Sports

Ind vs SA 3rd ODI Match: ભારતીય ટીમ રચશે ઈતિહાસ, દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે હરાવવાની બીજી સુવર્ણ તક

પાર્લ: આજનો દિવસ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે ખૂબ જ ખાસ દિવસ છે. કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા (South Africa) સામે 3 મેચની વનડે (One Day) સીરિઝની છેલ્લી મેચ રમવાની છે. ત્યારે પ્રથમ બે મેચમાં ઓપનિંગ જોડીની નિષ્ફળતા બાદ ભારતીય ટીમ આજે ગુરુવારે રમાનારી ત્રીજી અને અંતિમ નિર્ણાયક વનડેમાં દક્ષિણ આફ્રિકા (South Africa) સામે જીતવા માટે બનતા પ્રયાસો કરશે. ભારતે (India) વનડે સીરિઝમાં માત્ર એક જ વાર દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. તેનું પુનરાવર્તન કરવા માટે ભારતીય ટીમને ઓપનર (Opener) ઋતુરાજ ગાયકવાડ અને સાઇ સુદર્શનના સારા પ્રદર્શનની જરૂર પડશે.

સુદર્શને પ્રથમ બે મેચમાં 55 અને 62 રન બનાવ્યા હતા. જ્યારે ગાયકવાડે માત્ર પાંચ અને ચાર રન બનાવ્યા હતા. પ્રથમ મેચમાં ભારતીય ઓપનિંગ જોડી માત્ર 23 રનની ભાગીદારી કરી શકી હતી. તેમજ બીજી મેચમાં માત્ર ચાર રનની ભાગીદારી કરી શકી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાના ઓપનર ટોની ડી ઝોર્ઝીએ પ્રથમ સદી ફટકારીને રિઝા હેન્ડ્રીક્સ સાથે શતકીય ભાગીદારી પણ કરી હતી.

ભારતનો તિલક વર્મા તેની પ્રતિભા સાથે ન્યાય કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટી-20 સીરિઝ બાદ તે દક્ષિણ આફ્રિકા સામે પણ નિષ્ફળ રહ્યો હતો. ગાયકવાડ અને તિલકે તેમની જાણીતી લય શોધવી પડશે કારણ કે મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર નથી. ટોપ ઓર્ડરના બેટ્સમેનો માટે રાહતની વાત છે કે બોલેન્ડ પાર્કની પીચ બેટ્સમેનો માટે મદદરૂપ છે.

ટીમ મેનેજમેન્ટ ગત મેચમાં 12 રન બનાવીને આઉટ થયેલા સંજુ સેમસનને બીજી તક આપી શકે છે. ટીમ મેનેજમેન્ટ અનુભવી લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને પણ તક આપી શકે છે. તેણે વિજય હજારે ટ્રોફીમાં હરિયાણા માટે સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટે કુલદીપ યાદવ અથવા અક્ષર પટેલમાંથી એકને બહાર રાખીને ચહલ માટે જગ્યા બનાવવી પડશે.

Most Popular

To Top