Business

હવે સોશિયલ મીડિયા પર સટ્ટેબાજી એપ્સ અને નકલી લોનની જાહેરાતો નહિ દેખાય, કેન્દ્ર સરકારે કર્યો આદેશ

નવી દિલ્હી: સરકારે નકલી લોન એપ (Fake Loan apps) અને સટ્ટાબાજીની એપ (Betting Apps) પર મોટો નિર્ણય લીધો છે. આ એપ્સ પર પ્રતિબંધ (Banned) મૂકવામાં આવી રહ્યો છે. મંગળવારે મંત્રાલયે ગેરકાયદે લોન એપ્સ અને સટ્ટાબાજીની એપ્સને દૂર કરવા માટે સૂચનાઓ જારી કરી છે.

કેન્દ્રીય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે અમે નકલી લોન એપ્સની જાહેરાતો રોકવા પર કામ કરી રહ્યા છીએ. આવી નકલી લોન એપ્સની જાહેરાતો ઘણા પ્લેટફોર્મ પર દેખાય છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે RBIને KYC પ્રક્રિયાને બેંકો માટે વધુ વ્યાપક બનાવવા વિનંતી કરી છે. આ પ્રસ્તાવિત KYC પ્રક્રિયાને ‘Know Your Digital Finance App’ (KYDFA) નામ આપવામાં આવ્યું છે.

તાજેતરના સમયમાં, નકલી લોન એપ્સનું નેટવર્ક ઘણું ફેલાઈ ગયું છે. જે લોકો આવી એપ્સનો શિકાર બને છે તેઓ માત્ર દેવાની જાળમાં ફસાઈ જતા નથી પરંતુ ઘણા કિસ્સામાં પીડિતોએ આત્મહત્યા પણ કરી લીધી છે. આ મામલો ઘણા સમયથી ચર્ચામાં છે અને અત્યાર સુધી સરકારે આવી ઘણી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

જો કે આ એપ્સ કોઈને કોઈ સ્વરૂપે નવા નામ સાથે પાછી આવે છે. આવી એપ્સમાં સૌ પ્રથમ ગ્રાહકોને એક ક્લિકમાં અને દસ્તાવેજો વિના લોન ઓફર કરવામાં આવે છે. ઘણા લોકો આવી લોનની જાળમાં ફસાઈ જાય છે, પરંતુ આ લોન એપ્સ પણ સ્પાયવેરની જેમ કામ કરે છે.

કેવી રીતે કામ કરે છે આ નકલી લોન એપ્સ?
આ એપ્સ ડાઉનલોડ થતાંની સાથે જ લોન પ્રોવાઈડરને યુઝર્સના તમામ ફોટા અને કોન્ટેક્ટ ડિટેલ્સ એક્સેસ થઈ જાય છે. પછી લોન રિકવરીના નામે તેમની અસલી રમત શરૂ થાય છે. આ નકલી એપ્સ પીડિતોને જલદી લોન ચૂકવવા માટે સતત દબાણ કરે છે. ઘણી વખત તેમના ફોટા મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે.

નકલી લોન આપનાર પીડિતાના ફોન પરથી લીધેલા તમામ સંપર્કોનો સંપર્ક કરીને ધમકી પણ આપે છે. બદનામ થવાના ડરથી યુઝર્સ લોન ચુકવવા માટે નવી લોન લે છે અને આ રીતે તેઓ લોનની જાળમાં ફસાઈ જાય છે. સરકાર આવી નકલી લોન એપ્સ અને ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો સતત પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top