Gujarat

ટીમ ઇન્ડિયાનું રાજકોટમાં આગમન: કાર્પેટ પર ગરબાની રમઝટ સાથે સ્વાગત, ખેલાડીઓને જોવા લોકો ઉમટ્યા

ગાંધીનગર : ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચેની ટી-20 શ્રેણીની આગામી ત્રીજી મેચ હવે 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં (Rajkot) રમાવાની છે. જેને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે બપોર બાદ ભારત અને શ્રીલંકા બન્ને દેશના ખેલાડીઓનું (Player) રાજકોટ એરપોર્ટ પર આગમન થયું હતું. અહીં ચાહકોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. લકોએ ખેલાડીઓનું ચિયર-અપ કર્યું હતું. તેમની એક નજર જોવા માટે સંખ્યા બંધ લોકો ઉપસ્થિત રહ્યા હતા. પછી બન્ને દેશની ટીમના ખેલાડીઓ બસ મારફત હોટલ જવા રવાના થઈ હતી. ટીમ ઇન્ડિયાનું કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે અને ફ્યુઝન-મેસઅપથી અદ્કેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હોટલ સ્ટાફ તરફથી ખેલાડીઓને કુમકુમ તિલક કરી, ફૂલનો હાર પહેરાવી અને બૂકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખેલૈયાઓએ ગરબાના વિવિધ સ્ટેપ્સથી ખેલાડીઓને આવકાર્યા
ટીમ ઈન્ડિયા જ્યારે હોટેલ સયાજીમાં પહોંચી ત્યારે તમામ ખેલાડીઓનું આ માટે હોટેલ દ્વારા રાજકોટના એક ખાસ ગ્રુપને બોલાવવામાં આવ્યું હતું. જેમણે ગરબાના વિવિધ સ્ટેપ્સથી ખેલાડીઓને આવકાર્યા હતા. બીજી બાજુ રાજકોટમાં કડકડતી ઠંડી પડી રહી હોવાથી ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત લાઇવ મેસુબ અને અડદિયાના લચકાનો સ્વાદ માણશે. જ્યારે શ્રીલંકાની ટીમનું 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં 10મી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે
આગામી દિવસોમાં ભારત અને શ્રીલંકા ટી-20 શ્રેણીની ત્રીજી મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટસ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 9 મેચ રમાઇ ચૂક્યા છે. જેમાં 2 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વન-ડે મેચનો સમાવેશ થાય છે. ત્યારે આગામી શનિવારના રોજ 10મો આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં રમાનાર હોવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

શ્રીલંકાની ટીમ SCA સ્ટેડિયમમાં પહેલીવાર રમશે
શ્રીલંકાની ટીમ આમ તો રાજકોટમાં મેચ રમી ચૂકી છે પરંતુ તે તમામ મેચ રેસકોર્સના ગ્રાઉન્ડ ઉપર રમાયા હતા. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસાસિએશન સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદ પહેલીવાર નવા ગ્રાઉન્ડ ઉપર ભારત સામે ટક્કર લેશે. આમ શ્રીલંકા રાજકોટની મહેમાન બનનારી ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા પછીની 7મી ટીમ બની છે.

Most Popular

To Top