Business

સ્વિગી-ઝોમેટો સામે તપાસના આદેશ, જાણો એવુ શું થયુ?

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બે ઓનલાઇન ફુડ એપ્લિકેશન્સ (Food application) સામે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્વિગી-ઝોમેટો (Swiggy-Zomato) બંને કંપનીઓમાં કામગીરી (Work) અને બિઝનેસ મોડલ (Business model) અંગે અયોગ્યતા જોવા મળી રહી છે. તેમજ કમિશનની ચકાસણીમાં આ બંને કંપની દ્વારા કોમ્પિટિશન એક્ટની કલમ 3(1) અને 3(4)નુ ઉલ્લંઘન કર્યુ હોવાનુ સામે આવ્યુ છે. આ તપાસ બંને પ્લેટફોર્મ પર થવાનુ એક કારણ એ પણ છે કે તેઓ એનુચિત રીતે વેપાર કરી રહ્યા છે. સ્વિગી-ઝોમેટો પર તેમના રેસ્ટોરન્ટ પાર્ટનર્સ સાથે અયોગ્ય રીતે બિઝનેસ કરવાનો આરોપ છે. સ્પર્ધા પંચે જણાવ્યું હતું કે ઝોમેટો અને સ્વિગી વચ્ચેના કરારોમાં સમાવિષ્ટ ‘પ્રાઈસ પેરિટી ક્લોઝ’ વ્યાપક નિયંત્રણો તરફ નિર્દેશ કરે છે. આ નિયમો હેઠળ રેસ્ટોરન્ટ પાર્ટનર્સ વાસ્તવમાં ઓછી કિંમતે ડિલિવરી કરી શકશે નહીં અથવા તેમની કોઈપણ ચેનલ દ્વારા ઉચ્ચ ડિસ્કાઉન્ટ ઓફર કરી શકશે નહીં.

CCIએ તેના આદેશમાં શું કહ્યુ?
સીસીઆઈએ 4 એપ્રિલ, 2022 ના રોજના તેના આદેશમાં કહ્યું છે કે મુખ્યત્વે ઝોમેટો અને સ્વિગીના ચોક્કસ આચરણને ધ્યાનમાં રાખીને, ડાયરેક્ટર જનરલ (ડીજી) દ્વારા તેમની સામે તપાસ કરવાનું પગલુ અનિવાર્ય લાગે છે. જો તપાસ થાય તો શોધી શકાય છે કે આ કંપનીઓનું વર્તન કોમ્પિટિશન એક્ટની કલમ 3(1) અને 3(4)નું ઉલ્લંઘન કરે છે કે નહીં. કમિશને ડીજીને કોમ્પિટિશન એક્ટની કલમ 26(1)ના સંદર્ભમાં વિગતવાર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. પંચે ડીજીને આ આદેશ મળ્યાના 60 દિવસમાં સ્પર્ધા પંચને તપાસનો અહેવાલ પરત કરવા જણાવ્યું છે.

આખો કેસ શું છે?
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)ની ફરિયાદ પર આ કંપનીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. NRAI એ આરોપ મૂક્યો છે કે ભારતના ફૂડ ડિલિવરી ઉદ્યોગમાં 90 ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવતા એગ્રીગેટર્સ વિશાળ ડિસ્કાઉન્ટ, વિશિષ્ટ જોડાણ અને અમુક રેસ્ટોરન્ટ ભાગીદારોને પસંદગી આપીને ભારતના સ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સંગઠનનો આરોપ છે કે તેનાથી રેસ્ટોરન્ટના બિઝનેસ પર અસર પડી રહી છે. તેમજ નવા રેસ્ટોરન્ટ ખેલાડીઓને ઉદ્યોગમાં પ્રવેશવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પછી CCIને લાગ્યું કે NRAI દ્વારા કહેવામાં આવેલી કેટલીક બાબતોની તપાસ થવી જોઈએ. આ ઉપરાંત, રેસ્ટોરન્ટ સંસ્થાએ વિલંબિત ચુકવણી ચક્ર, કરારમાં એકપક્ષીય કલમો, અતિશય કમિશન વસૂલવા જેવા અનેક આક્ષેપો કર્યા છે.

Most Popular

To Top