National

ભારત-પાકિસ્તાન સરહદ નજીક ડ્રોન સંબંધિત હિલચાલ પર સુરક્ષા દળોની ચાંપતી નજર

નવી દિલ્હી: પંજાબમાં (Punjab) આ વર્ષે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ડ્રોન (Dron) દ્વારા કરવામાં આવતી હિલચાલ સુરક્ષા દળો માટે એક મોટો પડકાર બની ગયો છે. મળતી માહિતી મુજબ પંજાબમાં ઘણી જગ્યાએથી ડ્રોન દ્વારા નશીલા પદાર્થો, હથિયારો અને દારૂગોળો મોકલવાના 150 થી વધુ કેસ નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે 2019માં પંજાબમાં ડ્રગ્સ, શસ્ત્રો અને દારૂગોળાની દાણચોરી માટે ડ્રોનના ઉપયોગનો પ્રથમ કેસ નોંધાયો હતો. પાકિસ્તાન સાથેની 553 કિમીની સરહદની રક્ષા માટે તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ આ વર્ષે 10 ડ્રોન તોડી પાડ્યા હતા, જેમાંથી ત્રણ ગયા અઠવાડિયે તોડી પાડવામાં આવ્યા હતા.

150 થી વધુ ડ્રોન પ્રવૃત્તિઓ મળી
મળતી માહિતી મુજબ “અત્યાર સુધી, 150 થી વધુ ડ્રોન પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવી છે. 14 ઓક્ટોબરે અમૃતસરમાં શાહપુર બોર્ડર ચોકી પાસે એક ડ્રોન અને 16 અને 17 ઓક્ટોબરે અમૃતસર સેક્ટરમાં બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા સમર્થિત દાણચોરો ચાઈનીઝ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે, જેનો અવાજ ઘણો ઓછો છે અને તે ખૂબ જ ઊંચાઈએ ઉડી શકે છે.

તેમણે કહ્યું કે 14 ઓક્ટોબરે જે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું તે ક્વાડકોપ્ટર (DJI મેટ્રિક્સ) હતું. તેમણે કહ્યું કે મોટાભાગની ડ્રોન પ્રવૃત્તિઓ અમૃતસર અને તરનતારન જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારોમાં કેન્દ્રિત છે. જો કે, ફિરોઝપુર અને ગુરદાસપુર વિસ્તારમાં પણ ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી છે. ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે BSFએ પંજાબ પોલીસ સાથે મળીને આ વર્ષે તરનતારન વિસ્તારમાં માદક દ્રવ્ય અને હથિયારોની સીમા પારથી દાણચોરીમાં સામેલ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગયા મહિને, BSFએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાનથી દાણચોરી કરાયેલ માદક દ્રવ્યો અને હથિયારો એકત્ર કરવા આવતા ભારતીય દાણચોરોને ઠાર કરવાનો નિર્ણય લીધો હતો.

બીએસએફ અધિકારીએ જણાવ્યું હતું કે, “જો કોઈ દાણચોર માલ લેવા અથવા હુમલો કરવા આવે છે, તો કાયદો અમને દાણચોર પર ગોળીબાર કરવાની મંજૂરી આપે છે.” ફોર્સે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા ડ્રોનને તોડી પાડવા માટે તેના કર્મચારીઓને પુરસ્કાર આપવાનું પણ નક્કી કર્યું છે. આ વર્ષે એપ્રિલમાં, BSFએ પાકિસ્તાનમાંથી ડ્રગ્સ, શસ્ત્રો અને દારૂગોળાની દાણચોરી કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની જાણ કરનારને એક લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

Most Popular

To Top