સંઘર્ષ પરત્વેની પોતાની તટસ્થતાનો ઉપયોગ કરવો જોઇએ. માત્ર સરુક્ષા બાબતોએ જ નહીં, પણ મોદીએ યુરોપીય તાકાતને ટેકનોલોજીકલ સંશોધન, સ્વચ્છ ઊર્જા અને હરિયાળી વૃધ્ધિ ક્ષેત્રે ભારતની જરૂરિયાત કામે લગાડવાની કામગીરી કરી છે.

મોદી માને છે કે એક બહુવિધ વિશ્વ બનાવવામાં ભારતના કુદરતી ભાગીદાર તરીકે યુરોપનો ઉદ્‌ભવ થયો છે. ચીન પોતાને કેન્દ્રમાં રાખી એકધ્રૃવીય એશિયાનું સર્જન કરવામાં વ્યસ્ત છે જયારે રશિયા ચીનનું મિત્ર છે. તો રાહુલ ગાંધીએ એવું કેમ કહેવું જોઇએ કે યુરોપના કેટલાક અમલદારો સાથે વાત કરતો હતો અને તેમણે કહ્યું કે ભારતીય વિદેશ સેવાના અધિકારીઓ સંપૂર્ણપણે બદલાઇ ગયા છે અને તેઓ કંઇ સાંભળતા નથી. તેઓ ઘમંડી બની ગયા છે. હવે તેઓ તેમને જે હુકમ મળે છે તે જ વાત કરે છે. વાતચીત નથી થતી. તમે વાતચીત નહીં કરી શકો,ખરું ને?

રાહુલે આ વિધાન પણ ભારતીય આઝાદીનાં 75 વર્ષની ઉજવણી નિમિત્તે કેમ્બ્રિજ યુનિવર્સિટી પર ‘આઇડિયાઝ ફોર ઇન્ડિયા’ નામના સમારંભમાં કહ્યું હતું. આપણા રાજદ્વારીઓ ખરેખર ઉદ્ધત છે કે તેઓ ભારતના હિત માટે મક્કમ છે? તેમને માથે કામનો બોજો વધી ગયો છે. વ્યૂહાત્મક અને આર્થિક બાબતોમાં ભારતનો પ્રભાવ વધારવાની મોદીની નેમને પાર પાડવા તેમણે વધુ કામ કરવાનું છે. મોદી ભારતની વૈશ્વિક ઓળખ સુધારવા માંગે છે. નિવૃત્ત થયેલા કેટલાક કોંગ્રેસ તરફી રાજદ્વારીઓને પેટમાં દુખે એ સ્વાભાવિક છે. આવા નિવૃત્તોની સંસ્થા ઇન્સ્ટીટયુશનલ કન્ડકટ ગૃપ મોદીની ટીકા કરે છે. જેને નિવૃત્ત રાજદ્વારીઓની બીજી સંસ્થા ફોરમ ઓફફોર્મર એમ્બેસેડર્સ ઓફ ઇન્ડિયા જવાબ આપે છે.

તાજેતરમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે મોદી@20 ડ્રીમ્સ મીટ ડિલીવરી પુસ્તકના એક લેખમાં મોદીએ દેશના વિકાસ માટે વિદેશ નીતિનો કઇ રીતે ઉપયોગ કર્યો તેની સવિસ્તર ચર્ચા કરી છે અને જણાવ્યું છે કે છેક ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી મોદી વિદેશનીતિનું ચિંતન કરતા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલે આ જ પુસ્તકમાં મોદીની રાષ્ટ્રીય સુરક્ષા માટેની લાંબી દૃષ્ટિની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિતના વિશ્વ નેતાઓ સાથે વ્યકિતગત સમીકરણ વિકસાવવાની મોદીની ક્ષમતાએ ઘણી કટોકટી ઉકેલી નાંખી છે. આથી ભારતીય રાજદ્વારીઓ પર હુમલા કરવાને બદલે રાહુલ અને કોંગ્રેસે મોદીને યુરોપમાં જે આવકાર મળ્યો તેની વિચારણા કરવી જોઇએ.
(આ લેખમાં લખેલ વિચારો પોતાના લેખકના છે)

Most Popular

To Top