National

23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ” તરીકે ઉજવવામાં આવશે, કેન્દ્ર સરકારે કર્યું એલાન

નવી દિલ્હી: ભારતમાં (India) દર વર્ષે 23મી ઓગસ્ટે ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ (National Space Day) ઉજવવામાં આવશે. આ અંગે ભારત સરકારે એક જાહેરાત કરી છે. મિશન ચંદ્રયાન હેઠળ, વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું અને તે જ દિવસે પ્રજ્ઞાન રોવરને પણ ચંદ્રની સપાટી પર તૈનાત કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3 (Chandrayaan-3) મિશનની સફળતાને ધ્યાનમાં રાખીને, ભારતમાં હવેથી દર વર્ષે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવશે. ભારત સરકારે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે 23 ઓગસ્ટ 2023ના રોજ વિક્રમ લેન્ડરના ઉતરાણ અને પ્રજ્ઞાન રોવરની તૈનાતી સાથેના મિશનની સફળતાની યાદમાં દેશમાં દર વર્ષે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે.

ભારતને ચંદ્રયાન 3 મિશનથી ઘણી અપેક્ષાઓ હતી. અગાઉ ચંદ્રયાન 2 મિશન નિષ્ફળ ગયું હતું, ત્યારબાદ ભારતે ચંદ્રયાન 3 પર કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે ચંદ્રયાન 3 ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને ચંદ્રયાન સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું, ત્યારે સમગ્ર વિશ્વમાં ભારતને તાળીઓ મળી હતી. તમને જણાવી દઈએ કે ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે. ઈસરોની આ સફળતા પર મોદી કેબિનેટે આ વર્ષે 23મી ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની મંજૂરી આપી છે. આ અંગે એક પ્રસ્તાવ જારી કરવામાં આવ્યો હતો, જેને હવે સરકારે મંજૂરી આપી દીધી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, આ દિવસ અવકાશ મિશનમાં દેશની પ્રગતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે યુવા પેઢીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે અને અવકાશ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે. તેથી, ભારત સરકારે આ ઐતિહાસિક ક્ષણની યાદમાં દર વર્ષે 23મી ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ’ તરીકે જાહેર કર્યો છે.

ચંદ્રયાન 3 હજી પણ ચંદ્રની સપાટી પર સક્રિયપણે માહિતી એકત્રિત કરી રહ્યું છે. આ સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, ચીન અને સોવિયત સંઘ ચંદ્ર પર પહોંચી ચૂક્યા છે. ચંદ્રયાન 3 એ વૈજ્ઞાનિકોને મૂલ્યવાન ડેટા આપ્યો છે. ચંદ્રયાનના પ્રજ્ઞાન રોવરના ડેટા પરથી જાણવા મળ્યું છે કે ચંદ્રની માટીમાં આયર્ન, ટાઇટેનિયમ, એલ્યુમિનિયમ અને કેલ્શિયમ છે. આ સિવાય સલ્ફર પણ વૈજ્ઞાનિકોને ચોંકાવી દે તેવું જોવા મળ્યું છે. આ અંગે વોશિંગ્ટન યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રોફેસરે એક લેખ લખતા કહ્યું કે ચંદ્રની માટીમાં સલ્ફર હાજર છે.

Most Popular

To Top