Business

ભારતે દહીં દૂધમાં પગ રાખ્યો છે?!

જે ઘટનાનો કોઈ સંજોગોમાં અને કોઈ દૃષ્ટિએ બચાવ ન થઈ શકે તેનો બચાવ ભારતે કરવો પડ્યો છે કારણ છે મજબૂરી. બહુ મોટી મજબૂરી છે અને એટલે તો દેશના વિરોધ પક્ષોએ અને મોટાભાગના રાજકીય નિરીક્ષકોએ પણ ભારતના વલણનું સમર્થન નથી કર્યું તો ટીકા કરવાનું પણ ટાળ્યું છે. ઘટના છે રશિયાનું યુક્રેન ઉપર આક્રમણ. નાગાઈ, ઉઘાડી નાગાઈ જેનો બચાવ કેવી રીતે થઈ શકે? રશિયનો સહિત આખા જગતનો વિશ્વસમાજ થૂ થૂ કરી રહ્યો છે પણ જેતે દેશોના શાસકોને પોતપોતાની ભૂ-રાજકીય પરિસ્થિતિના આધારે પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને ભૂમિકા લેવી પડે છે અને સ્વાર્થ કરતાં પણ વસમી ચીજ છે મજબૂરી જેનો સામનો ભારત કરી રહ્યું છે. સંકડામણ એવી છે કે આપણા શાસકો નક્કી નથી કરી શકતા કે જાગતિક રાજકારણના ધસમસતા પ્રવાહમાં ક્યાં ઊભા રહેવું? ક્યાં ઊભા રહેવાથી કોણ તારશે અને કોણ પડખે ઊભું રહેશે?

સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે ભારતની મજબૂરી કઈ વાતે છે. એ છે ચીન. ચીન જો રશિયાની સાથે ન હોત તો ભારત માટે વિકલ્પ આસાન હોત પણ ચીન રશિયાની સાથે છે અને ભારત કરતાં પણ ઉઘાડી રીતે સાથે છે. ચીન ઉઘાડી રીતે રશિયાની સાથે એટલા માટે છે કે ચીને અમેરિકાની ચિંતા કરવાની જરૂર નથી, જ્યારે ભારતે અમેરિકાની પણ ચિંતા કરવી પડે એમ છે માટે ભારતે સલામતી સમિતિમાં રશિયાની નિંદા કરતા ઠરાવ પર મત આપવાનું ટાળ્યું છે પણ એ સાથે હળવા શબ્દોમાં રશિયાને સલાહ આપી છે કે તેણે અન્ય દેશના સાર્વભૌમત્વનો અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો આદર કરવો જોઈએ. આની પાછળનો ઉદ્દેશ અમેરિકા અને યુરોપિયન દેશોને રાજી રાખવાનો છે. આ ઉપરાંત ભારતની આબરૂનો પણ સવાલ છે.

આ બાજુ ચીનને આબરૂનો પ્રશ્ન નડતો નથી અને અમેરિકાની તે ચિંતા કરતું નથી. ચીન ભારતથી પણ ભયભીત નથી પણ ભારત ચીનથી ભયભીત છે. એક વાત યાદ રાખવી જોઈએ કે યુદ્ધો માત્ર લશ્કરી સરસાઈથી જીતી શકાતાં નથી જેનો અનુભવ યુક્રેનમાં રશિયાને થઈ રહ્યો છે અને ભારતની તો ચીન ઉપર કોઈ લશ્કરી સરસાઈ પણ નથી. એક વાર માની લો કે ભારત અને ચીન લશ્કરી રીતે સમકક્ષ હોય હોય તો પણ ચીનનો હાથ બીજી અનેક બાબતે ઉપર છે. ચીનની આર્થિક અને બીજી તાકાત એટલી બધી છે કે વખત આવ્યે દરેક દેશ ચીન સાથેના પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને વલણ અપનાવે અને એ વલણ આપણી વિરુદ્ધ અથવા તટસ્થ હોઈ શકે છે જે રીતે ભારતે યુક્રેનની બાબતે વલણ અપનાવ્યું છે. ભારતના વલણના કેન્દ્રમાં પણ આખરે ચીન જ છે ને! ન ઈચ્છવા છતાંય મજબૂરી સતાવે છે.

