National

ભારતે કેનેડાના ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો

નવી દિલ્હી: ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના સભ્ય લખબીર સિંહ લાંડાને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. ભારત સરકારે આ નિર્ણય ગેરકાનૂની પ્રવૃત્તિઓ કાયદા હેઠળ લીધો છે. પંજાબના તરનતારન જિલ્લાનો રહેવાસી લાંડા 2017માં કેનેડા ભાગી ગયો હતો. ઉપરાંત લાંડાને પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર હરવિંદર સિંહ ઉર્ફે રિંડાનો નજીકનો માનવામાં આવે છે. જેણે BKI સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારથી જ તે ઘણી આતંકી ગતિવિધિઓમાં પણ સામેલ રહ્યો છે.

33 વર્ષીય કેનેડિયન ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા વિરૂદ્ધ ગૃહ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડીને આ નિર્ણયની જાણકારી આપી હતી. સૂચના અનુસાર, લાંડા પાકિસ્તાનથી ભારતમાં દાણચોરી કરીને આવતા હથિયારો અને IED ઉપકરણો પર નજર રાખે છે. લાંડા 9 મે, 2022ના રોજ પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ છે. પંજાબ પોલીસ અને NIAએ આ મામલે તેની વિરુદ્ધ કેસ પણ નોંધ્યો હતો. જો કે હાલ તે ફરાર છે અને કેનેડામાં છુપાયેલો છે.

લાંડા કેનેડામાં ખાલિસ્તાની તત્વો (PKE) સાથે પણ સંકળાયેલો છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર લાંડા પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સરહદ પારથી વિવિધ મોડ્યુલને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), હથિયારો, અત્યાધુનિક હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરે છે. આ સાથે જ પંજાબની સાથે તે દેશના વિવિધ ભાગોમાં પણ આતંકવાદી મોડ્યુલ તૈયાર કરે છે. આ સાથે જ લાંડાની ગતિવિધીઓમાં ખંડણી, હત્યા, બ્લાસ્ટ, માદક દ્રવ્યોની દાણચોરી અને હથિયારોનો પણ સમાવેશ થાય છે. 2021માં લાંડા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ NIAએ તેના પર ઈનામ પણ જાહેર કર્યું હતું.

લાંડા કોણ છે?
લાંડા મૂળ પંજાબનો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં રહે છે. તેમજ તે ભારત વિરુદ્ધ ષડયંત્રો રચવામાં સામેલ છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબ પોલીસે કેનેડા સ્થિત આતંકવાદીઓ સાથે જોડાયેલા 48 સ્થળો પર દરોડા પાડ્યા હતા. 21 સપ્ટેમ્બરના રોજ એક વેપારી પર બે હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલે વેપારીએ કહ્યું હતું કે તેને કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે લાંડાની નજીક હોવાનો દાવો કર્યો હતો અને 15 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ કારણે થયેલા સર્ચ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

Most Popular

To Top