National

ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા 1 લાખને પાર પહોંચી: મોદી

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીએ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમોની ઉજવણી શરૂ કરી હતી. DUની આ ઉજવણી 1 મે 2022 ના રોજથી શરૂ થઈ હતી. ત્યારે આ ખાસ પ્રસંગે દેશના વડાપ્રધાનને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે આ સમારોહની ઉજવણી કરવા પહોંચ્યા હતા.

શતાબ્દી સમારોહ પ્રસંગે દિલ્હી યુનિવર્સિટી કેમ્પસમાં ત્રણ નવી ઈમારતોનો શિલાન્યાસ પીએમ મોદીના હસ્તે કરવવામાં આવ્યો હતો. PM મોદીએ DUના કોમ્પ્યુટર સેન્ટર અને યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં નિર્માણ થનારી ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી બિલ્ડિંગ્સ અને એકેડેમિક બ્લોકનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ અવસર પર ડીયુએ વિદ્યાર્થીઓ માટે કેટલીક માર્ગદર્શિકા પણ નક્કી કરી હતી, જેમાં 100 ટકા હાજરી તેમજ કાળા ડ્રેસ પર પ્રતિબંધ સહિતના ઘણા નિયમોનો સમાવેશ કરવામાં આવે છે.

શિક્ષણ એ માત્ર શીખવવાની પ્રક્રિયા નથી, તે શીખવાની પણ પ્રક્રિયા છે: પીએમ મોદી
આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ DUનાં વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને કહ્યું હતું કે  દિલ્હી યુનિવર્સિટીનો ઈતિહાસ ખાસ છે. આ માત્ર યુનિવર્સિટી નહીં, પરંતુ એક મુવમેન્ટ છે. પીએમે વધુમાં ઉમેર્યું શિક્ષણ એ માત્ર શીખવવાની પ્રક્રિયા નથી, તે શીખવાની પણ પ્રક્રિયા છે. ઘણા સમયથી શિક્ષણનું ધ્યાન વિદ્યાર્થીઓને શું ભણાવવું જોઈએ તેના પર જ હતું. અમે શિક્ષણનું ફોક્સ તેના પર પણ કર્યું કે વિદ્યાર્થી શું શીખવા માંગે છે. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોઘતા કહ્યું કે ડીયુએ તમામ મુવમેન્ટને જીવી છે તેણે દરેક ક્ષણમાં જાન ફૂંકી છે. આ ઉપરાંત ડીયુએ પોતાના મૂલ્યોને 100 વર્ષ પછી પણ જીવંત રાખ્યા છે.

શૈક્ષણિક સંસ્થાઓની વિશ્વમાં આગવી ઓળખ બની જેની પાછળ માર્ગદર્શક શક્તિ ભારતની યુવા શક્તિ: PM
પીએમ મોદીએ કહ્યું કે એક સમયે દિલ્હી યુનિવર્સિટીમાં માત્ર 3 કોલેજો હતી આજે 90થી વધુ કોલેજો છે. ભારતની અર્થવ્યવસ્થા એક સમયે ખરાબ સ્થિતિમાં હતી આજે તે વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ ગઈ છે. તેમણે ડીયુના 100 વર્ષના કાર્યકાળ અંગે વાત કરતા જણાવ્યું કે આજે ડીયુમાં ભણતી છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધુ છે એનો અર્થ એ છે કે શૈક્ષણિક સંસ્થાઓના મૂળ જેટલા ઊંડા છે તેટલી દેશમાં શાખાઓ ફેલાઈ છે. આપણી શૈક્ષણિક સંસ્થાઓ વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે તેની પાછળ સૌથી મોટી માર્ગદર્શક શક્તિ ભારતની યુવા શક્તિ છે. એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓ સંસ્થામાં પ્રવેશ મેળવતા પહેલા માત્ર પ્લેસમેન્ટને જ પ્રાથમિકતા આપતા હતા. યુવાનો હવે કંઈક નવું કરવા માંગે છે.

ર્સ્ટાટઅપ અને AI માટે પીએમ મોદીએ કહી આ વાત
ભારતમાં ર્સ્ટાટઅપ અંગેની વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં થોડાક જ સ્ટાર્ટઅપ હતા. હવે ભારતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. AI અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ‘AI અને VR હવે સાયન્સ ફિક્શન નથી તે આપણા જીવનનો એક અભિન્નઅંગ બની ગયા છે. ડ્રાઇવિંગથી લઈ સર્જરી સુધી બધું જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી શક્ય બની રહ્યું છે. ભારતના વિજ્ઞાને સમગ્ર વિશ્વને નવી દિશા બતાવી છે.

સદીના ત્રીજો દાયકો ભારતની વિકાસયાત્રાને નવી ગતિ આપશે: PM મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં તેઓ થોડાં દિવસ પહેલા અમેરિકા ગયા હતા તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતના યુવાનો પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે. તેમણે કહ્યું 100 વર્ષ પહેલા આઝાદીનું લક્ષ્ય હતું. હવે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે.  સદીના ત્રીજો દાયકો ભારતની વિકાસયાત્રાને નવી ગતિ આપશે. વડાપ્રધાનનું સંબોધન પૂરું થતાંની સાથે જ DUના પરિસરમાં ‘જય શ્રી રામ’ના નારા ગુંજવા લાગ્યા હતા.

Most Popular

To Top