World

26/11ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને અમને સોંપો… ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ માંગણી કરી

નવી દિલ્હી: મુંબઈ હુમલાના (Mumbai Attack) આરોપી આતંકી (Terrorist) હાફિઝ સઈદને લઈને મોટી માહિતી સામે આવી છે. ભારતે (India) પાકિસ્તાન (Pakistan) પાસે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય (Foreign Ministry) પાસે આતંકીને સોંપવાની માંગ કરી છે.

પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે ભારતે કહ્યું છે કે હાફિઝ સઈદ પુલવામામાં થયેલા આતંકી હુમલાનો પણ માસ્ટરમાઈન્ડ છે. આ સંદર્ભમાં મોદી સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ઔપચારિક અરજી પણ આપી છે. ભારતની આ માંગ બાદ હવે પાકિસ્તાન સરકારની હાલત કફોડી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે પાકિસ્તાન પાસેથી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની ઔપચારિક વિનંતી કરી છે. પાકિસ્તાની મીડિયા ઈસ્લામાબાદ પોસ્ટે પણ આ દાવો કર્યો છે. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી એક સત્તાવાર વિનંતી મળી છે, જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવાની વિનંતી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હાફિઝ મોહમ્મદ સઈદ મુંબઈમાં 26/11 આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ પણ તેના સંગઠનને આતંકવાદી જાહેર કર્યું છે. અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. હાલમાં, લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક હાફિઝ મોહમ્મદ સઈદ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JuD) ના કેટલાક અન્ય નેતાઓ સાથે 2019 થી જેલમાં છે. તેને આતંકવાદી ફંડિંગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સઈદની આગેવાની હેઠળની JuD એ લશ્કર-એ-તૈયબા (LeT) નું આગળનું સંગઠન છે, જે 2008ના મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર છે.

મળતી માહિતી મુજબ માત્ર કથિત રીતે હાફિઝ સઈદ 2019થી પાકિસ્તાનની જેલમાં છે, પરંતુ આજે પણ તે ત્યાંની રાજનીતિ અને સેના પર પ્રભુત્વ ધરાવે છે. પાકિસ્તાનમાં તેના પ્રભાવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આતંકવાદી હાફિઝ સઈદની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) પણ પાકિસ્તાનમાં ફેબ્રુઆરી 2024ની સામાન્ય ચૂંટણીમાં લડી રહી છે. તેણે દેશભરમાં દરેક રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારમાં તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હાફિઝે પોતાના પુત્ર તલ્હા સઈદને પણ ઉમેદવાર બનાવ્યા છે.

Most Popular

To Top