ચીન સાથેના સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને ભારતે નક્કી કરવાનું છે કે સંકટના સમયે કોણ સાથ આપશે? રશિયા કે અમેરિકા? અમેરિકા ભરોસાપાત્ર નથી એનો ભારતને દાયકાઓ જૂનો અનુભવ છે પણ બીજી બાજુ અમેરિકા ચીન સામેના મોરચાનું નેતૃત્વ કરે છે. એમાં વળી યુરોપના દેશો રશિયાની સામે સંગઠિત થયા છે તે ત્યાં સુધી કે અત્યાર સુધી રશિયા પરત્વે કૂણું વલણ અપનાવતું જર્મની રશિયાની સામે આક્રમક બન્યું છે. રશિયા સામેનો અમેરિકા અને યુરોપનો સંગઠિત મોરચો અને પ્રતિબંધોને કારણે રશિયા ભાંગી પડે તો? રશિયાની અંદર બળવો થાય તો? રશિયા એટલું શક્તિશાળી નથી જેટલું ચાર દાયકા પહેલાં હતું. આમ જોખમ છે અને માટે અમેરિકાને રાજી પણ રાખવું પડે એમ છે. આ બાજુ રશિયા અત્યાર સુધી ભારતનું ભરોસાપાત્ર મિત્ર રહ્યું છે. દરેક સંકટ વખતે ભારતને રશિયાની મદદ મળતી રહી છે પણ એ રશિયા સોવિયેત યુનિયન હતું અને એ શીત યુદ્ધના દિવસો હતા. અત્યારે દિવસો બદલાઈ ગયા છે. અત્યારે ચીને રશિયા અને અમેરિકા એમ બન્ને ઉપર સરસાઈ મેળવી છે.

ભારતને આશા છે કે જો કાલે ચીન સાથે સંકટ પેદા થાય તો રશિયા ચીનને અંકુશમાં રાખવામાં મદદરૂપ થઈ શકે. આ આશા કે ધારણા અદ્ધર નથી પણ એમ જ બનશે એની કોઈ ખાતરી પણ નથી કારણ એ છે કે જાગતિક રાજકારણમાં ચીન સરસાઈ ધરાવે છે, રશિયા નથી ધરાવતું. રશિયાએ ચીનને સાંભળવું પડે, ચીન રશિયાને સાંભળે એ જરૂરી નથી. આ સિવાય રશિયા પોતાનો સ્વાર્થ પણ જુએ. એમાં પણ જો યુદ્ધને અંતે રશિયા વધારે નબળું પડ્યું તો રશિયાની ચીન ઉપરની નિર્ભરતા વધવાની છે માટે ભારતે દહીંદૂધમાં પગ રાખ્યો છે. તો પછી વાતનો સાર શું? વાતનો સાર એટલો જ કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી અને યુદ્ધના પરિણામે તેમ જ અમેરિકા-યુરોપ અને રશિયા વચ્ચેની અથડામણને પરિણામે એકંદરે ચીનને જ ફાયદો થવાનો છે. ચીનનું આધિપત્ય વધશે. આ દીવાલ પરનું લખાણ છે જે ભારતના શાસકોએ વાંચી લેવું જોઈએ. આ સ્થિતિમાં શ્રેષ્ઠ ઉપાય છે, પોતાની તાકાત વધારવાનો. શક્તિસંવર્ધન કરવાનો પણ એ માટે રાષ્ટ્રીય એકતા પહેલી શરત છે. ચીનના શાસકો જગત આખામાં દાદાગીરી કરે છે પણ પોતાની પ્રજાને અંદરોઅંદર લડાવતા નથી. તેઓ સનાતન સત્ય જાણે છે કે જ્યાં કુસંપ હોય ત્યાં બરકત ન હોય.

Most Popular

To Top