National

સંયુક્ત કિસાન મોરચાની જાહેરાત- આંદોલન ચાલુ રહેશે, PMને પત્ર લખી MSP ગેરંટી બિલ માટે કમિટીની માંગણી કરાશે

નવી દિલ્હી: (Delhi) સરકારે કૃષિ કાયદા (Agricultural laws) રદ કરવાની જાહેરાત કરી હોવા છતાં સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)નું આંદોલન હાલમાં ચાલુ રહેશે. રવિવારે એસકેએમની (SKM) બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય કિસાન યુનિયન રાજેવાલના પ્રમુખ બલવીર સિંહ રાજેવાલ અને જતિન્દર સિંહ વિર્કે જણાવ્યું કે, 22 નવેમ્બરે લખનૌમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે. 26 નવેમ્બરે ઘણા ખેડૂતો આવી રહ્યા છે. ત્યારબાદ, 27 એ આંદોલનના આગામી પગલાઓ અંગે વિચાર કરવામાં આવશે.

રાજેવાલે કહ્યું કે, વડાપ્રધાની જાહેરાત બાદ હજુ સુધી સરકારે ચર્ચા માટેની અપીલ કરી નથી. વડાપ્રધાનની જાહેરાત હાલમાં સ્વાગતના લાયક નથી. કારણ કે, હજુ સુધી કાયદા રદ કરવાની માત્ર જાહેરાત જ કરાઇ છે. હજુ સુધી એમએસપી ગેરંટી બિલ લાવવામાં આવ્યું નથી. તેમજ અન્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેને આવકારવામાં આવશે નહીં. કેન્દ્રીય કેબિનેટ 24 નવેમ્બરે ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની મંજૂરી પર વિચાર કરશે. ત્યારબાદ, સંસદના શિયાળુ સત્રમાં કાયદાઓ પરત ખેંચવાનું બિલ રજૂ કરવામાં આવશે.

રાજેવાલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખવામાં આવી રહ્યો છે. જેમાં એમએસપી ગેરંટી બિલ માટે સમિતિની રચના કરવી, વીજળીનું બાકી બિલ રદ કરવું અને પરાલી બાળવા અંગેના કાયદાને રદ કરવાની માંગણીઓ કરવામાં આવશે.
મોરચો એ વાત પર મક્કમ છે કે, ત્રણેય કાયદા પહેલા સંસદમાં રદ કરવામાં આવે. આ પછી એમએસપી ગેરંટી બિલ લાવવું, વીજળી સંશોધન બિલ લાવવું. ત્યારબાદ જ ખેડૂતો ઘરે પરત ફરશે. લખનૌમાં મહાપંચાયત દરમિયાન પણ આ જ માંગણી કરવામાં આવશે.

Most Popular

To Top